Business

ઘડિયાળની ટીક ટીક

એક પૈસાદાર જમીનદાર પોતાના અનાજના કોઠારનું નિરીક્ષણ કરવા આવ્યો…અને બધું જોતા તેનું ધ્યાન તેના હાથ પર ગયું અને જૂયું તો કાંડા પર પહેરેલી લાખ રૂપિયાની મોંઘી ઘડિયાળ ગાયબ…અનાજના કોઠારમાં તે ક્યાંક પડી ગઈ હતી.જમીનદારે આમતેમ શોધા શોધ કરી પણ ઘડિયાળ ન મળી તેણે ખેતરમાં કામ કરતા મજુરોને બોલાવ્યા અને તેમને કહ્યું, ‘બધા કામ છોડીને પહેલા મારી ઘડિયાળ શોધો.

જે શોધી આપશે તેને હુ ઈનામ આપીશ ’ બધા મજૂરો અને તેમના પરિવારજનો બધા જ ઘડિયાળ શોધવા લાગ્યા. ચારેબાજુ દોડાદોડ અને ધમાલ થઇ ગઈ…બધા એક પછી એક અનાજની ગુણીઓ , કાપેલા ઘાસની ગંજી બધું આમતેમ હટાવી હટાવીને ઉપર નીચે કરીને ઘડિયાળ ગોતી રહ્યા હતા.ચારે બાજુ કોલાહલ હતો ઘણી મહેનત બાદ પણ કોઈને ઘડિયાળ મળી નહી.જમીનદાર નાસીપાસ થયા અને થોડા ગુસ્સે પણ …વાંક કોઈનો ન હતો.બધા જ ઘડિયાળ શોધવાની બનતી કોશિશ કરી રહ્યા હતા.

એક યુવાન જમીનદાર પાસે આવ્યો અને કહ્યું, ‘હું ઘડિયાળ શોધી આપીશ પણ પહેલા બધાને કહો કે કોઠારની બહાર નીકળી જાય અને દુર ઉભા રહે ત્યાં પણ કોઈ અવાજ કરે નહિ.’જમીનદારે કહ્યું, ‘ઠીક છે તું એક પ્રયત્ન કરી જો પણ આ બધાને ન મળી તો તું એકલો આટલા મોટા કોઠારમાંથી ઘડિયાળ શોધી શકીશ ખરો.’યુવાને કહ્યું, ‘કોશિશ પુરેપુરી કરીશ.’અને જમીનદારે બધાને કોઠારની બહાર નીકળીને ચુપચાપ દુર ઉભા રહેવા કહ્યું. યુવાન કોઠારની અંદર ગયો અને થોડીવારમાં યુવાન હાથમાં ઘડિયાળ લઈને આવ્યો અને જમીનદારને સોંપી.જમીનદાર ખુશ થઇ ગયા અને યુવાનને ઇનામ આપતા પૂછ્યું કે, ‘તે ઘડિયાળ કઈ રીતે શોધી?’યુવાને કહ્યું, ‘હું કોઠારમાં ગયો અને આમતેમ દોડાદોડ કરવાને બદલે શાંતિથી પલાંઠી વાળીને જમીન પર બેસી ગયો…થોડીવાર બાદ એકદમ શાંતિમાં મને ઘડિયાળની ટિક ટિક સંભળાઈ અને જે દિશામાંથી અવાજ આવતો હતો ત્યાં જઈને મેં શોધ્યું અને મને ઘડિયાળ મળી ગઈ.’

જમીનદારે યુવાનને શાબાશી આપી. આ નાની વાર્તા મોટી સમજ આપે છે આપણે જીવનમાં મહત્વની વસ્તુ શોધવા કે ખાસ મંઝીલ પામવા નીકળીએ છીએ અને રોજબરોજના કામકાજ ,વસ્તુઓ અને પર વિનાના ઘાસના ઢગલાઓ જેવા કામોમાં ખોવાઈ જઈએ છીએ.અને એટલે આપણને પ્રેમ,સફળતા, શાંતિ ,લાગણી કશું જ જે જોઈએ છે તે મળતું નથી.જલ્દીથી મેળવવા આપણે વધુ જોશથી તેની પાછળ ભાગીએ છીએ પણ કશું જ પ્રાપ્ત થતું નથી. મનને શાંત કરી જે જોઈએ છે તે તરફ કેન્દ્રિત કરીએ , આજુબાજુના કોલ્હાલથી દુર થઈએ તો જે જોયતું હશે તે ચોક્કસ મળશે.અને સાથે સાથે મળશે મનની સ્થિરતા.        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top