Comments

ભારત સાથેની દોસ્તીમાં અમેરિકા ગંભીર જણાતું નથી

અમેરિકી પ્રમુખ જો બાઇડન પોતાના વકતવ્યોથી કે પોતાના કર્મોથી સ્પષ્ટતા કરી શકતાં નથી કે પોતે કઇ દિશા તરફ જવા માગે છે. બાય એન્ડ લાર્જ એક એવું ચિત્ર ઉપસે છે કે તેઓ મિત્રો કે વિરોધીઓ, કોઇને પણ મળે ત્યારે મરક મરક હસે છે અને ડબલ ઢોલકી વગાડે છે. શકય છે કે અમેરિકાનાં હિતોની એ સૌથી વધુ ખેવના કરતા હોય, પરંતુ એ પ્રયાસ કે પ્રવૃત્તિઓ પણ શંકાસ્પદ છે. કારણ કે તેમાં કોઇ એક મોટા સમાજનું કે દેશનું મોટું નુકશાન એ કરી બેસે છે.

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના થોડા દિવસો અગાઉ બાઇડન રશિયાને ચેતવણી આપતા હતા કે જો હુમલો કર્યો છે તો યાદ રહી જાય તેવો પાઠ તત્કાળ રશિયાને ભણાવવામાં આવશે. આવું વારંવાર બોલવાનું પરિણામ એ આવ્યું કે યુક્રેનના લોકો ખોટા વહેમમાં રહ્યાં અને જીજાનથી લડયાં. બીજી તરફ રશિયાને યુક્રેન પર,અમેરિકાનો પડકાર ઝીલી લેવાને વાસ્તે, યુક્રેન પર ચડાઇ કરવાની ચાનક ચડી.

બાઇડન મરક મરક હસવા સિવાય કશું કરી શકયા નથી. ગયા વરસે ખ્રિસ્તી ક્રિસમસના દિવસે પૂર્વાયોજન વગર યુક્રેનના કીવ જઇ ચડયા. કીવમાં પ્રમુખ વ્લાદીમીર ઝેલેન્સ્કી સાથે અમુક સ્મારકો પર પગપાળા ગયા અને ફૂલો ચડાવ્યા. આજકાલ વિજ્ઞાન વારંવાર કહે છે કે જીવનમાં આરોગ્ય માટે ચાલવું ખૂબ જરૂરી છે. એ એક નિયમ યુક્રેન જઇને નિભાવી આવ્યા. એમ હતું કે અમેરિકા જઇને યુક્રેનને મોટી મદદ આપશે. એવું કશું થયું નહીં. બધા પૂછતાં રહી ગયાકે હીરો ઘોઘા શું કામ ગયો હતો? ડેલે હાથ દેવા માટે?

યુક્રેનના પૂર્વના અમુક વિસ્તારો પર રશિયાએ કબજો જમાવ્યો છે. જો અમેરિકાએ ઝેલોસ્કીને વહેમમાં ન રાખ્યા હોત તો અમુક પ્રદેશોનો કબજો રશિયાને મળે એ રીતે સમાધાન થઇ શકયું હોત. પુતીન અને રશિયાની જીત સમજશે. તેથી તેમ થવા નહીં દે. પણ જો બાયડન સાહેબ અને અમેરિકા હમણાથી સંકેતો આપી રહયા છે કે હવે યુધ્ધ માટે યુક્રેનને આપવાના નાણાં અમેરિકા પાસે નથી. ખલ્લાસ થઇ ગયાં છે. તો પછી લાંબો સમય સુધી યુક્રેનને તબાહ શા માટે થવા દીધું? બાકો સહીત નિર્દોષ યુક્રેનીઅનોનો સંહાર શા માટે ચાલુ રખાવ્યો?

પુતીન અને રશિયાને ઘણું મોટું નુકશાન થયું છે, પણ છતાં હાલમાં તો પુતીન જ વધુ મજબૂત બનીને બહાર આવ્યા છે. અમેરિકાએ એમને વોર ક્રિમિનલ જાહેર કર્યા છે. પણ બાયડનના કાર્યકાળમાં બાયડનની નીતિઓને કારણે શ્રેષ્ઠ મિત્ર હતું તે હવે ખાસ મિત્ર રહ્યું નથી એવા સાઉદી અરેબિયાની મુલાકાતે પુતીન જઇ આવ્યા અને ન તો એમની ધરપકડ થઇ શકી કે ન તો અમેરિકા હરફ ઉચ્ચારી શકયું. યાદ રહે કે સાઉદી અરેબિયા સાથેનાં સંબંધો અગાઉની માફક હૂંફાળા નથી રહ્યા તે માટે યુક્રેન યુધ્ધ સંબંધમાં અમેરિકાએ તેલ ઓઇલ બાબતમાં જે નીતિ અપનાવી હતી તે કારણભૂત છે.

જો બાયડને અફઘાનિસ્તાનમાંથી અચાનક ઉછાળા ભર્યા અને રવાના થઇ ગયા ત્યારે કારણ આપ્યું કે ચીન સામે બરાબર લડી શકાય તે માટે અફઘાનિસ્તાને પડતું મૂકયું છે. પણ યુક્રેન યુધ્ધ બાદ  ચીન, રશિયા અને સાઉદી અરેબિયાની ધરી વધુ મજબુત બની છે. સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચે જે દાયકાઓથી વૈમન્સ્ય ચાલી રહ્યું હતું તે પણ ચીનની દરમિયાનગીરીથી દૂર થયું છે. એટલે એ ધરીમાં હવે ઇરાનને પણ ગણી શકાય. બેશક, શસ્ત્રની બાબતમાં અમેરિકા દુનિયાનો સૌથી શકિતશાળી દેશ છે. એનો નૌકા કાફલો ભૂમધ્ય સાગરમાં તહેનાત કરાયો છે તેથી ગાઝા યુધ્ધના સિનારિયોમાં ઇરાન, સિરિયા, તુર્કીયે વગેરે ચૂપ બનીને બેઠા છે. પણ અમેરિકા પાસે બાંધી મુઠ્ઠીના દામ ઉપજાવવાની આ છેલ્લી તક છે. જેમ યુક્રેનની બાબતમાં અમેરિકા પાણીમાં બેસી ગયું, તેમ સિનારિયો વણસે અને મધ્ય-પૂર્વમાં ચૂપ બેસી રહેશે તો જગત પરની અમેરિકાની આણ ઓસરી જશે. જો કે આમ થવું સાવ અશકય નથી છતાં અશકય છે.

જો બાયડન અને એમની સરકાર ઘણા સમયથી ભારતને વ્યુહાત્મક ભાગીદાર, સ્ટ્રેટેજિક પાર્ટનર ગણાવે છે. પણ અમેરિકા પોતે એ રીતે વર્તન કરતું નથી. ઘણા વાંકદેખા લોકો એમ પણ કહે છે કે નરેન્દ્ર મોદીએ અમેરિકામાં હયુસ્ટન ખાતે સપ્ટેમ્બર 2019માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ સૂત્ર ઉચ્ચાર્યું હતું ત્યારથી જો બાઇડન વ્યકિતગત સ્તરે નરેન્દ્ર મોદીથી નારાજ છે. એ દિવસોમાં બાયડન અને હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે જે નિવેદનો આપ્યા હતા તે આજે નરેન્દ્ર મોદી ફરીથી સાંભળે તો ફરીથી નારાજ થઇ જાય. પણ લાગે છે કે ભારતનાં હિતોને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઇ વ્યકિતગત અપમાનોને વિસારે પાડી દેતા હોય છે. પરંતુ પ્રમુખ બાયડન પોતાના સ્ટ્રેટેજિક પાર્ટનર સાથે શા માટે સીધા ચાલતા નથી? તે સવાલ અકળાવનારો છે.

જે સવાલ કે નાનકડો એક ટેબલ પર બેસીને થોડી ક્ષણોમાં જ ઉકેલાઇ ગયો હોત તેને જો બાયડને તલમાંથી તાડનું ઝાડ બનાવ્યો છે. અગાઉ પણ પોતાના જ ડેમોક્રેટિક પક્ષના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પાસે ભારતમાંની અસહિષ્ણુતા વિષે એલફેલ વાકયો બોલાવ્યા હતા. આ બરાક ઓબામા રાષ્ટ્રપતિ  હતા ત્યારે પણ અમેરિકા ખાતેની ભારતીય રાજનયિક દેવયાની ખોબ્રાગડે પર કેસ કરાવ્યો હતો અને પ્રીત ભરારા નામના અમેરિકન-ઇન્ડિયન પ્રોસીકયુટર અધિકારીને માથે ચડાવ્યા હતા.

કેનેડાના જસ્ટીન ટ્રુડોએ ભારત વિરૂધ્ધ ખોટા આળ મૂકયા અને કંઇ પુરવાર કરી શકયા નથી. ભારતે પણ ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો. કદાચ ભારતની અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની આ તથાકથિત ‘ગુસ્તાખી’ અમેરિકાને ગળે ઊતરી નથી. અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા ધરાવતો ગુરપતવંત સિંહ પન્નુ નામનું પ્યાદું અમેરિકાએ આગળ ધર્યું છે. અમેરિકાની સરકારે અખબારોમાં, મિડિયામાં માહિતી લીક કરીને ભારત સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.

ગઇ 29 નવેમ્બરના રોજ અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટે પોતાએ પન્નુ અને કેનેડામાં માર્યા ગયેલા આતંકવાદી નીજ્જરને શિખ ટેરરિસ્ટસ બતાવવાને બદલે શિખ એકટિવિસ્ટો ગણાવ્યા. ભારત સરકારના એક ટોચના અધિકારી, જેનું કોડનેમ ‘સીસી-વન’ જાહેર કરવામાં આવ્યું છે, તેણે અમેરિકામાં વસતા એક નિખિલ ગુપ્તાને પન્નુને મારી નાખવા માટે એક લાખ ડોલરની સોપારી આપી હતી. એ વિગતો પણ જસ્ટીસ ડિપાર્ટમેન્ટે જાહેર કરી. તેમાં એ જણાવવામાં આવ્યું છે કે અમેરિકન સરકારના જાસૂસોએ પન્નુની હત્યાનો એ પ્લોટ નિષ્ફળ બનાવ્યો છે.

સામાન્ય પણે કયાંય પણ રહીને ત્રાસવાદને ઉશ્કેરવા માટેના વકતવ્યો આપવા, તે માટેની પ્રવૃત્તિઓ ચલાવવી તે ગુનો છે. અને અમેરિકાની નજરે જે લોકો એ પ્રકારનો ગુનો કરતા હતા તેઓને નશ્યતે પહોંચાડવા માટે અમેરિકાએ જગતભરમાં, ખાસ કરીને મુસ્લિમ દેશોમાં ત્રણ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરીને યુધ્ધો લડયા છે. એ યુધ્ધમાં હજારો નિર્દોષ લોકો માર્યા ગયા છે. પણ એ જ અમેરિકા અને કેનેડાની ભૂમિ પર રહીને પન્નુ એર-ઇન્ડિયાના વિમાનોને તોડી પાડવાની ધમકી આપે છે. તેની સામે કામ લેવાને બદલે શિખ એકિટવિસ્ટ ગણાવીને બાયડન અમેરિકાને માથે ચડાવે છે તેનું નામ ડબલ ઢોલકી.

અમેરિકાના આમ નાગરિકો અને ભારતના આમ નાગરિકો વચ્ચે દુનિયામાં જે સરખાપણુ છે તે ગજબનું છે. બંને પ્રજા વિજ્ઞાન આધારિત પ્રગતિમાં માને છે. એક સૌથી શ્રીમંત તો બીજી સૌથી મોટી લોકશાહી છે અને પુરવાર થયેલી લોકશાહી છે. બંને પ્રજા ધર્મ ઝનૂની નથી. મોટા ભાગની વસતિઓ વિચારશીલ છે.અમુક યુરોપના દેશો પણ આ કોષ્ટકમાં ફીટ બેસે છે. નિષ્કર્ષ એ છે કે અમેરિકા અને ભારત બંનેની મિત્રતા આકાશને આંબે એટલી ઊંચે જઇ શકે તેમ છે.

પણ ખાલિસ્તાની તરફ હમદર્દી દાખવીને અમેરિકા તેમાં છેદ કરતું રહે છે. હવેનો સમય લોકોને લાંબો સમય ઉલ્લુ બનાવવાનો રહ્યો નથી. અમેરિકાના બાયાનને કદાચ એ જ્ઞાન નહીં હોય કે જેઓ ભારતને તોડવા માગતા હોય તેઓને સમર્થન આપવું એટલે ભારતની સમગ્ર પ્રજાની નારાજગી વહોરી લેવી. આ મુદ્દા પર ભારત તેમજ અમેરિકા બંનેમાં બાયડન મહાશયની કડક ટીકાઓ થઇ રહી છે. અમેરિકા કયારેય ખુલ્લીને ભારતનું મિત્ર બન્યું નથી.

ભારત સાથેની મિત્રતાનો દાવો કરે પણ કાશ્મીર, પાકિસ્તાન વગેરે બાબતમાં એ વખતોવખત ભારત વિરોધી પણ પ્રગટ થયું છે. આ રીતે બેવડી ઢોલકી વગાડીને અમેરિકા ચીન સામે મોરચો માંડી શકશે નહીં. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું. પણ જે રીતે શ્રીમંતો વરતે, શ્રીમંતો ફરમાનો બહાર પાડે તે રીતે ગરીબો વર્તી શકે? પોતાની ઝુપડીઓને આગ લગાડી શકે? દરેકના પોતપોતાનાં હિતો હોય છે અને તેને માન અપાય તો જ દોસ્તી બંધાય અને ટકી રહે. અમેરિકાને બદલે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો તો પણ એ નારાજ. અમેરિકા પાસેથી માગો તો આપવા નથી. જયારે એને વેચવા હોય ત્યારે જ આપણે ખરીદવા? એ કેવી રીતે બને? અમેરિકાના વયોવૃધ્ધ બાળસહજ હઠ લઇને બેસી જાય છે. આ રીતે મિત્રતા ટકે ખરી?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top