શહેરની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ સાથે જોવા મળ્યા
સરકારી સહિતની શાળાઓમાં યોગા, રોબોટિક્સ, સંગીત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન થયું
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પરનો શૈક્ષણિક બોજ ઘટાડવા અને વ્યવહારુ જ્ઞાન આપવા માટે શરૂ કરાયેલ ભાર વગરનું ભણતર સૂત્ર અંતર્ગતનો બેગલેસ ડે અભિયાન વડોદરામાં નબળું પુરવાર થયું છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વગર શાળાએ આવવાનું અને નિયમિત અભ્યાસને બદલે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવાની જોગવાઈ હોવા છતાં શનિવારે પણ શહેરની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ સાથે જોવા મળ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હોવા છતાં વડોદરાની અનેક શાળાઓએ વિદ્યાર્થીઓ કે વાલીઓને બેગલેસ ડે વિશે કોઈ જાણ કરી ન હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને શાળા તરફથી શનિવારે બેગ ન લાવવા અંગે કોઈ સૂચના મળી નથી. સરકારનો બાળકો પરનો અભ્યાસનો રાજ્ય સરકાર દ્વારા શનિવારને બેગલેસ ડે તરીકે જાહેર કરવાના નિર્ણયનો , તેના અમલના પ્રથમ શનિવારે જ, જાણે સુરસુરિયો થઈ ગયો હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળ્યા હતા. શહેરના કારેલીબાગ સ્થિત બ્રાઈટ ડે સ્કૂલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ શનિવારે પણ પોતાની સ્કૂલ બેગ સાથે જ શાળાએ પહોંચ્યા હતા. જે સરકારી આદેશના ઉલ્લંઘન સમાન છે. પરિપત્ર મોડો મળ્યો આ અંગે બ્રાઈટ સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક સાધવામાં આવતા, તેમણે દાવો કર્યો કે તેમને શિક્ષણ વિભાગ તરફથી આ અંગેનો પરિપત્ર મોડો મળ્યો હોવાથી આજે આ નિર્ણયની અમલવારી કરી શક્યા નથી. જોકે, આ ઘટના વડોદરાના શિક્ષણાધિકારીઓની શાળાઓ પરની પકડના અભાવ અને શાળા સંચાલકોની બેફામતા સ્પષ્ટપણે દર્શાવે છે. જેઓ સરકારના નિર્ણયોનું પાલન કરવામાં બેદરકાર જણાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને શાળા તરફથી બેગ વગર આવવા અંગે કોઈ જ જાણકારી આપવામાં આવી ન હતી. બીજી તરફ, વાલીઓએ સરકારના આ નિર્ણયને ખૂબ સારો ગણાવ્યો હતો. પરંતુ તેની યોગ્ય અને સમયસર અમલવારી થશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભણતરના ભારને હળવો કરવા માટે શનિવારે શાળાઓમાં બેગલેસ ડે નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેની શિક્ષણજગતમાં વ્યાપક સરાહના થઈ હતી. જોકે, તેના પ્રથમ દિવસે જ થયેલા આ અમલીકરણના અભાવે, આ યોજનાની સફળતા અને સરકારના નિયમન પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. બોજ ઘટાડવાનો અને તેમને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત જીવનમાં ઉપયોગી વ્યવહારુ જ્ઞાન આપવાનો આ સરાહનીય પ્રયાસ યોગ્ય અમલીકરણના અભાવે નિષ્ફળ જઈ રહ્યો છે. શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવી તમામ શાળાઓમાં બેગલેસ ડે અભિયાનનો યોગ્ય અને ફરજિયાત અમલ થાય તે સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી છે. જો આ રીતે જ સરકારી યોજનાઓનો અમલ થશે તો તેના મૂળભૂત હેતુઓ સિદ્ધ થઈ શકશે નહીં. જ્યારે, વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અકોટાની ભારતી પ્રાથમિક શાળામાં યોગા, રોબોટિક્સ, સંગીત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન થયું! નીસીધ દેસાઈએ હાજરી આપી બાળકોના ઉત્સાહને વખાણ્યો હતો. આ દિવસે બાળકો ભણતરની રજા સાથે રચનાત્મક શીખવણીમાં જોડાયા હતા.
