Vadodara

વડોદરા : છાણી ટીપી 13 વિસ્તારમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ વચ્ચે થઈ મારામારી

ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ઠપકો આપ્યો

મહિલા કોર્પોરેટર અને વોર્ડ નં.1ના ભાજપના ઉપપ્રમુખ દ્વારા થયું હતું આયોજન

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

છાણી ટીપી 13 વિસ્તારમાં રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર અંતર્ગત હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શરૂ થયું હતું. દરમિયાન ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામસામે છુટા હાથની મારા મારી થતા ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.

ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નં.1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ રહી હતી. પરંતુ ગઈકાલે રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી. તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી. અડધો કલાક સુધી બોલાચાલી અને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. મારામારીમાં ત્રણથી ચાર યુવકને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી. જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ખેલદીલીપૂર્વક રમવુ જોઈએ નહી તો રમવું જોઈએ નહીં અને ટ્રોફી તોડી નાખી તે ખોટું કર્યું છે તેમ કહી ઠપકો આપ્યો હતો.

Most Popular

To Top