દેવેન્દ્રસિંહ પાંજરોલિયા
આખરે જે થવાની આશંકા હતી તે થવાની શરૂઆત થઈ ગઈ છે. જે રીતે ખુલ્લેઆમ તમામ ધર્મોના લોકો માટે લાલ જાજમ પાથરીને લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં આવકાર આપવામાં આવ્યો તે શહેરમાં સક્રિય હિન્દુ સંગઠનો સામે સીધો પડકાર હતો. આ ગરબાના સંચાલકો જાણે એવો પડકાર ફેંકી રહ્યા હતા કે તમારાથી થાય તે કરી લો, અમારા ગરબા તો તમામ લોકો માટે ખુલ્લા એટલે કે ઇન્કલુઝિવ છે. ગરબાના પાસ હિન્દુ ધર્મ સિવાયની વ્યક્તિઓને આપવામાં આવ્યા અને ફૂડ સ્ટોલની ફાળવણી પણ કરવામાં આવી. આ ગરબાના સંચાલકને ખબર હોવી જોઈએ કે વડોદરા કોમી દ્રષ્ટિએ કેટલું સંવેદનશીલ છે અને નાનકડી ચિનગારી અહીં ભડકો લઈ શકે છે. કોઈ જયંત નામધારી આ ગરબાના કમિટી મેમ્બરે તો મીડિયામાં એવું નિવેદન પણ આપી દીધું કે પોલીસે અમને એવી કોઈ ગાઈડ લાઇન આપી નથી કે અમારે કોને પાસ આપવા. આ બાબતે અમે પોલીસનું માર્ગદર્શન લઈશું. અરે જયંતભાઈ, પોલીસ એટલી નવરી નથી કે તમને કહેવા આવે કે કોને પાસ આપવા અને કોને નહીં. હિન્દુ ધર્મની આરાધનાનો તહેવાર હોય ત્યારે તમારામાં સામાન્ય વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે કોને પાસ અપાય અને કોને નહીં. પણ અહીંના સંચાલકોને તો પોતાની ઇન્ટરનેશનલ ઇમેજ ચમકાવવામાં રસ છે, કે. જુઓ અમારા ગરબામાં કેવા તમામ વર્ગના લોકો ગરબે ઘૂમે છે. તો જ વિદેશી લોકોને આકર્ષી શકાય. પણ જે પરિવારને વડોદરા શહેરના લોકો પૂજતા આવ્યા છે તે પરિવારની આ ચેષ્ઠા શહેરના લોકોને પસંદ આવી નથી. ચારેકોરથી તેમની ટીકા થઈ રહી છે. અધૂરામાં પૂરું બીજા ધર્મના લોકો માટે નોતરાં મૂકનાર રાજ પરિવારે વડોદરાની પ્રજાએ જેમને ચૂંટીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા છે તે ભાજપના કોઈ નેતાને ગરબા માટે આમંત્રણ સુદ્ધાં આપ્યું નથી તે આશ્ચર્ય પમાડતી બાબત છે.
હિન્દુ સંગઠનોએ તો કાલથી અહીં ડેરા તંબુ તાણી દીધા છે અને ખુલ્લેઆમ એલાન કરી દીધું છે કે અન્ય ધર્મના લોકોને તો નહીં જ પ્રવેશવા દઈએ, ભલે તમારા ધંધાદારી ગરબા રહ્યા. હજુ પણ સમય છે કે આ ગરબા સંચાલકો સ્વયંભૂ જાહેરાત કરે જે આ હિન્દુ ધર્મની આસ્થાનો તહેવાર છે અને માતાજીની આરાધનાના ગરબા જે હિન્દુ હોય તે જ કરી શકે. સમયસર સાવધાની રાખી યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અહીંની કોઈ ઘટના શહેરની શાંતિ ભંગ કરી શકે છે.