Gujarat

રાજ્યમાં ડ્રગ્સની બદી નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ : કોંગ્રેસ

અમદાવાદ : ૨૬ જૂન એટલે વિશ્વ ડ્રગ્સ દિવસ (World Drugs Day) ડ્રગ્સ-નશાકારક પદાર્થોથી દુર રહેવા લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતમાં (Gujarat) કરોડો રૂપિયાના ડ્રગ્સના પૂરબહારમાં ખીલેલો કારોબાર રાજ્યના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતાનો વિષય છે, ત્યારે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૬૪,૫૬૧ હજાર કીલો ડ્રગ્સ પકડાયુ છે. જયારે ૯૮૬ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૨૯૭૮ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કયા હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે, તેવું પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે કહ્યુ હતું કે, રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે.

નશામુક્તિ અભિયાન, અવેરનેસ એક્ટિવિટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

Most Popular

To Top