Gujarat

Wow Nice Place: ઓસ્ટ્રેલિયાના કેપ્ટને સાબરમતી રિવરક્રૂઝ પર ફોટોશૂટ કરાવ્યું, ગુજરાતી નાસ્તાના વખાણ કર્યા

અમદાવાદ: ઓસ્ટ્રલિયાની (Australia) ટીમે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) જીતીને છઠ્ઠી વાર કપ પોતાના નામે કર્યો છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ઓસ્ટ્રેલિયાની ટીમ હવે જીતનો આનંદ માણી રહી છે. વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ સોમવારે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પહેંચ્યા હતા. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ સાથે અટલ ફૂટઓવરબ્રિજની પણ મુલાકાત લઇ ફોટોશૂટ કરાવ્યું હતું. એટલું જ નહિ તેમણે રિવરક્રૂઝ પર એક કલાક સમય વિતાવ્યો હતો. તેમજ રિવર ક્રૂઝની ઉપરથી સાબરમતી નદી અને અટલ ફૂટઓવરબ્રિજના મનમોહક નજારા નિહાળતા વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન અને ટીમે રિવર ક્રૂઝ પર ગુજરાતી નાસ્તાની પણ મજા માણી હતી. અમદાવાદમાં સાબરમતી નદીની વચ્ચે ફોટોશૂટ કરવતા તેમણે કહ્યું હતું કે “વાવ નાઇસ પ્લેસ”, તેમણે ગુજરાતી નાસ્તો ખમણ અને ઢોકળા પણ ખાધા હતા. ઓસ્ટ્રલિયાના કેપ્ટન કમિન્સે ખમણ અને ઢોકળા હાથમાં લઇ “નાઇસ ટેસ્ટ” એમ કહી વખાણ પણ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવી વિશ્વ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વિશ્વ વિજેતા બન્યું છે. તેણે ભારતને પોતાની ધરતી પર હરાવ્યું હતું. ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે હતો. ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી જોકે ભારતની હારથી કરોડો ભારતીયોની આંખો ભીની થઈ ગઈ હતી.

પાંચ વાર વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમે છઠ્ઠીવાર વિશ્વ વિજેતાનો ખિતાબ જીતી લીધો હતો. ખૂબજ સારી બોલિંગ બાદ ઓસ્ટ્રેલિયાની બેટિંગ પણ લાજવાબ રહી હતી. ટ્રેવિસ હેડએ પોતાની ટીમ માટે શાનદાર પારી રમી 137 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન પુરૂષ ક્રિકેટ ટીમે અગાઉ પાંચ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 1987, 1999, 2003, 2007 અને 2015માં જીત્યા છે. તેઓએ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2021માં અને ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 પણ જીતી છે.

Most Popular

To Top