Business

લેડી બોસ સાથે કામ કરવું પુરુષો માટે ચેલેન્જીંગ…

Boss…. આજે આપણે બોસ વિષે વાત કરીશું. અરે સલમાનખાનવાળા બિગબોસની નહિં પણ ‘લાડલા’ ફિલ્મમાં શ્રીદેવીના કેરેકટર જેવી જબરજસ્ત લેડી બોસ વિશેની… આજે આપણે બોસ વિષેની વાત એટલા માટે કરી રહ્યાં છીએ કેમ કે 16 ઓકટોમ્બરે આવી રહ્યો છે બોસ ડે. મોટાભાગે પુરુષોનો ઇગો સ્ત્રીઓને બોસ તરીકે સ્વીકારવામાં હર્ટ થાય છે અને તેઓ મહિલા બોસની યેન કેન રીતે કનડગત કરે છે. સામાન્ય રીતે જે કંપનીઓની બોસ મહિલાઓ હોય અને એમાય જ્યારે બ્યુટિફૂલ બોસ હોય તો કામ કરવાનો ઉત્સાહ વધી જતો હોય છે. જો કે હજુ આપણે પુરુષપ્રધાન વિચારધારામાં માનીએ છીએ ત્યારે પ્રશ્ન અહિં એ ઉદ્ભવે છે કે પુરુષોને જ્યારે લેડી બોસ સાથે કામ કરવાનું થાય ત્યારે તેઓ કેવું અનુભવે છે ? અને જ્યારે બોસ બધા સ્ટાફની સામે એમને ખખડાવે ત્યારે શું એમનો ઇગો હર્ટ થાય છે ખરો? આ જાણ્વા અમે મળ્યાં કેટ્લાક પુરુષોને કે જેઓએ મહિલા બોસ સામે કામ કર્યું હોય ? ચાલો જાણીએ…

જોબ સાચવવા ઇગોને પણ નેવે મૂકવો પડે!!!! : નિલેશ

નિલેશ જણાવે છે કે, ‘’બોસ વિષે જાત જાતની માન્યતાઓ પ્રવર્તે છે. એમાંની એક છે ‘બોસ ઇઝ ઓલ્વેઝ રાઈટ’. બોસ કહે તે બ્રહ્મવાક્ય. પણ આમાં વાંક બોસનો નથી, બોસનાં ફોલોઅર્સનો છે. બોસ પોતાના અનુભવને આધારે સાચા પણ હોય અને ખોટા પણ હોય, પણ આપણે એમની જીહજૂરી કરવામાં વિવેકબુદ્ધિ વાપરવી જોઈએ કે નહી? કે બસ વખાણ દીધે રાખવાના? અને એમાય જ્યારે ખૂબસૂરત લેડી બોસ હોય ત્યારે તો એમના પ્રિય બનવા માટે જી મેમ.. યસ મેમ કર્યા કરવું પડે. કેમ કે ઓફિસના સાથી કર્મચારીઓ જો જી મેમ કર્યા કરે અને આપણે જો એમનો વિરોધ કરિએ તો તો એમની ગુડબુક માંથી નિકળી જઇએ. આમ પણ ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય છે તો બોસ કિસ ખેત કિ મુલી? એ પણ માણસ છે. લેડિઝનું એમના હસબન્ડ સામે ઘરમાં કંઈ ઉપજતું ન હોય, એટલે રોફ જ્માવે ઓફિસ પર. અને પુરુષો પણ ઘરમાં બૈરુનું જરાય સાંભળતા નહીં હોય પણ ત્યાં બોસ હોય એટલે સાંભળવું પડે. બધાની સામે જો ખખડાવે તો કોઈવાર ઇગો હર્ટ થાય પણ જોબ સાચવવા ઇગોને પણ નેવે મૂકવો પડે!!!! ‘’

એમની ઘરે ઉલટતપાસ નહી થતી હોય, કે રોજ રોજ આટલી લેટ કેમ આવે છે?: વિકી રાજ્પૂત

વિકી રાજ્પૂત જણાવે છે કે, ‘’મારા બોસને જોઇને મને એક જ ઈર્ષા થતી કે આ બોસને કોઈ પૂછતું જ નહી હોય? તેમનાં ઘરે ઉલટતપાસ નહી થતી હોય, કે રોજ રોજ આટલી લેટ કેમ આવે છે? એમના હસબન્ડ મારી જેમ એમની પત્ની સાથે સાંજે શોપિંગમાં ક્રેડિટ કાર્ડ સહિત કંપની આપવા નહીં જવું પડતું હોય? એમના હસબન્ડને તેઓ ‘આજે મારી બહેન આવવાની છે તો વહેલાં આવજો, અને સાંભળો….. રસ્તામાં આવતાં ખમણ લેતા આવજો’ એવી ફરમાઈશ કમ હુકમો નહીં છુટતાં હોય? કે આવું બધું ખાલી અમારી સાથે જ થાય છે? સ્ત્રી સ્ત્રીમાં આટલો ફેર? આખરે એ પણ તો ઘર પરિવાર લઈને જ બેસેલા છે. પાણીપુરી ખાવી કે મન્ચૂરિયન ખાવાનું મન નહીં થતું હોય ? એક્વાર મારાથી રહેવાયું નહીં તો મારા આ બધા સવાલ એક સામટા એમની સમક્ષ મેં મૂકી દીધા તો તેઓ તો એટલા હસ્યાં અને મને કહે તું કમાલ છેઃ !!! બસ ત્યારબાદ તો તેઓ મને જોઈને સ્માઇલ જ આપ્યા કરે અને મારી ઇમેજ એમની ગુડબુકમાં સારી છપાઇ ગઈ હશે એવું હું વિચારું છું પણ તે તો દિવાળીના ઇન્ક્રીમેંટ પરથી ખ્યાલ આવી જશે.

એમની બોલવાની સ્ટાઈલ જ એવી છે કે ભલભલો માણસ પીગળી જાય : જિતેશ કાપડિયા

જિતેશ કાપડિયા જણાવે છે કે, ‘’મારા માટે બોસ એક આદર્શ ફોલ્ટ ફાઈન્ડીન્ગ મશીન છે. આપણને જે ભૂલો બીલોરી કાચ લઈને ન દેખાય, અથવા તો કમ્પ્યુટર વાપરતા હોવ તો ઝુમ કર્યાં પછી પણ ન દેખાય, એ ભૂલો બોસને વગર ઝુમ કર્યે દેખાય છે. અને જ્યારે લેડીઝ બોસ હોય ત્યારે એમને જોતાં જ આપણો ગુસ્સો અને કામનું ભારણ ઓછું થઈ જાય. આથી સારી નોકરી માટેની ઓફર પણ આવે અને કાયમ કામના ભારણ અને પગાર ધોરણ જોતાં એમ વિચારું કે આજે તો રાજીનામું આપી જ દેવું છે, પણ જેવો એમની ઓફિસમાં જાઉં એટ્લે રાજીનામા નો વિચાર જ જતો રહે, એમની બોલવાની સ્ટાઈલ જ એવી છે કે ભલભલો માણસ પીગળી જાય.’’

Most Popular

To Top