Columns

અદ્‌ભુત, રહસ્યમયી શિવ મંદિરો

સનાતનીઓનો પવિત્ર શ્રાવણ માસ લોકો પૂરી ધર્મભાવના સાથે માણી રહ્યા છે. શિવમંદિરોમાં ઠેર ઠેર જનમેદની જોવા મળે છે. દેશનું ભાગ્યે જ કોઇ શહેર, ગામ કે કસ્બા એવા હશે જયાં શિવમંદિર નહિ હોય. પૌરાણિક અને ઐતિહાસિક કથા સાથે જોડાયેલાં આપણા શિવમંદિરોમાં કેટલાક તો રહસ્યમયી સત્ય અને તથ્યો સાથે જોડાયેલા છે. શ્રાવણ માસમાં શિવપૂજનનું અધિકાધિક મહત્ત્વ રહેલું છે. ત્યારે શિવપૂજાના તથ્યોને બદલે આજે કેટલાક અવિશ્વસનીય તથ્યો સાથે સંકળાયેલા શિવમંદિરોની અહીં વાત કરવી છે.

દેશના શિવમંદિરો સાથે જોડાયેલી શિવભકતોની આસ્થા અને મંદિરોની પવિત્રતા અંગે સ્વાભાવિક જ કોઇ પ્રશ્ન ના ઉઠે પણ શાસ્ત્રો અને પુરાણોકત બાર જયોતિર્લિંગ દર્શાવાયા છે. પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતનું સોમનાથ મંદિરમાં છે. મોગલ આક્રાંતાઓના આતંકનો વારંવાર ભોગ બનેલ સોમનાથ મહાદેવ મંદિર પ્રથમ ધ્વંશ પહેલાં એક ચમત્કારિક અને અવિશ્વસનીય સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ મંદિર હતું. અહીં ચુંબકીય શકિતને આધારે હવામાં અધ્ધર શિવલિંગને સ્થિર રાખવાની અદ્‌ભૂત  સ્થાપત્ય કલા દ્વારા સ્થાપિત શિવલિંગ અલૌકિક હતું પણ સનાતનીઓની આટલી મહાન સિધ્ધિ મોગલ આક્રાંતાઓની આંખમાં ખટકી અને સિન્ઘના સુબેદાર અલ જુનેદે ઇ.સ. 725 માં હુમલો કરી મંદિરને ધ્વંશ કરી દીધેલું જેને ફરી ઇ.સ. 825 માં પ્રતિહાર રાજવંશી રાજવી રાજા નાગભટ્ટે મંદિરનું પુન:નિર્માણ કરાવેલું ત્યારબાદ તો છેલ્લાં 1000 વર્ષનાં ઇતિહાસમાં અનેકવાર મોગલોના હાથે ખંડિત થયેલા પુનનિર્માણ પામેલ સોમનાથ મંદિરને છેલ્લે ઇ.સ. 1783 માં ઇંદોરના મહારાણી અહલ્યાબાઇએ પુન:નિર્માણ કરાવી સનાતનીઓની આસ્થાને જીવંત રાખી હતી.

Kailas Temple, Ellora

પછીના દોઢસો – પોણા બસ્સો વર્ષ મંદિરમાં પૂજા – અર્ચના તો થતી રહી પણ સમયની થપાટ ખાઇને ખંડેર બની ગયેલા સોમનાથ મંદિરને આઝાદી પછી ઉપવડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે 1950 માં વર્તમાન મંદિરના ફરીને એકવાર નિર્માણનો પ્રારંભ કરાવેલ જે ૧૯૫૫ માં તૈયાર થતા તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે લોકાર્પણ થયેલું પણ ઇ.સ. 725 ના ધ્વંશ પહેલાં જે શિવલિંગ હવામાં અધ્ધર જ સ્થિર રહેતુ હતું તે આજના સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે આજે પણ વણઉકાયેલુ અચરજ છે.

somnath

ગુજરાતનું એક વિસ્મયકારક મંદિર ભરૂચ પાસે જંબુસર તાલુકાના કાવીકંબોઇ ખાતેના સમુદ્ર તટ પર આવેલું છે. સ્થંભેશ્વર તીર્થથી પ્રચલિત આ મંદિરના શિવલિંગને પખારવા સમુદ્ર રોજ બે વખત આવે છે, અને જળાભિષેક કરે છે. મતલબ, રોજ દિવસના બે વખત સવાર સાંજ આવતી ભરતી દરમ્યાન સ્થંભેશ્વર તીર્થનું મંદિર સમુદ્રમાં ગરકાવ થઇ જાય છે. દિવસ દરમ્યાન કઇ તિથિએ કેટલા વાગ્યે દર્શન થઇ શકે તેનું અહીં ટાઇમ ટેબલ મુકાયુ છે. શ્રાવણ માસમાં અહીં ભારે જનમેદની ઉમટી પડે છે.

મહીસાગર નદીનો અહી સાગર સાથે સંગમ થાય છે તેથી સંગમેશ્વર તીર્થ તરીકે પણ આ સ્થળ ઓળખાય છે. વેદ વ્યાસજીએ 6000 વર્ષ પહેલાં લખેલ સ્કંધપુરાણના કુમારિકા ખંડમાં સ્થંભેશ્વર મહાદેવનો 100 પાનાંથી વધુનું વિસ્તૃત વિવરણ જોવા મળે છે. અતિ પૌરાણિક આ તીર્થ વિષે એવી કથા છે કે તારકાસૂરે મહાદેવજીની આકરી તપશ્ચર્યા પર્યંત એવું વરદાન મેળવેલું કે તેને માત્ર સાત દિવસનું બાળક જ મારી શકે. કાર્તિક સ્વામિના જન્મ બાદ સાતમે દિવસે તારકાસૂરનો વધ કરેલો. એક શિવભકત તારકાસૂરના વધના દોષમાંથી મુકિત માટે કાર્તિકસ્વામિએ અહીં શિવલીંગ પ્રસ્થાપિત કરીને તપશ્ચર્યા કરેલી.

એવું જ એક લગભગ 4 થી 6 મહિના સુધી ગંગાના પાણીમાં ડુબેલુ રહેતું કાશીના સિંધિયા ઘાટ પર બનેલું રત્નેશ્વર મહાદેવ મંદિર છે. ઇટલીનો ઢળતો મિનારો 54 મીટરનો ઊંચાઇનો છે જે 4 ડિગ્રી નમેલો છે અને એથી વર્લ્ડ હેરીટેજમાં સામેલ છે પણ ગંગાના સિંધિયા ઘાટ પર આવેલ 500 વર્ષ પુરાણું રત્નેશ્વર મહાદેવ મંદિર 9 ડિગ્રી સુધી નમેલું છે. માતૃઋણ અદા કરવાના આશયે બનાવાયેલ આ મંદિર નિર્માણ થયા બાદ એકાએક 9 ડિગ્રી સુધી નમી ગયુ હતું અને પછી સ્થિર થયા બાદ પાંચસો વર્ષથી એ જ સ્થિતિમાં અડીખમ છે. તેની આ સ્થિતિની સ્થિરતા અંગે પુરાતત્વ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો માટે આજે પણ અવિશ્વસનીય સત્ય છે.

તામિલનાડુના તાંજોરમાં આવેલ બૃહદેશ્વર મહાદેવ મંદિર ભારતીય શિલ્પ સ્થાપત્યનો એક અજોડ નમૂનો છે. 13 માળની બિલ્ડીંગ જેટલું એટલે કે 216 ફૂટની ઊંચાઇ ધરાવતા આ મંદિરમાં સિમેન્ટ, ચુનો, લાકડું કે લોખંડનો કયાંય ઉપયોગ નથી કરાયો પણ માત્ર પથ્થરોને કોતરીને ગોઠવીને નિર્માણ કરાયેલ આ મંદિર 1,30,000 ટન ગ્રેનાઇટ પથ્થરોના ઉપયોગથી બનાવાયું છે. તાજજુબની વાત એ છે કે આજુબાજુ 120 કિ.મી.ના વિસ્તારમાં કયાંય પહાડો, પથ્થરોની ચટ્ટાનો કે ખાણ નથી તો આટલા પથ્થરો આવ્યા કેવી રીતે હશે?! પૌરાણિક આ મંદિર માટે એવી માન્યતા છે કે એક હજાર વર્ષ પહેલાં એટલે કે 1003 થી 1010 દરમિયાન અહીં ચોલ શાસક રાજરાજ ચોલેનું શાસન હતું.

તેમણે 3000 જેટલાં હાથીની મદદથી દૂર દૂરથી પથ્થરો મંગાવી મંદિરનું નિર્માણ કરાવેલું. આ મંદિરનો ગુંબજ 80 ટન વજનના એકમાત્ર પથ્થરમાંથી નિર્માણ કરાયેલો છે તો શિવજીનો નંદી અને 13 ફૂટનો ઘંટ પણ એક જ પથ્થરમાંથી બનેલા છે. આંકડાઓ વાંચીને વિચારશો તો પણ ભારતીય પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય કલા પ્રત્યેનું ગર્વ વધી જશે. ઉત્તરપ્રદેશના ગઢમુકતેશ્વર ખાતેના ગંગા મંદિરના શિવલીંગ પર દર વર્ષે એક અંકુર નિકળે છે. જે પૂર્ણ ખીલે ત્યારે શિવજી કે દેવી – દેવતાઓની આકૃતિ જોવા મળે છે. ઘણા સંશોધન પછી પણ તેનું રહસ્ય આજે પણ અકબંધ છે. અહીં આ મંદિરની એક આશ્ચર્યની વાત એવી પણ છે કે મંદિરની સીડીઓ પર પથ્થર ફેંકીએ ત્યારે પાણીમાં પથ્થર ફેંકતા જેવો અવાજ આવે તેવા અવાજ સંભળાય છે.

ઓરિસ્સાનાં ટિટલાગઢ ગામમાં એક શિવ મંદિર છે. આ વિસ્તારમાં ખૂબ જ ગરમી પડે છે. મંદિરની આજુબાજુ પથ્થરોની ચટ્ટાનો પણ ગરમીથી ગરમ તવા જેવી થઇ જાય છે. લોકો મંદિર સુધી પહોંચતા પરસેવાથી રેબઝેબ થઇ જાય છે પણ મંદિર પર ગરમીની કોઇ અસર નથી થતી. ઉલ્ટાના મંદિરના પથ્થરો એકદમ ઠંડા હોય છે અને મંદિરમાં પ્રવેશો તો એટલી બધી ઠંડક લાગે છે કે ઠંડીનું લખલખુ શરીરમાં પસાર થઇ જાય છે ત્યારે એવું લાગે કે ઓઢવા ગરમ શાલ લાવ્યા હોય તો સારું પડતે…. આવો વાતાવરણનો તુરંત દેખાતો ફર્ક ખરેખર અવિશ્વસનીય સત્ય છે. તામિલનાડુમાં 12મી સદીમાં ચોલ શાસકો દ્વારા નિર્માણ કરાયેલ ઐરાવતેશ્વર મહાદેવ મંદિરની દિલચશ્પ વાત એ છે કે અહીંના પગથિયા પર સંગીતના સૂર જેવા ધ્વનિ પ્રગટે છે. દરેક પગથિયાં પર અલગ અલગ આવતા મધુર અવાજનું રહસ્ય પણ સંશોધકો માટે આજે પણ સંશોધનનો વિષય બની રહ્યો છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે ઇલોરા ગુફાઓ ખૂબ જાણીતી જગ્યા છે ત્યાં આવેલ કૈલાસ મંદિર એક જ પહાડને કોતરીને બનાવાયેલ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સામાન્ય રીતે નીચેથી શરૂ કરી કોઇ પણ નિર્મિત સ્થાપત્ય ઉપર સુધી જતું હોય છે પણ અત્યારના અત્યાધુનિક સાધનો વગર અદ્‌ભુત માપસાઇઝ સાથે પહાડને ઉપરથી કોતરીને નીચે સુધી સ્થંભ, ગુંબજ, દ્વાર, લાંબી પરિસરો સાથે ગાંધર્વો, યક્ષો, પશુ-પક્ષીઓ અને વલયયુકત ડિઝાઇનો સાથે જે રીતે બનાવાયા છે ત્યાં સુધી દિમાગ દોડાવવું મુશ્કેલ છે. ભારતીય સ્થાપત્યની આ અદ્‌ભુત કારીગરી વિશ્વભરના આર્કિટેકચરોને  માટે ખૂબ મોટું આશ્ચર્ય છે. સ્થળસંકોચને કારણે અહીં માત્ર થોડા રહસ્યમય મંદિરોની વાત છે. પણ સ્થાપત્ય કલાક્ષેત્રે સમૃધ્ધ ભારત દેશમાં અનેક મંદિરો વિવિધ પ્રકારે રહસ્યોથી ભરપૂર છે જે ફરી કયારેક…..
અસ્તુ… જય મહાદેવ.

Most Popular

To Top