Comments

‘ઇન્ડિયા’નો સંઘ કાશીએ પહોંચશે?

ભારતના રાજકારણમાં ફરી એક નવો વળાંક આવવાની શરૂઆત થઇ ચૂકી છે કે શું? છેલ્લાં નવ વર્ષથી મોદીના નામે ભાજપ એક પછી એક રાજ્યોમાં સત્તા મેળવતો જાય છે અને મોદીની દિલ્હીમાં બે ટર્મ બાદ આવતા વર્ષે ૨૦૨૪માં ફરી મોદી શાસન પર આવે એવું નિશ્ચિત લાગતું હતું એમાં વિપક્ષી મોરચો ઇન્ડિયા નામે બન્યો એનાથી શું ભારતના રાજકારણમાં  એક વિકલ્પ ઊભો થઇ રહ્યો છે? એવો પ્રશ્ન પુછાવા તો લાગ્યો છે અને વિપક્ષીઓ એકત્ર થયા બાદ એકાએક એનડીએના વિસ્તારના પ્રયત્નો થયા એ શું બતાવે છે? વાજપેયી સમયમાં હતા એના કરતાં પણ વધુ એનડીએમાં અત્યારે પક્ષો થયા છે. સંખ્યા છે ૩૮ અને વિપક્ષી ઇન્ડિયા મોરચામાં છે ૨૬.

પટનામાં પહેલી બેઠક અને પછી બેંગલુરુમાં બીજી બેઠકમાં ઇન્ડિયા નામની પસંદગી અને પછી એમાં ટેગલાઈન જીતેગા ભારત …આ દર્શાવે છે કે, વિપક્ષો આ વેળા એકતા માટે ગંભીર છે, એની પાછળનાં અનેક કારણોમાંનું એક કારણ એ પણ છે કે, ઘણા બધા વિપક્ષી નેતાઓ સામે જાતજાતના કેસ ચાલે છે અને છેલ્લે એનસીપીમાં ભંગાણ પાડવામાં ભાજપ સફળ રહ્યો અને હજુ ય આવાં કેટલાંક ઓપરેશન થવાની શક્યતા વચ્ચે વિપક્ષો એક થઇ રહ્યા છે. ભાજપ સામે લોકસભામાં વન ટુ વન લડવું એવો સંકલ્પ પણ કરાયો છે એ કેટલો સફળ થશે એના પર ‘ઇન્ડિયા’ની સફળતાનો આધાર છે.

આ વખતના મોરચામાં સૌથી વિશેષતા એ છે કે, કોંગ્રેસે રાહુલ ગાંધીની આગેવાનો આગ્રહ છોડી દીધો છે. આ બહુ મોટી વાત છે. અલબત્ત બેન્ગ્લુરુનું બેઠકમાં મમતા બેનર્જી આવવા માગતાં નહોતાં, પણ સોનિયા ગાંધીએ ફોન કર્યો અને કામ થઇ ગયું. એ જ રીતે કેન્દ્રના વટહુકમ મુદે આપને ટેકો આપવાનું નક્કી કરી આપને પણ બેઠકમાં સામેલ કરવા માટે રાજી કરી લેવાયો. આ દર્શાવે છે કે, સોનિયા ગાંધી અને નીતીશકુમાર આ મોરચાની આગેવાની સભાળે અને એની સામે કોઈ વિપક્ષને વાંધો નથી એવી છાપ અત્યારે પડી છે અને હવેની બેઠકમાં કોઈ કાર્યક્રમ ઘડાય એવી શક્યતા છે.

જો કે, કેટલાક વિપક્ષોએ ઇન્ડિયા અને એનડીએથી દૂરી જાળવી રાખી છે. ઓડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયક , તેલંગણાનાં કે સી રાવ , આંધ્રના રેડ્ડી , ટીડીપીના ચંદ્રાબાબુ જેવા કેટલાક વિપક્ષો કોઈ બાજુએ ગયા નથી. બીજી બાજુ , ઇન્ડિયા સામે એનડીએને મજબૂત બનાવવા ભાજપે ૩૮ પક્ષોને સાથે લીધા છે. કેટલાકને માનવવા પડ્યા છે તો કેટલાક ગરજે આવ્યા છે. કેટલાક એવા ય ટચુકડા પક્ષો છે જેમનું લોકસભામાં કોઈ પ્રતિનિધિત્વ નથી. વાજપેયી વખતના એનડીએ જેવો આ એનડીએ નથી, એનું કારણ પણ છે કે, ભાજપે ૩૦૦થી વધુ બેઠક મેળવી પછી સાથી પક્ષો પરની નિર્ભરતા જ ઘટી ગઈ. દરકાર ના રહી પણ હવે કેટલીક સમસ્યા દેખાતાં ફરી મેળાવડો કર્યો છે. આ ‘ઇન્ડિયા’ની અસર તો ગણાય જ.

પણ સવાલ નેરેટીવનો પણ છે. ભાજપે છેલ્લા એક દસકાથી હિન્દુત્વ આધારિત રાષ્ટ્રવાદનું શસ્ત્ર ઉગામ્યું છે એનો જવાબ વિપક્ષ પાસે નથી. કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું છે પણ એ ભાજપ જેટલું વજનદાર કે અસરકારક નથી. બીજું કે, મોટા ભાગના વિપક્ષી નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ ચાલે છે. મોદી અને ભાજપ એનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો કે, કેટલાક ભ્રષ્ટ નેતાઓ ભાજપના વોશિંગ મશીનમાં ઉજળા થઇ ગયા છે એટલે ભ્રષ્ટાચારનો મુદો કેટલો અસરકારક રહ્યો છે એ લોકસભાની ચૂંટણીમાં એક ટેસ્ટ બની જવાનો.

ભાજપ ૩૦૩ બેઠક ૨૦૧૯માં મેળવી ગયો પણ આ વેળા એટલી બેઠક ના મેળવી શકે એવી ધારણા છે પણ એની બેઠકોમાં ઘટાડો થાય તો સાથી પક્ષો મદદરૂપ બને એવી તૈયારી અત્યારથી કરી લીધી છે. સામે પક્ષે કોંગ્રેસ મજબૂત બને એ જરૂરી છે. કોંગ્રેસ ૪૫ બેઠક પરથી ૧૦૦થી વધુ બેઠક પર આવે તો વિપક્ષી મોરચો મજબૂત બની શકે. એવું થશે કે કેમ એ કહેવું વહેલું છે. રસ્તો મુશ્કેલ છે ને વિપક્ષી મોરચો તૂટી પડવાના દાખલા એટલા બધા છે કે, લોકોમાં વિશ્વાસ પેદા કરવાનો પણ પડકાર છે. પણ ૨૦૨૪ અને એ પહેલાં કેટલાંક રાજ્યોની ચૂંટણી રસપ્રદ બનવાની એ નક્કી.

મણીપુરની ઘટના શરમજનક
મણીપુરમાં છેલ્લા બે માસમાંથી જે બની રહ્યું છે એ દર્શાવે છે કે, રાજ્ય સરકાર અને એની સાથે કેન્દ્ર સરકાર પણ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. બે સમાજ વચ્ચેના સંઘર્ષમાં ૧૫૦થી વધુ લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો વિસ્થાપિત થયાં છે. કુકી અને મૈતઈ સમાજ વચ્ચે તનાવ ચાલે છે અને રાજ્ય સરકાર તો શું ત્યાં લશ્કરની હાજરી છતાં શાંતિ સ્થાપી શકાઈ નથી અને હવે મહિલા સાથે બર્બરતાપૂર્ણ વ્યવહારની ઘટના સામે એવી છે અને વડા પ્રધાન મોદીએ કહ્યું એ એકદમ યોગ્ય છે કે, દેશનું માથું શરમથી ઝૂકી ગયું છે.

મણીપુર મુદે્ પહેલી વાર મોદી બોલ્યા છે એની નોંધ લેવી રહી કારણ કે, આ મુદે્ વિપક્ષો મોદીને નિશાન બનાવી રહ્યા હતા. મણીપુર જાને દેશના નકશામાં ના હોય એ રીતે એના પ્રત્યે ગંભીરતા દાખવાઈ નથી એવો આક્ષેપ સાચો છે. મણીપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહ એકદમ નિષ્ફળ ગયા છે અને એમને દૂર ના કરીને ભાજપે કોઈ ડહાપણનું કામ કર્યું નથી. વળી , મણીપુરની આગ ઇશાન ભારતનાં બીજાં રાજ્યોમાં પહોંચવી શરૂ થઇ છે. ભાજપના ત્યાંના ધારાસભ્યો અને નેતાઓ પણ કેન્દ્રથી નારાજ છે. હિંદુ અને ખ્રિસ્તી વચ્ચે ધ્રુવીકરણનો આ ખેલ ખતરનાક છે એ સમજવું જ રહ્યું. આવું રાજકારણ અયોગ્ય છે. કેન્દ્ર સરકારે વિપક્ષોને સાથે લઇ મણીપુરમાં શાંતિ સ્થપાય એ માટે જરૂરી બધા યત્નો કરવા જ રહ્યા.

બ્રીજભૂષણ શરણસિંહ : જિસ કા ડર થા વો હી હુઆ
કુસ્તીબાજોનું શારીરિક શોષણના આરોપી બ્રિજભૂષણશરણ સિંહને નિયમિત જામીન મળી ગયા છે. જેનો ડર હતો એ જ થયું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમણે દેશને ગૌરવ અપાવ્યું એવા કુસ્તીબાજો ધરણા પર ઊતર્યા પછી પણ પોલીસે ફરિયાદ ના નોંધી અને કોર્ટમાં ગયા બાદ ફરિયાદ નોંધી અને પછી તપાસ થયા બાદ ચાર્જશીટ રજૂ કર્યું અને એમાં બ્રિજભૂષણ સામે પુરાવા છે એવું ય કહ્યું પણ એની ધરપકડ ના કરી.

કોર્ટે પહેલાં વચગાળાના બે દિવસના જામીન આપ્યા અને બાદમાં નિયમિત જામીન આપી દીધા છે અને બ્રીજભૂષણના વકીલે કારણ શું આપ્યું છે? પોલીસને અત્યાર સુધી ધરપકડ કરવાની જરૂર લાગી નથી તો હવે કેમ? આ વાત કોર્ટે માની લીધી છે અને આશ્ચર્યની વાત એ છે કે, પોલીસે આ વાતને સ્વીકારી નથી અને વિરોધ પણ કર્યો નથી. એનો શો મતલબ? શું કુસ્તીબાજોનું આંદોલન પર પાણી ફરી ગયું છે? અને બજરંગ પુનિયા અને વીનેશ ફોગાટને સીધા એશિયાઇ ખેલમાં પસંદ કરવા મુદે્ પણ મામલો કોર્ટમાં ગયો છે. લાગે છે કે, આ આખો કેસ બેચરાઈ ગયો છે. 
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top