Comments

‘કોકેન હીપ્પો’નું ભારતમાં આગમન રાજીપો કરાવશે કે ચિંતા?

દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો કોલમ્બિયા દેશ તેની નૈસર્ગિક સંપદાને બદલે ત્યાંના ડ્રગ માફિયાઓને કારણે વધુ જાણીતો છે. ડ્રગ એટલે કે નશીલી દવાઓની લે-વેચના મુખ્ય કેન્દ્ર તરીકે કોલમ્બિયાની ઓળખ ઊભી કરવામાં હોલીવુડની ફિલ્મોનું પ્રદાન ઘણું છે. 1993માં જેની હત્યા થઈ એ ડ્રગ માફિયા અને નાર્કોટેરરિસ્ટ પાબ્લો એસ્કોબારને ફિલ્મો અને વેબ સિરીઝનાં દર્શકો જાણે છે. પાબ્લો સૌથી ધનિક અપરાધી ગણાયો હતો અને ‘મેડલીન કાર્ટેલ’તરીકે ઓળખાવાયેલા, કોલમ્બિયાના મેડલીન શહેરમાં આવેલા સૌથી મોટા તેમજ ઘાતકી સંગઠનનો તે સ્થાપક હતો.

એક ધનિક અપરાધીને છાજે એમ તેની અસંખ્ય મિલકતો હતી. આ મિલકતોમાં સૌથી નોંધપાત્ર કહી શકાય એવી મિલકત એટલે તેનું આગવું પ્રાણી સંગ્રહાલય. વિવિધ ભૂખંડમાંથી એસ્કોબારે હાથીઓ, આકર્ષક પક્ષીઓ, જિરાફ અને હીપોપોટેમસ ખરીદીને વસાવ્યાં હતાં. આ પૈકીના હીપોપોટેમસને કારણે મૃત્યુનાં ત્રીસ વર્ષ પછી પાબ્લો એસ્કોબાર સમાચાર માધ્યમોમાં ચમક્યો છે. આ આખા મામલામાં આપણો દેશ પણ સંકળાયેલો હોવાથી તેની વિગતો જાણવા જેવી છે.

પાબ્લો એસ્કોબારના મૃત્યુ પછી તેની પાસેના ચારે હીપ્પોને છોડી મૂકવામાં આવ્યા અથવા તો એ હીપ્પો બહાર નીકળી ગયા. આ હીપ્પોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ચાલી. તેને કાબૂમાં રાખવાના સરકારના તમામ ઉપાયો નિષ્ફળ બન્યા. આજે એ વધીને એકસો ને ત્રીસે પહોંચી છે. હીપ્પોપોટેમસના વતન આફ્રિકાની બહાર, કોલમ્બિયાના આન્તિખઓકીઆ પ્રાંતમાં આવેલા આ સૌથી મોટી સંખ્યા છે. હવે આ હીપ્પો ‘કોકેન હીપ્પો’તરીકે ઓળખાય છે.


હીપ્પોપોટેમસ વિશાળ કદનું, આક્રમક, અર્ધજલીય, છતાં શાકાહારી પ્રાણી છે. વિશાળ શરીરની સરખામણીએ નાનકડા પગ અને લાંબા મોં પર ભારે પોપચાં ધરાવતા હોવાથી તેનો દેખાવ વિચિત્ર, જાણે કે ઊંઘરેટો લાગે છે. જળચર અને ભૂચર જીવોની વચ્ચેની ‘ખૂટતી કડી’તરીકે તેમની ગણના થતી આવી છે. આફ્રિકાના વતની એવા હીપ્પોપોટેમસ સ્વરક્ષણ માટે એ હદે આક્રમક બની શકે છે કે વિશાળકાય નાઈલ મગર સુદ્ધાંને તે મારી શકે છે.

કોઈ પણ અન્ય વિશાળકાય શાકાહારી કરતાં હીપ્પો માનવ માટે વધુ ભયાનક છે. કોલમ્બિયાના સત્તાવાળાઓએ આગામી મહિનામાં આ એકસો ત્રીસ પૈકીના મોટા ભાગના હીપ્પોપોટેમસને પકડવાનું આયોજન હાથ ધર્યું છે. તેમને પકડીને તેઓ વિવિધ સ્થળે મોકલી આપશે. એમાંના સાઠ હીપ્પોને ભારતમાં, ગુજરાતમાં મોકલવાની વાત છે. દસેક હીપ્પો ઉત્તર મેક્સિકોમાં આવેલા ઓસ્ટોક અભયારણ્યમાં મોકલવામાં આવશે, જેનો ખર્ચ પાંત્રીસેક લાખ ડોલર આવવાનો અંદાજ છે.
નામીબીયાથી આયાત કરાયેલા ચિત્તા પછી આ હીપ્પો તાજેતરનું એવી પ્રજાતિનું પ્રાણી છે કે જેનું વતન ભારત નથી.

વિજ્ઞાનીઓ અને પર્યાવરણવિદો આ આખી ઘટનાને શંકાની નજરે નિહાળી રહ્યા છે. એ માટે તેમની પાસે સબળ કારણ છે. કોલમ્બિયામાં હીપ્પોપોટેમસનો નૈસર્ગિક રીતે શિકાર કરી ખાનારી કોઈ પ્રજાતિ પોષણ કડીમાં નથી. આ કારણે તેઓ વિવિધ જીવો અને પર્યાવરણ માટે ખતરારૂપ બની રહ્યા છે. ખાસ કરીને મેનાટી અને કેપીબાર જેવા જીવોના આવાસને તેનાથી ખતરો છે. સ્થાનિક જૈવપ્રણાલી ઉપરાંત ક્યારેક માનવજાત માટે પણ તે જોખમી બની શકે છે. હીપ્પો રહેતા હોય એ જળાશયમાં પોષક દ્રવ્યો તેમજ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. તે સાયનોબૅક્ટેરિયાની વૃદ્ધિ માટે પોષક બની રહે છે. આને કારણે પાણીનો જથ્થો ઘટી શકે છે અને માછલીઓનાં મોટા પ્રમાણમાં મૃત્યુને નોંતરી શકે છે.

આ હીપ્પોપોટેમસને મેક્સિકો અને ભારતમાં મોકલવાને બદલે તેમના વતન આફ્રિકા મોકલવામાં કેમ નથી આવતા એ સવાલ થાય એ સ્વાભાવિક છે. આન્તિમઓકીઆ પ્રાંતના ગવર્નર અનિબાલ ગવીરીઆએ સી.એન.એન.ને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એ શક્ય નથી. આ હીપ્પોને પાછા આફ્રિકા મોકલવામાં આવે તો એનાથી તેમને પોતાને તેમજ સ્થાનિક જૈવપ્રણાલીને પૂરેપૂરું જોખમ રહે છે, કેમ કે, વતનમાં તેમનાં લક્ષણોનો વિકાસ ત્યાંના વાતાવરણને અનુરૂપ થતો હોય છે.

પશુઓના હક માટે કાર્યરત એવા એક અમેરિકન જૂથે અમેરિકાની અદાલતમાં કોલમ્બિયન સરકાર સામે દાવો માંડ્યો હતો. હીપ્પોની ઝડપથી વધતી જતી વસતિને રોકવા માટે સરકાર તેમને મારી કે વંધ્યીકરણ ન કરી શકે એ માટેનો આ દાવો હતો. અમેરિકન ન્યાયપ્રણાલીએ હીપ્પોની તરફેણમાં ચુકાદો આપ્યો, એટલું જ નહીં, હીપ્પોને તેમણે ‘પ્રાણી’ને બદલે ‘વ્યક્તિ’નો દરજ્જો આપ્યો છે. આનો સીધો અર્થ એ કે હીપ્પોને કશું પણ કરવામાં આવે તો તેને માનવ સાથે કરાયેલી હરકત ગણીને એ અનુસાર સજા કરવામાં આવે.

અલબત્ત, આ ચુકાદો અમેરિકાની અદાલતે આપ્યો છે, જેને કોલમ્બિયા સાથે કશી લેવાદેવા નથી. પોતાના દેશમાં કોલમ્બિયન સરકારે જે નિર્ણય લેવો હોય એ લઈ શકવા તે મુક્ત છે. આ આખી વાત આમ તો પહેલી નજરે હાસ્યાસ્પદ જણાય. એમાંથી એટલું તથ્ય તારવવું પૂરતું છે કે અમેરિકન ન્યાયપ્રણાલીએ હીપ્પોને માનવ સમકક્ષ ગણ્યા.
હીપ્પોના સમગ્ર કિસ્સામાં હજી સુધી ભારતનું વલણ જાણી શકાયું નથી. આ હીપ્પોને ભારતમાં વસાવવા પાછળ શું કારણ છે, શું આયોજન છે એ બાબતે સરકારનો પક્ષ જાહેર કરાયો હોય એમ જાણવા મળ્યું નથી.

આ હીપ્પો એ પાઠને વધુ એક વાર સ્પષ્ટ કરે છે કે નૈસર્ગિક ક્રમમાં માનવ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે તો તેનું ખરાબ પરિણામ માનવજાતે ભોગવવું પડે છે. સંપત્તિ કદાચ ભલભલી ચીજો ભલે સુલભ કરી આપે, નૈસર્ગિક ક્રમમાં ચેડાં કરવાની વૃત્તિ માનવજાતે ત્યજવી રહી. ધન અને તેના થકી પ્રાપ્ત થતી સત્તાનો નશો એવો હોય છે કે તે સામાન્ય વિવેકને પણ કોરાણે મૂકાવી દે છે. આ કારણે એકનો એક પાઠ વારંવાર ભણવા છતાં તે પાકો થતો નથી અને કોઈકની ભૂલનું પરિણામ કોઈકે, સરવાળે સમગ્ર માનવજાતે ભોગવવું જ પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top