Editorial

કિમ જોંગ કોરિયન ક્ષેત્રમાં યુદ્ધ ભડકાવીને જ રહેશે?

હાલમાં દુનિયામાં બે યુદ્ધો ચાલી રહ્યા છે. એક તો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી શરૂ થયેલ રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજી પણ ચાલુ છે ત્યારે આ વર્ષે ઓકટોબરમાં ઇઝરાયેલ અને હમાસ સંગઠન વચ્ચે ભયંકર લડાઇ ફાટી નિકળી, જે બે દેશો વચ્ચેના યુદ્ધ સમાન જ ઉગ્ર છે. આ યુદ્ધો ચાલુ છે ત્યારે ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ ઉન બખાળા કાઢવા માંડ્યા છે અને તેમના ઉધામાઓને કારણે કોરિયન ક્ષેત્રમાં પણ યુદ્ધ ભડકી ઉઠે તેવો ભય ઉભો થયો છે. હાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઉત્તર કોરિયાએ અનેક મિસાઇલ પરીક્ષણો કર્યા છે અને તે સાથે જ હવે તેના તાનાશાહ કિમ જોંગે ધમકી પણ ઉચ્ચારી છે.

દક્ષિણ કોરિયાને અમેરિકા મદદ કરે છે અને તેની સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરે છે તેને કિમ જોંગે અમેરિકાની આગેવાનીમાં વધતા જતા લશ્કરી ખતરા તરીકે ઓળખાવ્યો હતો તેને નાબૂદ કરવા માટે વધુ આક્રમક પગલાઓ ભરવાની ધમકી આપી હતી, તેમણે અમેરિકાની મુખ્ય ભૂમિ પર હુમલો કરવા માટે બનાવવામાં આવેલા દેશના સૌથી અત્યાધુનિક મિસાઇલના ત્રીજા પરીક્ષણનું નિરીક્ષણ કર્યા બાદ મંગળવારે આ ધમકી છે. કિમનું નિવેદન એ સૂચવે છે કે તેમને તેમના વધતા મિસાઇલ શસ્ત્ર જથ્થામાં વિશ્વાસ છે અને અમેરિકામાં આવતા વર્ષની પ્રમુખપદની ચૂંટણી યોજાય તે પહેલા શસ્ત્રોના પરીક્ષણની પ્રવૃત્તિ ચાલુ રાખશે. પણ ઘણા નિરીક્ષકો કહે છે કે ઉત્તર કોરિયાને તેની પાસે અમેરિકાની મુખ્ય ભૂમિને લક્ષ્ય બનાવતી કાર્યરત મિસાઇલો છે તે પુરવાર કરવા માટે વધુ નોંધપાત્ર પરીક્ષણો કરવાની જરૂર છે.

વાસોંગ-૧૮ આંતરખંડિય બેલેસ્ટિક મિસાઇલના લોન્ચનું સોમવારે પરીક્ષણ કર્યા બાદ કિમે કહ્યું હતું કે આ પરીક્ષણ સૂચવે છે કે જો અમેરિકા તેની વિરુદ્ધ ખોટો નિર્ણય લે તો ઉત્તર કોરિયા કઇ રીતે તેનો જવાબ આપી શકે છે. કિમે એ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે શત્રુઓની બેજવાબદાર લશ્કરી ધમકીઓની ક્યારેય અવગણના કરવામાં નહીં આવે…અને વધુ આક્રમક પગલાઓ વડે તેમનો મજબૂત રીતે મુકાબલો કરવામાં આવે. આ પહેલા ઉત્તર કોરિયાએ સોમવારે વાસોંગ-૧૮ નામના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, જે ઘન બળતણ વડે ચાલતુ મિસાઇલ છે અને તે ઉત્તર કોરિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર મનાય છે.

તેની અંદરના જ સોલિડ પ્રોપેલન્ટને કારણે શત્રુઓ માટે તેને શોધી કાઢવાનું વધુ મુશ્કેલ બને છે. જો કે ઘણા વિદેશી નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયા અણુ શસ્ત્રનું વહન કરી શકે તેવા આઇસીબીએમ પ્રાપ્ત કરે તેની સામે હજી કેટલાક ટેકનોલોજીકલ અવરોધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને દક્ષિણ કોરિયાએ તેમની લશ્કરી કવાયતો વધારી છે અને સાઉથ કોરિયામાં શક્તિશાળી લશ્કરી સાધનોની તૈનાતી વધી છે. આની સામે ઉત્તર કોરિયાના ઉધામા તો ચાલુ જ છે.

વર્ષ ૨૦૧૭થી ઉત્તર કોરિયાએ સંખ્યાબંધ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે, જે અમેરિકાની મુખ્ય ભૂમિ પર અણુ મિસાઇલ હુમલો કરવા માટેની ક્ષમતા વિકસાવવા માટેના પ્રયાસમાં કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે કિમ જોંગની સિંગાપોરમાં બેઠક પણ યોજાઇ હતી, સમજૂતિ પણ થઇ હતી. પરંતુ હવે ફરીથી કિમ જોંગ પોતાના અસલી મિજાજમાં આવી ગયા છે અને મિસાઇલના પરીક્ષણ પર પરીક્ષણ કરવા માંડ્યા છે. હાલમાં રશિયાની મુલાકાતે જઇ આવ્યા બાદ તો કિમ જોંગ વધુ જુસ્સામાં આવી ગયા લાગે છે.

સોમવારના મિસાઇલ પરીક્ષણ પછી એક ત્રિપક્ષી હાકલમાં અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાન અને તેમના સાઉથ કોરિયન અને જાપાનીઝ સમકક્ષોએ ઉત્તર કોરિયાના આ લોન્ચને વખોડ્યું હતું અને વ્હાઇટ હાઉસે તેને યુએન સુરક્ષા પરિષદના અનેક ઠરાવોના ભંગ સમાન ગણાવ્યું હતું જે ઠરાવોમાં ઉત્તર કોરિયાની કોઇ પણ બેલેસ્ટિક પ્રવૃતિ પર પ્રતિબંધ મૂકે છે. જો કે ઉત્તર કોરિયા આવા કોઇ પ્રતિબંધોને ગણકારતું નથી અને જાત જાતના ઉધામા કરતું રહે છે. અત્યારે સ્થિતિ એવી છે કે જો કિમ જોંગ કશું મોટું કરી બેસે તો કોરિયન ક્ષેત્રમાં પણ યુદ્ધ ભડકી ઉઠી શકે છે અને નવુ વર્ષ શરુ થવાને હવે થોડા દિવસ બાકી છે ત્યારે આવતા વર્ષે દુનિયામાં ત્રણ યુદ્ધો ચાલતા હોઇ શકે છે.

Most Popular

To Top