Columns

જોખમી ફોર્ટિફાઈડ ચોખા ૮૦ કરોડ ગરીબોના માથે કેમ મારવામાં આવી રહ્યા છે?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૧ની ૧૫મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી સ્વાસ્થ્યલક્ષી એક મહત્ત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતના ગરીબો અને બાળકોનાં કથળતાં જતાં સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારી યોજનાઓ અંતર્ગત આપવામાં આવતા ચોખાને ‘ફોર્ટિફાઈ’કરવાની વડા પ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ફોર્ટિફાઈડ ચોખામાં કૃત્રિમ રીતે સૂક્ષ્મ પોષક તત્ત્વો ઉમેરવામાં આવે છે, જેના સેવનથી કુપોષણની સમસ્યા દૂર કરવાની સરકારની નેમ હતી. સૂક્ષ્મ પોષક તત્ત્વોમાં સામાન્ય રીતે વિટામીન બી ૧૨, ફોલિક એસિડ અને લોહ તત્ત્વોનો સમાવેશ થાય છે. ચોખાને ફોર્ટિફાઈ કરીને ગરીબો વચ્ચે તેનું મફત વિતરણ કરવા પાછળ સરકારનો હેતુ કદાચ સારો હશે; પરંતુ તાજેતરમાં થયેલા અમુક અભ્યાસો અને રિપોર્ટ મુજબ આ નિર્ણય અત્યંત ભેદી રીતે અને ઉતાવળમાં લેવામાં આવ્યો હતો.

પત્રકારોની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’દ્વારા સરકારના આ પ્રોજેક્ટનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતની લગભગ ૮૦ કરોડની જનતાને સરકાર દ્વારા મફત અનાજ પૂરું પાડવામાં આવે છે. તે દરેકને ફોર્ટિફાઈડ ચોખા આપતાં પહેલાં તેની સ્વાસ્થ્ય ઉપરની ખરાબ અસરો માટે કરવામાં આવેલા તમામ અભ્યાસો પોકળ સાબિત થયા છે. તે ઉપરાંત આ ચોખાની અસરો જાણવા માટે શરૂ કરાયેલા પાઈલોટ પ્રોજેક્ટ પણ નિષ્ફળ ગયા હતા તેવું જાણવા મળ્યું છે.

નાણાં મંત્રાલય, ખોરાક અને વિતરણ વિભાગ, નીતિ આયોગ, ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અને અનેક આંતરિક તથા બાહ્ય સંસ્થાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોર્ટિફાઈડ ચોખા માટે લેવાયેલો નિર્ણય ઉતાવળિયો અને અપરિપક્વ ગણાવવામાં આવ્યો હતો. તેમ છતાં આ કોઈની સલાહને કાને ધર્યા સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાક્ષણિક આપખુદ પદ્ધતિનો ઉપયોગ કરીને દેશભરનાં લોકોમાં આ ચોખાનું વિતરણ કરવાનું ફરમાન જારી કરી દીધું હતું.

આપણે પહેલાં એ સમજીએ કે ફોર્ટિફાઈડ ચોખા શું છે? સામાન્ય ચોખાને પીસીને તેના લોટમાં કૃત્રિમ પોષક તત્ત્વો ઉમેરવામાં આવે છે અને ત્યાર બાદ આ લોટને યંત્રો વડે ફરી ચોખાના દાણા જેવો આકાર આપવામાં આવે છે. સામાન્ય ચોખાના દરેક ૧૦૦ દાણાએ ફોર્ટિફાઈડ ચોખાનો એક દાણો ઉમેરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારના ચોખાનો પ્રચાર કુપોષણ સામેના હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. આપણે યાદ રાખવું જોઈએ કે ભારત એક કુપોષિત દેશ છે.

સત્તાવાર આંકડાઓ મુજબ ભારતનાં ૧૭ લાખ બાળકો ‘તીવ્ર કુપોષિત’વર્ગમાં આવે છે. દેશનો વિકાસ થઈ રહ્યો હોવાની ગુલબાંગો વચ્ચે ભારતમાં ખોરાકની અંદર લોહ તત્ત્વની ઊણપને કારણે કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ પાંચ વર્ષથી નાનાં બાળકો પૈકી ૬૭.૧ ટકા બાળકો અને ૧૫થી ૪૯ વર્ષની મહિલાઓ પૈકી ૫૭ ટકા મહિલાઓ કુપોષણનો શિકાર છે. તે ઉપરાંત વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯-૨૧ દરમ્યાન બાળકોના કુપોષણમાં ૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો, પણ કુપોષણની સમસ્યાનું મારણ ફોર્ટિફાઇડ ચોખા નથી.

આ ફોર્ટિફાઈડ ચોખાની ઉપયોગિતા જાણવા માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિનામાં ૧૫ રાજ્યોના એક-એક જિલ્લાઓમાં પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨ના માર્ચ મહિના સુધી ચાલવાના હતા. તે પ્રોજેક્ટનાં પરિણામોના આધારે સરકાર દ્વારા ફોર્ટિફાઈડ ચોખાના ઉપયોગ બાબતમાં નિર્ણય લેવામાં આવનાર હતો. જો કે વડા પ્રધાન મોદીએ પ્રોજેક્ટ ચાલુ થયાના છ જ મહિનામાં આ ચોખાને દેશભરમાં વિતરણ કરવાની જાહેરાત કરી દીધી હતી. તે સમયે, પંદર પૈકીનાં ફક્ત છ જ રાજ્યોમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો.

છ પૈકીનાં ચાર રાજ્યોમાં તો મોદીની જાહેરાત બાદ ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટૂંકમાં ફક્ત બે જ રાજ્યોના બે જિલ્લાઓનાં પરિણામોને આધારે મોદી દ્વારા દેશની અડધી આબાદી માટે ફોર્ટિફાઈડ ચોખા ફરજીયાત કરી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત સંસદમાં ફોર્ટિફાઈડ ચોખાના સમર્થન માટે નિષ્ફળ ગયેલા પાઈલોટ પ્રોજેક્ટને સફળ દર્શાવવામાં આવ્યો હતો. જો કે આ સફળતા ફક્ત ચોખાના વિતરણ પૂરતી સીમિત હતી. આ ચોખાના ઉપયોગથી કુપોષણ દૂર કરવા બાબતે કોઈ નિવેદન કરવામાં આવ્યું નહોતું. સરકાર પાસે ‘ટાટા ટ્રસ્ટ’દ્વારા મહારાષ્ટ્રમાં અમલમાં મૂકાયેલા એક જ પાઈલોટ પ્રોજેક્ટની માહિતી હતી. જો કે આ પ્રોજક્ટમાં થયેલા સંશોધનને કોઈ પણ ‘જર્નલ’માં પ્રકાશિત કરવામાં નહોતું આવ્યું. તેમાં સ્વાસ્થ્ય કરતાં ચોખાના વિતરણને વધુ મહત્ત્વ અપાયું હતું.

પાઈલોટ પ્રોજેક્ટની નિષ્ફળતાને કારણે વર્ષ ૨૦૨૧ના જૂન મહિનામાં ખોરાક અને વિતરણ વિભાગ દ્વારા ફોર્ટિફાઈડ ચોખાના પક્ષમાં તેર જેટલાં સંશોધનો ભેગાં કરવામાં આવ્યાં. આ તેર પૈકીનાં અગિયાર સંશોધનો ફોર્ટિફાઈડ ચોખાના પક્ષમાં હતાં પરંતુ બે સંશોધનોમાં તેના ઉપયોગથી કુપોષણની સમસ્યામાં કોઈ ફેર નહીં પડે તેવું દર્શાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આ સંશોધનોમાં યુકેની ‘કોક્રેન સમીક્ષા’ને અવગણવામાં આવી હતી. આ સમીક્ષા ફોર્ટિફાઈડ ચોખાની બાબતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણભૂત માનવામાં આવે છે.

‘કોક્રેન સમીક્ષા’માં ફોર્ટિફાઈડ ચોખા માટે સત્તર સંશોધનોનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે પૈકીનાં છ સંશોધનોને ખોરાક અને વિતરણ વિભાગ દ્વારા પોતાનાં તેર સંશોધનોમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ‘કોક્રેન સમીક્ષા’ના અહેવાલ મુજબ, “લોકોની કુપોષણ કે લોહ તત્ત્વની ઊણપની સમસ્યા ફોર્ટિફાઈડ ચોખા વડે દૂર કરી શકાય તેમ નથી.” ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ્ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’મુજબ ફોર્ટિફાઈડ ચોખાના દાણો ‘હાઈ રિસ્ક કેટેગરી’માં આવે છે, કેમકે જો તેનું ઉત્પાદન ચોક્કસ રીતે ન કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થાય છે.

આ સંસ્થાના એક વરિષ્ઠ સલાહકારનું માનવું છે કે ‘કોક્રેન સમીક્ષા’ને જ ફોર્ટિફાઈડ ચોખાના ઉપયોગ માટે આધાર ગણવી જોઈએ. ખોરાક વિભાગનાં સંશોધનોની યાદીમાં એક સંશોધન બેંગલુરૂમાં કરવામાં આવ્યું હતું. આ સંશોધન મુજબ બાળકોમાં ફોર્ટિફાઈડ ચોખાના સેવનથી લોહ તત્ત્વની ઊણપ દૂર થઈ હતી પરંતુ ફેરેટીનની માત્રા વધી હતી જે ડાયાબિટીસનું કારક છે. આ સંશોધનના લેખકો પૈકી એક ડૉ. ક્રુપાડ છે જે દેશના નીતિ આયોગના પોષણ વિભાગના સદસ્ય છે અને દેશભરમાં ફેરેટીનની વધતી માત્રા સામે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

એક પ્રશ્ન એ થઈ શકે કે ભારતમાં આયોડીન વડે ફોર્ટિફાઈ કરેલું મીઠું લગભગ પચાસ વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે તો પછી ફોર્ટિફાઈડ ચોખા સામે શું વાંધો હોઈ શકે? ડૉ. ક્રુપાડના કહેવા મુજબ મીઠું એક હદથી વધું નથી ખાઈ શકાતું જ્યારે લોકો ચોખાનો ઉપયોગ જરૂરથી વધુ માત્રામાં કરી શકે છે. તે ઉપરાંત વધારાના આયોડીનનો શરીર મૂત્ર માર્ગે નિકાલ કરી શકે છે પરંતુ વધારાના લોહ તત્ત્વનો નિકાલ કરવા માટે શરીર પાસે કોઈ રસ્તો નથી. પ્રોફેસર ચન્દના કહેવા મુજબ અનેક તબીબોએ ફોર્ટિફાઈડ ચોખાનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક ગણાવ્યો છે. આ ચોખાનો ઉપયોગ ટૂંક સમય માટે જ કરી શકાય અને તે કાયમી ઈલાજ નથી તેવું પ્રોફેસર ચન્દનું કહેવું છે. એક સરકારી સંસ્થાએ ફોર્ટિફાઈડ ચોખાના વિતરણ બાદ તેનો અભ્યાસ કર્યો હતો; જે આવતી કાલે જોઈશું.

Most Popular

To Top