Columns

શું રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે?

અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લંઘન કરે કે બંધારણીય મર્યાદાઓને અતિક્રમે ત્યારે અદાલતના દરવાજા ખખડાવો. ન્યાયતંત્રની સ્થિતિ હતાશાજનક છે એ આપણે જાણીએ છીએ એ છતાં અદાલતના દરવાજા ખખડાવો. એમાં બે લાભ છે. પહેલો લાભ એ કે જો જજ ભલો હોય, સંવેદનશીલ હોય, પ્રામાણિક હોય, બંધારણનિષ્ઠા ધરાવતો હોય, અદના માનવી અને દેશ માટે નિસ્બત ધરાવતો હોય અને હિંમત હોય તો આપણી વાત કાને પડે અને ન્યાય પણ મળે.

શાસકો અને સ્થાપિત હિતો પર અંકુશ આવે અને જો જજ અપ્રામાણિક હોય, અસંવેદનશીલ હોય, બીકાઉ હોય, અભણ હોય, ડરપોક હોય તો તે ઉઘાડો પડે એ બીજો ફાયદો. ન્યાયતંત્ર એક પવિત્ર મંદિર છે અને એમાં અપવિત્ર કામ કરનારાઓને તેમનો ચહેરો બતાવતા રહેવો જોઈએ અને જગત સમક્ષ ઉઘાડો પાડતો રહેવો જોઈએ. ભલે એ આપણી વિરુદ્ધ ચુકાદો આપે અથવા ગોળગોળ ચુકાદો આપે અથવા ચુકાદો આપવાનું ટાળે, પણ સરવાળે એ એમ કરતી વખતે પોતાના ચારિત્ર્ય અંગે પણ ચુકાદો આપતો હોય છે. એક ખુદ્દાર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાનો ન્યાયમૂર્તિ તરીકેનો ઉજજવળ ચહેરો દસ બીકાઉ ન્યાયમૂર્તિ ગોગોઈઓને સતાવતો હોય છે. આ લાભ પણ જેવોતેવો નથી. પવિત્ર સ્થાને બેસીને અપવિત્ર કામ કરનારાઓને તેમના દરવાજે ન્યાયની માગણી કરીને ઉઘાડા પાડો.

દેશમાં હિંદુ રાષ્ટ્રવાદીઓની સરકાર આવી છે ત્યારથી વડી અદાલતોના અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની કસોટી થઈ રહી છે. અદનો નાગરિક દરવાજે ઊભો રહે ત્યારે શું કરવું? આવી જ કસોટી ઇન્દિરા ગાંધીના વખતમાં પણ ન્યાયમૂર્તિઓની થતી હતી. પવિત્ર સ્થાને બેસીને અપવિત્ર કામ કરવું કે પછી અંગત સ્વાર્થ અને ભયને બાજુએ મૂકીને પોતાના અંતરાત્માને તેમ જ બંધારણને વફાદાર રહીને પવિત્ર સ્થાનેથી પવિત્ર કામ કરવું? ભલે 100માંથી 99 વખત નિષ્ફળતા મળે પણ પવિત્ર સ્થાને બેઠેલાઓની પવિત્રતાની કસોટી કરતા જ રહેવું જોઈએ. આ પણ એક નાગરિક ધર્મ છે.

આવા નાગરિક ધર્મના ભાગરૂપે એક અદના નાગરિકે રાજદ્રોહના કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો અને કહ્યું કે આ કાયદાનો શાસકો તેમની ટીકા કરનારાઓની સામે તેમને ડરાવવા માટે અને સતાવવા માટે દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યાર પછી 2020 સુધીનાં 7 વર્ષમાં 399 રાજદ્રોહના ગુના નોંધાયા છે. આમાંથી 82% કેસ એવા છે જેમાં પોલીસે હજુ સુધી કહેવાતા આરોપી સામે આરોપનામું ઘડીને કેસને અદાલતમાં પહોંચાડ્યો જ નથી અને જેટલા ખટલા અદાલતમાં દાખલ થયા છે તેમાંથી 95 %  કેસમાં કોઈ ચુકાદા આવ્યા નથી. રાજદ્રોહ એક ગંભીર ગુનો છે એ વાત જો સાચી હોય તો પોલીસ અને અદાલત તપાસ કરવામાં, આરોપનામું ઘડવામાં, ખટલો ચલાવવામાં અને સજા કરવામાં ઢીલ શા માટે કરે છે અને જો ઢીલ પરવડતી હોય તો એનો અર્થ એટલો જ થાય કે આરોપ ગંભીર છે પણ ગુનો ગંભીર નથી અથવા તો કોઈ ગુનો જ નથી. આને કાયદાનો દુરુપયોગ કહેવાય કે નહીં? અને જો કોઈ કાયદાનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થતો હોય તો તેને કાયદાપોથીમાંથી રદ કરવો જોઈએ.

આ સિવાય આ અંગ્રેજકાલીન કાયદો છે, તે અંગ્રેજોએ પોતાના એટલે કે બ્રિટિશ સામ્રાજ્યના હિત જાળવવા માટે ઘડ્યો હતો, લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી સામે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, દેશને આઝાદી મળશે એ પછી એ કાયદાને રદ કરવામાં આવશે એવા ઠરાવ કરવામાં આવ્યા હતા, આ કાયદાને ટકાવી રાખવાની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા ખામીભર્યા છે વગેરે દલીલો કરવામાં આવી હતી. આમાં મહત્ત્વપૂર્ણ દલીલ એ પણ હતી કે કાયદાપંચે એકથી વધુ વખત રાજદ્રોહના કાયદાને રદ કરવો જોઈએ એવી ભલામણ કરી છે અને છેલ્લી ભલામણ 2019માં કરી હતી જેમાં પંચે શાસકોને અને ન્યાયતંત્ર (એક્ઝીક્યુટીવ એન્ડ જ્યુડીશ્યરી)ને ઉદ્દેશીને 10 સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને એના ઉત્તરથી સરકાર અને ન્યાયતંત્ર ભાગી શકે નહીં વગેરે.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પૂછ્યું કે તમારે આમાં શું કહેવાનું છે? પહેલાં સરકાર વતી એટર્ની જનરલે કબૂલ કર્યું કે હા, દુરુપયોગ તો થઈ રહ્યો છે. એ પછી તેમણે કહ્યું કે સરકાર પોતે આ કાયદાની બંધારણીયતા તપાસીને તેના વિષે નિર્ણય લેશે અને જોઈએ તો રદ કરશે. ક્યાં સુધીમાં આ કામ કરવામાં આવશે? સર્વોચ્ચ અદાલતે સમયમર્યાદા બાંધવાનું કહ્યું એટલે સરકારે ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું. છેવટે અદાલતે નિર્ણય લીધો કે આ કાયદાનો ઉપયોગ ત્યાં સુધી કરવામાં નહીં આવે જ્યાં સુધી સરકાર અને ન્યાયતંત્ર આખરી નિર્ણય નહીં લે. અદાલતે સરકારને જુલાઈ સુધીનો સમય આપ્યો છે. સરકારના નિર્ણય પછી સર્વોચ્ચ અદાલત તેની બંધારણીતા તપાસશે.

કેન્દ્ર સરકારના એટર્ની જનરલે કબૂલ્યું હતું કે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સ્વાભાવિકપણે મહારાષ્ટ્ર સરકારે શરદ પવારના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરનાર નવનીત રાણાની સામે રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો તેનો ઉલ્લેખ આવ્યો હતો. આમાં તે વળી કયો રાજદ્રોહ? પ્રશ્ન જરાય અસ્થાને નથી પણ આ પણ એક રમત છે. ઉપર જે અરુણ શૌરીએ તાવીજ બતાવ્યું એનાથી સામેના છેડાનું આ તાવીજ છે. જે કાયદાનો ચોક્કસ પક્ષના શાસકો દ્વારા રાજકીય વિરોધીઓ સામે વ્યાપક પ્રમાણમાં દુરુપયોગ થતો હોય.

તો તેના ઈલાજરૂપે એ જ કાયદાનો તેમની સામે પોતાના રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં દુરુપયોગ કરો કે એ હાસ્યાસ્પદ બની જાય અને તેની પ્રાસંગિકતા જ ખતમ થઈ જાય. રાજદ્રોહના ગંભીર કાયદાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ એકબીજાના રાજકીય હરીફો સામે દુરુપયોગ કરીને હાસ્યાસ્પદ બનાવી મૂક્યો છે. શઠં પ્રતિ શાઠ્યનો તિલકીય ન્યાય રાજ્યોના ગેરબીજેપી શાસકો અપનાવી રહ્યા છે. પરિણામે કેન્દ્ર સરકારના એટર્ની જનરલે અદાલતમાં કહેવું પડ્યું કે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. બીજો ઉપાય પણ નહોતો કારણ કે આવું કહેનારા અનેક નિવેદનો શાસક પક્ષના પ્રવક્તાઓએ, નેતાઓએ અને પ્રધાનોએ સુદ્ધાં કર્યાં છે.  રાજદ્રોહના મામલામાં બન્ને તાવીજોએ કામ કર્યું છે. ઊંટ કાઢે ઢેકા તો લોકો શોધે ઠેકા!

Most Popular

To Top