Comments

સામાન્ય માણસનો ખરો વિકાસ શેમાં?

આર્થિક વિકાસની બોલબાલા ચારે બાજુ છે! અર્થશાસ્ત્રીઓ કરતાં નેતાઓ, મનોરંજન જગતના આગેવાનો આર્થિક વિકાસની વાત વધારે કરે છે ત્યારે સામાન્ય માણસ મૂંઝાય કે શું ખરેખર આર્થિક વિકાસ જ અગત્યનો છે. સરકારોએ તો આર્થિક બાબતોથી જ દૂર રહેવાનું હોય તો સરકારે આર્થિક વિકાસ શા માટે માથે લેવો જોઇએ? ખેર, આપણે આ રાજકીય કે માન્યતા આધારિત વિવાદમાં પડવા માંગતા નથી. આપણે તો સામાન્ય માણસ કોને વિકાસ સમજે અથવા સામાન્ય માણસને કયા પ્રકારના વિકાસમાં રસ છે તે સમજવામાં રસ છે! સૌ પ્રથમ તો આપણે એ સમજી લેવું જોઇએ કે ‘આર્થિક’ શબ્દને જ કરકસર સાથે લેવાદેવા છે. ખર્ચ ન થવો એમ નહીં પણ ઓછા ખર્ચે જરૂરિયાત પૂરી પાડવાની મથામણ અર્થશાસ્ત્રનો વિષય છે. જો રૂપિયા ઓછા વપરાય છે! જો શકિતઓ ઓછી ખર્ચાય છે. જો દેશનાં કુદરતી સંસાધનોનો ઓછો બગાડ થાય છે તો તે પણ વિકાસનો જ એક ભાગ છે!

જો ખર્ચવાનું હોય તો તે ઓછું હોય અને જો મેળવવાનું હોય તો તે વધુ હોય તે માણસનો સ્વભાવ છે. તો તે જ ન્યાયે પહેલાં કરતાં વધારે શાંતિ અને સલામતી મળે, પહેલાં કરતાં વધારે સ્વચ્છ હવા – પાણી -ખોરાક મળે, પહેલાં કરતાં ઓછી મહેનતે માણસ કામ કરે, તેને પહેલાં કરતાં વધારે વેતન મળે તે પણ વિકાસ જ છે. સામાન્ય માણસે આર્થિક વિકાસનો વિચાર કરવાનો જ છે. તેની જિંદગી સરળ, સુગમ બને તે વિચારવાનું જ હોય, પણ હવે તેણે ચેતવાની પણ જરૂર જ છે! જેમ કોઇ આપણી શ્રદ્ધાનો ગેરલાભ લે તેમ કોઇ આપણને વિકાસની ભ્રમણાઓમાં ફસાવીને પણ ગેરલાભ લે!

જો શહેરોને જોડતા હાઈ વે બને તો તે વિકાસ છે. જો ગામડાને પાકા રસ્તાથી શહેર સાથે જોડી આપવામાં આવે તો તે વિકાસ જ છે. જો રસ્તા પરના ટ્રાફિકને ઓછો કરવા ઓવર બ્રિજ બનાવવામાં આવે, નદી પર બે ગામને, શહેરને જોડતા બ્રિજ બને તો તે વિકાસ છે. પણ જે ગામના તળાવમાં પાણી જ ન હોય ત્યાં સિમેન્ટની પાળ બાંધીને ચાલનારા માટે વોક વે બનાવવો કે નદી પર ખાલી ફરવાવાળા માટે ટહેલવા માટે પુલ બનાવવો તે વિકાસ નથી. તે મનોરંજન છે. દેશમાં ઘણાં બુધ્ધિજીવીઓ ધર્મસ્થાનોના નિર્માણને અનુત્પાદક ગણતાં હવે તે કોઇને આવા નવા મનોરંજન સ્થળો અનુત્પાદક નથી લાગતાં!

દેશમાં અત્યારે મનોરંજન મફતના ભાવે મળે છે અને શિક્ષણ આરોગ્ય ન્યાય જેવી પાયાની સામુહિક સેવાઓ ખર્ચાળ થતી જાય છે! માટે સામાન્ય નાગરિક વિકાસ માટે આગ્રહ ભલે રાખે પણ તેના વિકાસમાં બાળકોને સસ્તું શિક્ષણ મળવાની વાત વીજળીના બિલમાં રાહત થવાની વાત સરળ અને વાજબી દરે આરોગ્ય સુવિધાઓ મળવાની વાત આવવી જ જોઇએ.
રાજનેતાઓ તો પોતપોતાના સ્વાર્થ પ્રમાણે વિકાસનો વિવાદ કર્યા કરે પણ આપણે યાદ રાખવાનું છે કે મારા ગામમાં બસ આવી કે નહીં? મારી નજીકમાં પ્રાથમિક શિક્ષણ છે કે નહીં! દવાખાના મારાથી કેટલાં દૂર છે! લોકો મોટે ભાગે કિંમત અને મફતની ચર્ચા કરે છે. ભાવ વાજબી હોય એ અગત્યનું જ છે. પણ સુવિધા ઉપલબ્ધ હોવી એ તો એક વાત જ અલગ છે. એટલે મારા ગામ, મારા શહેર કે મારા રાજયના વિકાસની વાત આવે ત્યારે મારે એ જોવું પડે કે પૈસા ખર્ચીને પણ સુવિધા છે ખરી?

આજે ગુજરાતમાં જ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ડાંગ કે તળ સૌરાષ્ટ્રમાં પાયાની સુવિધાઓના મામલે રાજયના બીજા-વિકસિત જિલ્લા કરતાં મોટી અસમક્ષતા પ્રવર્તે છે! અમદાવાદ, સુરત, વડોદરાનાં નાગરિકો એમ કહે કે વિકાસ જોરદાર છે તો માની શકાય પણ આ જ વાત જેમના ગામમાં પ્રાથમિક શાળા પણ નથી, જેમના ગામમાં આખા દિવસમાં બે બસ પણ નથી આવતી કે બજારમાં દવાની દુકાને પૂરતી દવા નથી મળતી તે લોકો પણ કહે તે ખોટું છે!
વળી આર્થિક સંપત્તિ અને ભૌતિક ઝાકમઝોળ પણ વિકાસ નથી. સઉદી અરબ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વારે ઘડીયે પાકિસ્તાન અને તાલિબાનના ઉદાહરણ તથા સમાચાર છાપનારા સાઉદી અરબના સમૃધ્ધ દેશોની વાત કેમ નથી કરતા? અરે સીમા પારનું જ ઉદાહરણ લો ને!

બ્રિટનના હાથમાં હતું! પણ ભૌતિક પ્રગતિ ગગનચુંબી થઇ. 1999 માં જૂના કરાર મુજબ ચીનને સોંપી દેવાયું! અને હા, ભૌતિક પ્રગતિ જોવી હોય તો ચીન કયાં નથી? તો પાકિસ્તાનથી ચીન સુધીનાં તમામ ઉદાહરણો એ બતાવે છે કે નાગરિક સ્વાતંત્ર્ય, નાગરિક મૂલ્યો ન હોય તો માત્ર ભૌતિક આર્થિક વિકાસ કોઇ કામ લાગશે નહીં! અર્થશાસ્ત્રના સિધ્ધાંતોમાં પણ આર્થિક વિકાસમાં માનવકલ્યાણના મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે. આર્થિક વૃધ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત દર્શાવવામાં આવ્યા છે અને સરવાળે આર્થિક વિકાસના સમગ્રલક્ષી ખ્યાલમાં ઉત્પાદન વૃધ્ધિ સાથે વહેંચણીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે!

અનેકના ભોગે થોડાને લાભ ન થાય તે જોવામાં આવ્યું છે અને છેલ્લે, જો રાજકારણની વાત છે તો સરકારે વિકાસ કરવાનો ન હોય, વિકાસ થાય તેવું વાતાવરણ ઊભું કરવાનું હોય! આજે દેશમાં વિદેશી મૂડી ખેંચાઇ આવવાના બદલે ઓછી થઇ રહી છે! વિદેશી યુનિ. અહીં કેમ્પસ ખોલવાનું માંડી વાળ્યું છે. આપણા વિદ્યાર્થીઓ ભણવા પરદેશ દોડી રહ્યાં છે! અને આપણાં ઉદ્યોગપતિઓ ખર્ચવા પરદેશ જઇ રહ્યા છે! ત્યારે સામાન્ય નાગરિક આર્થિક વિકાસની પોતાની સામાન્ય સમજ જાળવી રાખે તે જરૂરી છે!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top