Comments

ભારતીય જ્ઞાન પરંપરા ભણાવવાની આપણી સજ્જતા કેટલી?

નવી શિક્ષણનીતિના વ્યાવહારિક અમલને એક વર્ષ પૂરું થવા આવશે. કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં ભારતીય જ્ઞાન પરંપરાનો યુવાનોને પરિચય થાય. તે ઉદ્દેશથી તમામ કોલેજ કક્ષાના તમામ વિદ્યાશાખાના અભ્યાસક્રમોમાં એક પેપર તરીકે ભારતીય વિદ્યાજ્ઞાન પરંપરાનું પેપર ભણાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે કે ભારતિય જ્ઞાન વ્યવસ્થા યુવાનોને ભણાવવાનો નવી શિક્ષણનીતિમાં ઉદ્દેશ શું છે. આ બાબત વિષય તરીકે ભણાવવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે આજના યુવાનો જયારે ઔપચારિક શિક્ષણમાં જોડાય છે અને ગણિત, વિજ્ઞાન, ઇજનેરી વિદ્યા, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવા આધુનિક વિષયો ભણે છે ત્યારે તેને સતત એ વાંચવા સાંભળવા મળે છે કે આ તમામ વ્યવસ્થાઓ બીજા દેશોમાં ખાસ તો ઇંગ્લેન્ડ-પશ્ચિમી દેશોમાં વિકસી છે. ઉદ્દભવી છે. ભારતમાં તો આમાંનું કશું જ હતું નહીં.

માટે જ અર્થશાસ્ત્ર ભણો કે ઇજનેરી શાસ્ત્ર, માનસશાસ્ત્ર ભણો કે ગણિત શાસ્ત્ર, તેના તજજ્ઞોમાં વિદેશીઓનાં નામ જ આવે. આપણે રોબર્ટસન, ન્યુટન, પાવલો પીકાસો જ ભણવાના. તેમની જ વ્યાખ્યાઓ યાદ રાખવાની ભારતમાં તો કશું હતું નહીં. કશું શોધાયું પણ નથી! આપણી તમામ આધુનિક વ્યવસ્થાઓ પરદેશમાંથી જ આવી છે! વિદ્યાર્થીના મનમાં આ જે ભાવના જાગે છે તેની સામે ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય વ્યવસ્થાઓ ભણાવવામાં આવે તો જ તેને પણ ખબર પડે કે આ વિદેશી વ્યવસ્થાઓ ન્હોતી ત્યારે દેશ ચાલતો જ હતો!

આધુનિક બેંકીંગ અને ચેક ન્હોતા ત્યારે ભારતમાં કઇ નાણાં વ્યવસ્થા હતી? ભારતમાં ઇજનેરી કોલેજો ન્હોતી ત્યારે બંધાયેલાં આ દેવાલયો, મહાલયો કયા જ્ઞાનના આધારે બંધાયાં? ખગોળ વિદ્યામાં તો ભારત અગ્રણી દેશ હતો અને ગ્રહો, નક્ષત્રોનું તેમની ગતિ અને સાપેક્ષ અસરોનું જ્ઞાન ભારત પાસે હતું તો એ જ્ઞાન શું હતું? તારા અને ગ્રહની ગતિ માપવાનાં સાધનો કયાં હતાં? ટૂંકમાં ભારતીય જ્ઞાન પરંપરા ભણાવવાનો મૂળ ઉદ્દેશ ધાર્મિક કે સાંપ્રદાયિક જ્ઞાન આપવાનો નથી.ભારતીય જ્ઞાન આપવાનો છે! આ પેપરમાં કલ્પનાના વિહાર કરતી નાટયકૃતિ કે નવલથા તો ભણાવવાની જ નથી! જો કોઈ વિદ્યાર્થી ભારતીય અર્થશાસ્ત્ર ભણવા માંગે છે તો તેને ભારતીય આર્થિક વિચારધારા અને પરંપરાગત ભારતીય અર્થવ્યવસ્થાનું માળખું ભણવા મળવું જોઈએ!

ભારતીય આર્થિક વ્યવહારોમાં ‘વેચવું અને વહેંચવું’ના સ્પષ્ટ ભાગ છે. વ્યક્તિગત વપરાશની વસ્તુઓ વેચવાની છે અને સામુહિક વપરાશની, કલ્યાણલક્ષી, સેવાઓ વેચવાની નથી! શિક્ષણ, ન્યાય, કળા, વૈદકીય સેવા વેચવા અને નફાકારક રીતે વેચવા માટે નથી! તે માનવકલ્યાણ માટે વાજબી ભાવે વહેંચવી જોઈએ! આ ભારતીય અર્થવિચાર છે. જે વિદ્યાર્થીને ભણાવવાનો છે. ભારતમાં મોટા મોટા મહેલો કેવી રીતે બન્યા તેની સ્થાપત્યકળા અને કૌશલ્યનું જ્ઞાન વિદ્યાર્થીને ભણવા મળવું જોઇએ. ગણિતમાં તો એક આખો માસ્ટર ડીગ્રીનો કોર્ષ ચલાવી શકાય એટલું જ્ઞાન ‘ભારતીય’ છે!

આવું જ ખગોળ વિદ્યામાં છે. પંચાંગમાં પાંચ અંગોની પ્રાથમિક માહિતીથી માંડીને ગ્રહો, તારાની ગતિ માપવાની ભારતીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક ઢબે ભણાવી શકાય તેમ છે. મેડીકલ સાયન્સે આજે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. પણ આપણાં મેડીકલના વિદ્યાર્થીને આપણાં આયુર્વેદની માહિતી અને ‘નાડી વિદ્યા’ જેવાં કૌશલ્યોની માહિતી મળવી જોઈએ! લોકશાહીનો ઉદ્દભવ ભલે ગ્રીસમાં થયો. ઇંગ્લેન્ડમાં તેનું સ્વરૂપ વિકસ્યું પણ ભારતમાં પણ ઘણી બધી રાજય વ્યવસ્થાઓ ‘પ્રજાભિમુખ’હતી, મંત્રીમંડળો હતાં. ‘નગર રચનાઓ હતી ન્યાય પ્રણાલીઓ હતી!

ભારતીય હોય એટલે બધું જ ‘સારુ’ હોય અને ભારતીય હોય તે બધું જ ‘ધાર્મિક’ હોય એ માન્યતા જ પૂર્વગ્રહ પ્રેરિત છે. આપણે આપણી જ્ઞાન પંરપરાઓ તેના સારા-નરસા બન્ને પાસાં સાથે ભણાવવી જોઈએ. ‘આઈ. કે. એસ.’ ભણાવવા પાછળનો નવી શિક્ષણનીતિનો હેતુ સ્વયં સ્પષ્ટ છે કે જીવનના દરેક ક્ષેત્રમાં આધુનિક વ્યવસ્થાઓ અને પશ્ચિમી જ્ઞાન ન હતું ત્યારે ભારતમાં શું હતું? એટલે ભારતીય નાણા બજાર, શરાફ પ્રથા, હૂંડી પરંપરા અને વિષ્ણુ ગુપ્ત, ચાણકયના અર્થશાસ્ત્ર –રાજય શાસ્ત્રના ખ્યાલો બાળકને ભારતીય અર્થતંત્રના સંદર્ભે ભણાવી શકાય!

ભારતીય જ્ઞાન પરંપરા ભણાવવી જોઈએ પણ તેના વ્યવસ્થિત, સંકલિત અભ્યાસક્રમ બનવા જોઈએ.આધુનિક રાજ્યશાસ્ત્ર કે મેનેજમેન્ટમાં તમે વિદુર, ચાણકય કૃષ્ણના ઉપદેશો સીધા જ ભણાવો તો તે કોઇ કામના નથી. આપણે તેને સંકલિત કરીને આધુનિક પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થી સમક્ષ મૂકવા પડશે. આ માટે યોગ્ય સંપાદન થવું જોઈએ. ભારતીય અર્થશાસ્ત્રની વિચારધારા કે વિચારકોમાં ચાણકય, ગાંધી, પંડીત, દિનદયાળ ઉપાધ્યાયથી માંડીને ભારતીય અર્થશાસ્ત્રીઓના સંકલિત વિચારોનો તુલનાત્મક અભ્યાસ પણ કરાવી શકાય!

છેલ્લે ! ભારતીય જ્ઞાન પરંપરાનું એક પેપર અભ્યાસક્રમમાં દાખલ કરવા માત્રથી સરકાર, યુનિ. કે તજજ્ઞોની જવાબદારી પૂરી થતી નથી! તેના અભ્યાસક્રમો ઘડવા, પુસ્તકો તૈયાર કરવાં અને ખાસ તો તેના અધ્યાપકો ઊભા કરવા જરૂરી છે. યાદ રહે. ધાર્મિક શ્રદ્ધા સાથે રામાયણની કથા કરવી એક વાત છે અને તુલસીકૃત રામાયણનો હિન્દીના સ્નાતક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો બીજી વાત છે! સરકારની નવિ શિક્ષણ નીતિમાં સૌથી મોટી મહત્ત્વાકાંક્ષા આ ભારતીય જ્ઞાન પરંપરા ભણાવવી તે છે!અને અમલીકરણના સમયે તેનો જ ઘડો લાડવો વાળી દેવાયો હોય તેમ લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top