Columns

ગ્રાહકે બેંક સમક્ષ ડીપોઝીટ કરેલા મિલકતના દસ્તાવેજો બેંકથી ગુમ થઈ જાય તો ?

લોન મેળવવા માટે ઘણી વા૨ કોઈ મિલકત બેંકમાં ગીરો (મોર્ગેજ) મૂકવી પડે છે. મિલકત જુદી જુદી રીતે યાને મોર્ગેજ થઈ શકે છે. ઈકવીટેબલ મોર્ગેજની પ્રક્રિયા પ્રમાણમાં સરળ અને ઓછી ખર્ચાળ હોવાને કા૨ણે બેંકો મોટે ભાગે ઈકિવટેબલ મોર્ગેજ કરાવવાનું પસંદ કરે છે. મિલકત સંબંધિત અસલ દસ્તાવેજો બેંકમાં ડિપોઝીટ કરીને ઈકિવટેબલ મોર્ગેજ થઈ શકે છે. લોન લેનાર દ્વારા ધિરાણની પરત ચૂકવણી થઈ જાય ત્યાં સુધી આ દસ્તાવેજો સાચવવા તેમ જ પરત ચૂકવણી થઈ ગયા પછી આ દસ્તાવેજો પરત કરવા બેંક જવાબદાર અને બંધાયેલ છે. કેટલીક વાર કોઈ પણ કારણોસર મિલકતના માલિકે બેંકને સોંપેલા મિલકતના અસલ દસ્તાવેજોની ફાઈલ ગુમ થઈ જવાના સંજોગો પણ ઊભા થાય છે પરંતુ પોતાની પાસેની મિલકતના અસલ ટાઈટલ ડીડસ ગુમ થયાના કિસ્સામાં અને તે પરત ન કરી શકવાના સંજોગોમાં બેંક ક્ષતિયુક્ત સેવા માટે જવાબદાર ગણાશે અને વળતર આપવા જવાબદાર બનશે.

ભારતની સર્વોચ્ચ ગ્રાહક અદાલત સમક્ષના સી.એલ.ખન્ના વિરૂદ્ધ દેના બેંકના મહત્ત્વના કેસની વિગત જોઈએ તો આ કેસમાં સી.એલ.ખન્ના (ફરિયાદી)એ દેનાબેંક (સામાવાળા)પાસે મેળવેલી ટર્મલોન અને ઓવ૨ડ્રાફટના કુલ રૂપિયા એક લાખના ધિરાણની સલામતી માટે પોતાના મિલકતના અસલ દસ્તાવેજો ટાઈટલ ડીડસ બેંકને ડિપોઝીટ કરી મિલકત ૫૨ સામાવાળા બેંકનું ઈકિવટેબલ મોર્ગેજ ઉત્પન્ન કર્યું હતું. થોડા સમય બાદ ફરિયાદીએ બેંકને લેણી રકમ ચૂકવી આપવા તૈયારી બતાવી હતી અને તેની સામે બેંક પાસે પોતાને ડિપોઝીટ કરેલી મિલકતના અસલ ટાઈટલ ડીડસ ૫૨ત માંગ્યા હતા. પરંતુ બેંક પાસે ફરિયાદીના અસલ ટાઈટલ ડીડસ જડતા ન હતા. જેથી ફરિયાદીએ ધિરાણની રકમની ચૂકવણી કરી ન હતી અને જેને કા૨ણે વ્યાજનું મીટ૨ ફ૨તું રહ્યું હતું અને બાકી ૨કમ વધતી જતી હતી. ફરિયાદીએ આખરે ફરિયાદનું નિવારણ લાવવા માટે સર્વોચ્ચ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી.

પ્રમુખ ન્યાયમૂર્તિ જસ્ટીસ  એમ.બી.શાહ અને સભ્ય  પી.ડી. શેનોયની બનેલી બેંચે આપેલા પોતાના ચુકાદામાં બેંકની સેવામાં ગંભીર ખામી થઈ હોવાનું જણાવી બેંકને ફરિયાદીની મિલકતના અસલ ટાઈટલ ડીડસ બેંકથી ગુમ થઈ ગયા હોવાનું જણાવતી એક જાહેર નોટિસ અખબા૨માં પ્રસિદ્ધ કરવા આદેશ આપ્યો હતો તેમ જ વધુમાં ફરિયાદીના અસલ ટાઈટલ ડીડસ ગુમાવી નાંખવા બદલ ફરિયાદીને રૂપિયા એક લાખનું વળત૨ ચૂકવવા પણ બેંકને આદેશ આપ્યો હતો. તેમ જ ફરિયાદીએ જે તારીખથી લેખિતમાં ધિરાણની પરત ચૂકવણી ક૨વાનું બેંકને જણાવ્યું તે તારીખથી ફરિયાદી પાસે ધિરાણની બાકી ૨કમ ૫૨ કોઈ પણ વ્યાજ વસૂલ લેવાનો હુકમ પણ બેંકને કર્યો હતો.  આમ, લોનની સલામતી માટે ઈકિવટેબલ મોર્ગેજ બેંકને આપવામાં આવેલ મિલકતના ટાઈટલ ડીડસ સાચવવાને બેંક જવાબદાર છે અને આ ટાઈટલ ડીડસ બેંકથી (યા બેંકના એજન્ટથી) ગુમ થઈ જવાનું બેંકને ભારે પડશે અને તેવા સંજોગોમાં બેંક મિલક્તના માલિકને વળતર ચૂકવવા જવાબદાર બનશે. બેન્કર્સ સાવધાન.

Most Popular

To Top