Comments

ક્રિકેટના નામે આપણે શું રમી રહ્યા છીએ?

ક્રિકેટ હવે માત્ર ક્રિકેટ નથી. તેની સાથે આપણા રાજકીય વિચારો, ધાર્મિક મતાગ્રહો, ઉદ્યોગ-વ્યાપાર અને દેશનો ઇતિહાસ ભળી ગયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વેળાની આપણી માનસિકતાને તમે વિચારના એક ચરમબિંદુથી વિચારી શકો તો સમજાશે કે ક્રિકેટને આપણે ફકત રમત તરીકે જોતા નથી. ભારત અને પાકિસ્તાન બંને દેશનાં લોકો માટે તે સામસામો મોરચો છે. દેશના ભાગલા વખતે જે બાકી રહી ગઈ હતી તે લડાઇ અહીં રમતમાં ફેરવાઈ જાય છે. પાકિસ્તાન સામેની મેચ જોતી વેળા એક જૂદું જ ઝનૂન આપણે અનુભવીએ છીએ. આ જ મેચ બ્રિટનમાં કે ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં બેઠેલા ત્યાંના ક્રિકેટચાહકને માટે એવી ન જ હોય. આપણે ભારત-પાકિસ્તાન મેચ જોતી વેળા એવું તારવી શકીએ કે હિન્દુ-મુસ્લિમ સમસ્યાનું સમાધાન નથી થયું.

અલબત્ત, વર્લ્ડ કપના આયોજક છે તેમના માટે આ હાઇ વોલ્ટેજ મેચ બજારનું કારણ બને છે અને તેની ટિકીટનાં કાળાબજાર થાય છે. આ કાળાબજાર થવા કોઇ ક્રિકેટની લોકપ્રિયતાને સૂચવતા નથી. જો એમ જ હોત તો અમદાવાદમાં જ આ વખતના વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાયેલી હતી ત્યારે માત્ર 20 જ ટકા પ્રેક્ષક આવ્યા ન હોત. આ વખતે તો વર્લ્ડ કપની અન્ય મેચોમાં પણ પ્રેક્ષકોનું આ જ વલણ છે. આ વખતે શરૂની મેચમાં જ પ્રેક્ષકો ન જોતાં સુનીલ ગાવસ્કરે ગુસ્સો કરેલો અને આયોજન બાબતે શરમ પ્રગટ કરેલી. ક્રિકેટ વિશ્વમાં ભારત સૌથી મોટું બજાર છે એટલે જ આઇ.પી.એલ. અહીં રમાય છે. સહુ જાણે છે કે તેમાં ક્રિકેટના નામે થતો ધંધો જ છે અને જ્યાં મોટો ધંધો હોય ત્યાં રાજકારણીઓ ઘુસી જાય છે. આ બધું ભેગું થવાથી ક્રિકેટની રમત શુદ્ધ ક્રિકેટ નથી રહી.

ક્રિકેટ જ્યારે ખાડીના દેશોમાં રમાતી થયેલી ત્યારે ત્યાં ભારત-પાકિસ્તાન ક્રિકેટને જ ધંધામાં ફેરવવાની રમત હતી અને તેમાં દાઉદ ઇબ્રાહીમ સમા અપરાધી તત્ત્વો ઉમેરાતાં એ ક્રિકેટમાં ફિક્સીંગ શામિલ થઈ ગયેલું. લોકપ્રિયતા જ્યારે છડેચોક બને ત્યારે ચોક પર પહેરો મૂકી શકાતો નથી. વિદેશમાં ઘણી રમતો રમાય છે, પણ ત્યાં રમત જ કેન્દ્રમાં રહે છે. તેનું બજાર બન્યું છે તો પણ રમત તો રમતની જ રમાય છે.

આપણે રમત સાથે ઘણું બધું ભેળવી દીધું છે. ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે હજારો પોલીસ ખડકી દેવી પડે તે ક્રિકેટ માટે નથી.ભારતમાં ઓલિમ્પિક રમાશે કે નહીં તેની ચર્ચા હમણાં ફરી શરૂ થઈ છે, પણ કહેવું જોઇએ કે આપણી સ્પોર્ટસ સેન્સ હજુ પૂરા પ્રમાણમાં ડેવલપ નથી થઈ. આપણી બધી રમતો માણી પણ શકતા નથી. ગયા વર્ષે કેટલાક ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓએ સરકાર સામે આંદોલન છેડેલું તો તેને સંવેદનશૂન્યતાથી નકામું ઠરાવાયેલું. આ રીતે તમે રમત અને તેના ખેલાડીઓ સામે વ્યવહાર કરો તો પરિણામ યોગ્ય ન જ આવી શકે. આપણે સ્પોર્ટસ કલ્ચર ઊભું કરવામાં નિષ્ફળ ગયા છે. જે છે તે ક્રિકેટ કલ્ચર છે અને તે પણ ભારતીયો ચાહી શકે તેવું જ છે.

વર્લ્ડ કપ પહેલાં યા આઇ.પી.એલ. વખતે પણ ક્રિકેટરો જાણે યોદ્ધા હોય અને ક્રિકેટના મેદાન સમરાંગણ હોય એ રીતે જાહેરાતો થતી હોય છે. ક્રિકેટરોને માત્ર ક્રિકેટના કૌશલ્ય આધારે મૂલવાતા નથી. આ બધાનો ફાયદો જો કે ક્રિકેટ ક્ષેત્રે પ્રવેશેલા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ લે છે. ક્રિકેટ સ્ટેડિયમનાં નામો રાજનેતાઓના નામે ચડી જાય તે આમાંનું જ ઉદાહરણ છે. ક્રિકેટ હવે ક્રિકેટ માત્ર નથી અને ક્રિકેટરો પણ માત્ર ક્રિકેટરો નથી એટલે તેઓ ક્રિકેટની લોકપ્રિયતાના આધારે રાજકારણમાં પણ પ્રવેશે છે. પડોશી દેશ પાકિસ્તાનમાં ઇમરાન ખાન જેવો ક્રિકેટર વડા પ્રધાનપદ સુધી પહોંચી ગયો. ગુજરાતમાં રવીન્દ્ર જાડેજાની પત્ની રાજકારણમાં છે તે જાડેજાના કારણે જ છે. મતલબ કે આપણે ફિલ્મસ્ટાર્સને રાજકારણમાં લાવ્યા તેમ ક્રિકેટરોને લાવી રહ્યા છીએ. જો આમ થાય તો ક્રિકેટ કઇ રીતે શુદ્ધ રમત રહી શકે?

મૂળ આપણે આજે પણ બુદ્ધિ નહીં તેટલા લાગણીથી વિચારનારા લોકો છીએ. આપણા રાજનેતાઓ પણ એ જ કારણે આપણી સાથે રમત રમી શકે છે. ઘણી વાર સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દા તરીકે ચર્ચીએ છીએ. આપણું શિક્ષણ પણ એ કારણે દિશાહીન થઈ ગયું છે. શાળા, કોલેજ, યુનિવર્સિટી રાજકારણના અડ્ડા બનતા જાય છે, કારણ કે તેઓ શિક્ષણની સ્વાયત્તતાને સમજતા નથી. ક્રિકેટ સાથે જોડાયેલી માનસિકતા પણ છેવટ તો આ જ છે. આપણે આપણા રાષ્ટ્રપ્રેમને ઉન્માદમાં ફેરવી નાંખ્યો છે અને ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે આ ઉન્માદ એક તરફ બજારમાં ફેરવાઈ જાય છે તો બીજી તરફ યુદ્ધની માનસિકતામાં ફેરવાઈ જાય છે.

આપણે આ સમજવું જોઇએ. સમજવું જ જોઇશે કે બંધારણમાન્ય રાષ્ટ્રવાદ શું છે ને ઉન્માદી રાષ્ટ્રવાદ શું છે? આવા ઉન્માદ ક્યારેક મોટા દંગાઓમાં ફેરવાઈ શકે. ક્રિકેટ વર્લ્ડ કપના આયોજકોએ જોવું જોઇએ કે આ રીતે ક્રિકેટ મેચ ન રમાતી હોય શકે. પાકિસ્તાની ક્રિકેટરો પણ ક્રિકેટને બદલે ભારતમાં ભારત સામે રમતા મનોવૈજ્ઞાનિક રીતે ભાંગી પડે છે તેમાં ક્રિકેટ નથી. આનો વધુ સારો પુરાવો એ છે કે અમદાવાદ મેચમાં હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટરો સાગમટે માંદા પડી ગયા છે. તેઓ પાકિસ્તાનમાં પગ મૂકતાં ગભરાશે. કારણ કે પાકિસ્તાનીઓ પણ ભારત સામેની હારને ક્રિકેટની રીતે જોતા નથી. એશીઝ સિરીઝથી બહુ જુદી માનસિકતા અહીં કામ કરે છે. આપણે વિચારવું પડશે કે ક્રિકેટનો આનંદ શુદ્ધ ક્યારે બનશે?
બકુલ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top