Charchapatra

ક્રિકેટ ભલે માથા પર રાખો બીજા મુદ્દાઓનું શું

દેશભરના ક્રિકેટપ્રેમીઓને અચંબિત કરનાર, ઉત્કંઠાથી ઉપર ઊઠીને એક હદથી વધારે પરાકાષ્ઠાએ પહોંચાડી દેવાય તેવી ખૂબ જ ચર્ચામાં ભારત પાકિસ્તાનની રમાનારી મેચ માટે આખેઆખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં વહીવટી તંત્રોના માનવશ્રમને કાયદાની જોગવાઇઓ અને જવાબદારીની છટકબારીઓના ઓછાયા હેઠળ સમગ્રતયા અમદાવાદને જાણે લશ્કરી છાવણીમાં ફેરવી દેવાય..? સાંપ્રત સમયની સરકાર એક તરફ સત્તા પર આવતાં જ પાડોશી દેશ પાકિસ્તાન માટે નિતનવા, ચિતરીયા અને નફરતભર્યાં વલણોનાં ગાણાં ગાઈ બજાવી નિમ્ન કક્ષાની રાજરમતમાં વ્યસ્ત થઈ ગયા છે.

સોશ્યલ મિડિયા દ્વારા જાતજાતની પોસ્ટ વાઈરલ કરી કરાવી ચોક્કસ રીતે વિધર્મીવેડાના શાબ્દિક પ્રહારો કર્યા કરે છે,તો બીજી તરફ પોતાના નામની જ વાહવાહી અને બિનજરૂરી સરકારી ખર્ચ ભલે થતો.. આપણું ,નમો નામ કારણ વગર પણ નાગરિકોની જીભે હોઠે, ક્રિકેટની રમતના નામે રીતસરનો વાગોળતા કરવાના , સોગઠાં ગોઠવતાં જવાના? સરકારી વહીવટી તંત્રને દોડતું રાખી રખાવી, રોડ રસ્તા ઉપરના ટ્રાફિક નડતર હાથે કરીને ઊભા કરવાના? શું જરૂર પડે છે,વગર કામના રૂપિયા  પાણીની જેમ ખર્ચા કરવાનું ? દેશના માથાદીઠ દેવામાં ઘટાડાની નકરી ઉપેક્ષા કરી રહેલી સરકાર પાકિસ્તાનની મેચને એક હદ કરતાં વધુ હાઈપ્રોફાઈલ કરી રહ્યા હોય તેવું લાગે છે.

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના સ્ટેડિયમમાં પ્રેક્ષકોનું સ્થાન કાગડાઓ જ્યારે લેતા થયા છે,એના સીધા કારણ માત્ર મફતમાં મોબાઈલ ફોન ઉપર ક્રિકેટરસિયાઓને આવી મેચો જોવા મળતી હોય,તો ખાનગી એજન્સી દ્વારા અમદાવાદની ભારત પાકિસ્તાન મેચની ટિકિટ વેચાણ કરાવવામાં પણ મીલીભગતની ગંધ ઊઠવાની નથી? સરકાર પોતાની જ વેચાણ કરતી કેટલીક ઍપનો ઉપયોગ કરી ક્રિકેટપ્રેમીઓ માટે ખરીદીનો માર્ગ મોકળો નહીં કરી શકે? વિ.આઈ.પી.માટે ચાર્ટર્ડ પ્લેનના ધૂમાડા સહ અન્ય કોઇ શહેરમાં ઉતરાણ કરાવી , નવાઈ પમાડે તેવી વહીવટ વ્યવસ્થા પણ શંકાસ્પદ નથી ??

દેશની દિશા અને દશા સારી નથી, એવું બોલતાં અને માનનારાં સમજદાર ,સાક્ષર, જાગૃત મતદાતાઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જાય છે એ નગ્ન સત્ય હકીકત હવે, રાજધર્મ નિભાવનારા વહેલી તકે ખાસ કરીને વર્ષ – ૨૦૨૪ પૂર્ણ થાય એ પહેલાં જ સમજી શકે તો સારી વાત છે. અંગ્રેજોની આયાતી વૈશ્વિક રમત જેમાં..હવે નકરો સટ્ટો રમાડી, પરિવારો બરબાદ કરતા , આડંબરી દેશભક્તો , કરતા રાજધર્મીઓ કરતાં બહેતર એવા મધ્યમ માર્ગીય નાગરિકધર્મ બજાવતા કર્મઠ, નિષ્પક્ષ અને તટસ્થ રમતપ્રેમીઓને મન ..હવે તો, દેશી રમતો વધુ પ્રિય બનતી જાય છે.
સુરત     -પંકજ શાંતિલાલ મહેતા

Most Popular

To Top