National

મૌસમે મિજાજ બદલતાં ભરઉનાળે જલમગ્ન થયું હૈદરાબાદ! જુઓ વીડિયો

હૈદરાબાદ: દેશના અનેક વિસ્તારોમાં હવામાને મિજાજ બદલ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મૌસમ આહલાદક બન્યું છે, તો તેલંગાણામાં વરસાદ કહેર બનીને સામે આવ્યો છે. હૈદરાબાદ શહેર એક વાર ફરી જલમગ્ન થઈ ચૂક્યું છે. સવારથી વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પર નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

આજે સવારે ધોધમાર વરસાદની શરૂઆત હૈદરાબાદના રાજેન્દ્રનગરથી થઈ અને ધીમે-ધીમે ચારમીનાર, સરૂરનગર, એલબી નગર અને અંતે પૂર્ણ હૈદરાબાદમાં વરસ્યો હતો. ભારે વરસાદ પડતાં રસ્તા પર ઉભા રહેલા વાહનો પણ પાણીની સાથે વહેતા જોવા મળ્યા અને રસ્તાઓ નદી બની ગયા હતા.

હૈદરાબાદના પદ્મા કોલોનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, રસ્તા પર વરસાદના પાણીની નદી વહી રહી છે અને પાણી ગતિથી નીચાણ ધરાવતાં વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન રસ્તા પર પાર્ક કરેલા વાહન પણ આની ચપેટમાં આવી ગયા છે. લોકોના ઘરોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે.

પ્રાપ્ત આંકડાઓ અનુસાર, સવારે 7 કલાક સુધી માત્ર એક કલાકમાં હિમાયત નગરમાં 77.8 મિમી વરસાદ નોંધાયો છે, ત્યાર બાદ સેરિલિંગમપલ્લીમાં 71 મિમી, મલ્કાજગિરીમાં 64 મિમી, મુશીદાબાદમાં 63.5 મિમી, શાઈકપેટમાં 61.8 મિમી અને નામપલ્લીમાં 61.5 મિમી વરસાદ નોંધાયો છે.

મધ્ય તેલગાંણાના સિદ્દીપેટ, યદાદ્રી-ભોંગીર, જનગામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આની સાથે જ વારંગલ. હનમકોંડા, મહબૂબાબાદ, સિરસિલા, કરીમનગર, ભદ્રાદ્રી-કોઠાગુડેમના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. સાથે જ અમીરપેટ, કોઠી, પંજાગુટ્ટા, કુકટપલ્લી, હયાતનગ, ઉપ્પલ, સિકંદરાબાદ છાવની, બેગમપેટ, વારસીગુડા, અડાગુટ્ટા અને અન્ય ક્ષેત્ર વરસાદથી વધુ પ્રભાવિત છે. હવામાન વિભાગે સમગ્ર તેલંગાણામાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી કરી છે.

ગુજરાતમાં પણ મૌસમ બદલ્યો મિજાજ
હૈદરાબાદની જેમ જ ગુજરાતના અમરેલી જિલ્લામાં પણ ઉનાળામાં ક્યારેય જોવા ન મળ્યા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ભરઉનાળે અમરેલી જિલ્લાના ધાગી ગીર વિસ્તાર, સરસિયા, ગોવિંદપુર, ફાસરિયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ પડવાનાં કારણે ઉનાળામાં આવતાં પાકોને ભારે નુકસાન થવાની સંભાવના છે, તો સીઝનલ ફૂડ કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. તેમ કહેવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top