Gujarat

હવેથી બિલ્ડરોએ રેસિડેન્શિયલ અને કોમર્શિયલમાં 1 ટકો જગ્યા પાર્કિંગ માટે અનામત રાખવી પડશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સૌથી મોટી સમસ્યા વાહનોના પાર્કિંગની (Parking of vehicles) ઉભી થઇ છે. અત્યાર સુધીમાં બનાવવામાં આવેલા રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ સહિતના કેટલાક કોમ્પલેક્સમાં પાર્કિંગની સુવિધા નહીં હોવાથી વાહનો જાહેર માર્ગ ઉપર કે જાહેર સ્થળે પાર્ક કરવામાં આવે છે પરંતુ રાજ્ય સરકારે ફરી એકવાર પાર્કિંગનો નિયમ ફરજીયાત બનાવ્યો છે. જેમાં હવેથી ડેવલોપરોએ પોતાની નવી સ્કીમમાં 1 ટકા જગ્યા પાર્કિગ માટે અનામત રાખવાની રહેશે, તેમાં રેસિડેન્સિયલ તથા કોમર્શિયલ બિલ્ડીંગનો પણ સમાવેશ થાય છે. આ 1 ટકા જમીન પાર્કિગ માટે માટે અનામત રાખવા માટેનું જાહેરનામું આજે બહાર પડી ગયું છે. આજે ગાંધીનગરમાં 8 મનપાના કમિશ્નરો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દો ચર્ચાયો હતો. ચર્ચાના અંતે શહેરી વિકાસ વિભાગે આ નિર્ણય લીધો છે.

રાજ્યના મોટા શહેરોમાં ઉભા થતાં રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ કોમ્પલેક્સમાં ફરજીયાત પાર્કિંગનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે એક આદેશમાં જણાવ્યું છે કે પાર્કિંગની મુશ્કેલી નિવારવા ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બિલ્ડરોએ પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત બનાવી દેવામાં આવી છે. આ નિયમ બન્ને પ્રકારના બાંધકામને લાગુ પડશે. રાજ્ય સરકારે તમામ ટીપી સ્કીમમાં એક ટકા જમીન પાર્કિંગ માટે અનામત રાખવાનો આદેશ કર્યો છે. આજે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મહાનગરોમાં 843 ટીપી સ્કીમોની ઓળખ થઇ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અમે હવે જોઇશું કે સ્કીમમાં આવનારી બિલ્ડીંગમાં પર્યાપ્ત પાર્કિંગની સુવિધા છે કે નહીં. આ બેઠક પછી ફરજીયાત પાર્કિંગ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

Most Popular

To Top