Dakshin Gujarat

વલસાડની કોઠારી સ્કૂલની મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે જૂના મિત્રો અને શિક્ષકોને યાદ કર્યા

વલસાડ: (Valsad) જિલ્લામાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૧૯૬૭માં વલસાડમાં ધોરણ ૧ માં જે સ્કૂલમાં પા પા પગલી ભરી હતી, તે મુખ્ય કુમારશાળા (કોઠારી) ની મુલાકાત લીધી હતી. શાળામાં પધારેલા મુખ્યમંત્રીનું શાળાની બાળાઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતું. શાળામાં જઈને તેમણે પોતાના બાળપણના મિત્ર અને સહાધ્યાયી પ્રેયસભાઈ કાપડિયા સાથે બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાની સાથે ભણતા મિત્ર સ્વ.અશોકભાઈ શ્રોફ, કોઠારી સ્કૂલના શિક્ષક છગનભાઇ અને આવાંબાઈ સ્કૂલના ભટ્ટ સાહેબને યાદ કર્યા હતા. આ સાથે ગિલ્લી દંડા રમતા હતા, તેની યાદો તાજી કરી હતી.

મુખ્યમંત્રીએ આ શાળામાં ધો.૧ માં તા.૨૫/૦૭/૧૯૬૭ ના રોજ પ્રવેશ મેળવ્યો હતો, તે સમયની પ્રવેશ અંગેની વાલી સ્લીપની ફ્રેમ સ્મૃતિભેટ રૂપે આપી હતી. જેમાં મુખ્યમંત્રીના પિતા રજનીકાંતભાઈની ઓરિજિનલ સહી વિશે પણ જણાવ્યું હતું. પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, પિતાજી કોલેજમાં પ્રોફેસર હતા. મારા જીવનની શરૂઆત આ સ્કૂલથી થઈ હતી, જેથી આ સ્કૂલ પ્રત્યે વિશેષ લગાવ છે. અહીં ધો. ૧ થી ૪ સુધી અભ્યાસ કર્યો છે. વધુમાં વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અંગે તેમણે અબ્રામા, તિથલ, કસ્તુરબા સ્કૂલ અને જીવીડી સ્કૂલ વિશે પણ માહિતી મેળવી હતી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ શહેરના વિકાસ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ શાળાની વિઝીટ બુકમાં લખ્યું હતું કે, આજે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જ્યાં હું ધો.૧ થી ૪ ભણ્યો તે શાળાના સંસ્મરણો વાગોળવાનું સદભાગ્ય મળ્યું. આજે આ શાળાના સંસ્કાર ઘડતર થકી રાજ્યની સેવા કરવાની તક સાંપડી છે, તેનો હું ઋણી છું. કહીને હસ્તાક્ષર કર્યા હતા.

‘દાદા’ ચાલતા ચાલતા વલસાડના વાણીયાવાડમાં ફર્યા
વલસાડ : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વલસાડમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો, તે સ્કૂલ કુમારશાળાની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ તેઓ પોતાના મિત્ર એવા વીરચંદ જ્વેલર્સના માલિક કેતનભાઇ શાહ અને જયનીશભાઈ શાહના ઘરે ગયા હતા. ત્યાંથી તેઓએ પગપાળા પોતાના જૂના ઘરે જઈ સ્મરણો વાગોળ્યા હતા. તેમના ટૂંકા રોડ શોમાં લોકોએ તેમને વંદે માતરમ્ ના નારા સાથે વધાવી લીધા હતા. પોતાના ઘરે જતા પહેલા તેઓ શ્રીનાથજી મંદિરમાં પણ ગયા હતા. ત્યાં દર્શન કરી તેઓ પોતાના જૂના ઘરે ગયા અને પછી પરત ફર્યા હતા.

દાદાના હસ્તે વલસાડમાં શહેરી બસ સેવાનો પ્રારંભ
વલસાડ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાસભર પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકાલયમાં ૧૦૦ લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં ઈ-લાઈબ્રેરીની સુવિધા પણ ઉભી કરાશે. યુપીએસસી અને જીપીએસસી સહિત અન્ય પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે અલગથી વાંચનાલય બનાવ્યું છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટે સ્ટુડન્ટ કોર્નર પણ બનાવાશે. આ નવી લાઈબ્રેરીમાં પાર્કિંગ અને શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લા સરકારી પુસ્તકાલયમાં સ્ત્રી અને પુરુષ મળી ૧૩૩૦ અને ૪૨૨ બાળકો મળી કુલ ૧૭૫૨ સભાસદો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કલ્યાણ બાગ ખાતેથી વલસાડ શહેરી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા (CMUBS) અંતર્ગત નેટ કોસ્ટ કોન્ટ્રાક્ટ ધોરણે અને સિટી બસ સેવા પીપીપી ધોરણે સિટી બસના છ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. વલસાડના લોકોને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મળેલી આ ભેટ સ્થાનિક પરિવહન માટે ખૂબ ઊપયોગી નીવડશે.

Most Popular

To Top