National

કોરોનાના કેસોમાં ઉછાળા માટે ધીમું રસીકરણ પણ જવાબદાર: વૈજ્ઞાનિકો

શા માટે ભારતમાં કોવિડ-૧૯ના કેસો આટલી ઝડપથી વધી રહ્યા છે? આ માટે કોઇ સ્પષ્ટ જવાબ નથી પરંતુ ટોચના વૈજ્ઞાનિકો કહે છે કે વાયરસના બદલાયેલા સ્વરૂપો (મ્યુટન્ટ સ્ટ્રેઇન્સ)ના ગુંચવાડાભર્યા ઇન્ટરપ્લે, જેને ચેપ લાગવાનો ભય રહે છે તેવી વસ્તીનું જંગી પ્રમાણ, અને આ વસ્તીને વધુ જોખમમાં મૂકતા ચૂંટણીઓ તથા અન્ય જાહેર કાર્યક્રમો તથા લોકોની ઘટેલી કાળજીઓને પ્રાથમિકપણે જવાબદાર ગણી શકાય છે.

શનિવારે ૧૪પ૦૦૦ કરતા વધુ નવા કેસો સાથે ભારતના કોવિડના કુલ કેસો ૧૩૨૦૦૦૦ને વટાવી ગયા હતા એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવતા હતા. જેને ઘણા લોકો બીજું મોજું ગણે છે તેમાં પહેલા મોજા કરતા વધુ ઝડપથી કેસો વધી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં કેસો શા માટે ઘટી ગયા હતા તેનો પણ સ્પષ્ટ જવાબ નથી અને હવે કેસો શા માટે આટલી ઝડપથી વધી રહ્યા છે તેની પણ સ્પષ્ટતા મળતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણ ભારતમાં સક્રિય કેસોનો આંકડો દસ લાખને પાર જતો રહ્યો છે.

જે રાજ્યોમાં વધારે કેસો છે ત્યાં તમામ માટે રસીકરણ ખુલ્લુ કરો
જેને બીજું મોજું ગણવામાં આવે છે તેમાં કોવિડના કેસો ઝડપથી વધવા માટે હજી ઘણી બાબતો અજાણી છે ત્યારે દેશના અગ્રણી વાયરસશાસ્ત્રીઓ શાહીદ જમીલ અને ટી. જેકબ જહોન એ બાબતે સંમત છે કે કોવિડ-૧૯ના રોગચાળા અંગેના નિયમોનું પાલન કરવામાં લોકોની બેદરકારી એ કેસો ઝડપથી વધવા માટેનું મહત્વનું કારણ છે. વાસ્તવિકતા એ છે કે લોકોએ સાવધાની ઓછી કરી નાખી છે તેઓ પહેલા મોજા પછી કોવિડ શિષ્ટાચારનું પાલન કરતા નથી જે ચોક્કસપણે કેસો વધવા માટનો વાજબી ખુલાસો હોઇ શકે છે એમ જમીલ કહે છે.

તેમની વાત સાથે સંમત થતા જહોન કહે છે કે જ્યારે કેસો વધી રહ્યા છે ત્યારે વધુ કડક નિયમો લાગુ પાડવા જોઇએ પણ ચૂંટણીઓ ઉભેલી હોવાથી કોઇ નેતા એવું કરવા માગતા નથી. ધીમા રસીકરણને પણ વાયરોલોજીસ્ટો જવાબદાર ગણે છે. જહોન કહે છે કે સરકારે રસીકરણ મોડું શરુ કર્યું અને રસીકરણના કોઇ ચોક્કસ લક્ષ્યો વર્ણવવામાં આવ્યા નથી. પ્રથમ મોજા પછી પણ ઘણા બધા લોકો હજી ચેપ લાગવાની શક્યતા ધરાવે છે એમ આ ઉછાળા પરથી જણાય છે એમ એક અગ્રણી નિષ્ણાતે જણાવ્યું હતું. જમીલે કહ્યું કે જે રાજ્યોમાં કેસ વધ્યા છે ત્યાં 18ની ઉપરના તમામ માટે રસી ખુલ્લી કરવી જોઇએ જ્યારે અન્ય રાજ્યોમાં 45+ ચાલુ રાખવી જોઇએ જેથી પુરવઠો પણ જળવાઇ રહે.

વાયરસના બદલાયેલા સ્વરૂપની ભૂમિકા મહત્વની છે
વાયરોલોજીસ્ટો કહે છ કે વાયરસના મ્યુટેશન્સ એ પણ મહત્વનું કારણ હોઇ શકે છે. શાહીદ જમીલ નોંધે છે કે પંજાબના નવા ૮૦ ટકા કેસોમાં તો યુકે વેરિઅન્ટ જણાયો છે જયારે ભારતમાં એક નવો ડબલ મ્યુટન્ટ ઉદભવ્યો છે અને મહારાષ્ટના ૧૫થી ૨૦ ટકા કેસોમાં આ નવો બદલાયેલો વાયરસ જવાબદાર જણાયો છે એમ તેઓ કહે છે. ભારતમાં વાયરસના બદલાયેલા સ્વરૂપોનો જેવો અભ્યાસ થવો જોઇએ તે થયો નથી એમ નિષ્ણાતો માને છે.

Most Popular

To Top