National

ઉત્તરકાશી: પાઇપથી મોકલાશે મોબાઇલ, ચાર્જર સહિત આટલી વસ્તુઓ

નવી દિલ્હી: પાછલા 11 દિવસથી ઉત્તરકાશીની (Uttarkashi) ટનલમાં ફસાયેલા મજૂરોની (Labour) ધીરજ ખૂટી રહી છે. ત્યારે આ મજૂરો માટે હવે આશાની કિરણ દેખાઇ રહી છે. મજૂરોને ફૂડ માટટેના પાઇપ મારફતે દવાઓ (Madicine) સહિત ટૂથબ્રશ અને કપડાં મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ ખોરાક મોકલવામાં આવતો હતો. ત્યારે હવે મોબાઇલ, ચાર્જર, કપડાં સહિતની જરૂરી વસ્તુઓ મોકલવામાં આવશે.

ડૉક્ટરે ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલની અંદર 11 દિવસથી ફસાયેલા 41 મજૂરો સાથે વાત કરી હતી. તેઓની આરોગ્ય સંબંધી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને નવી ફૂડ પાઇપલાઇન દ્વારા દવાઓ મોકલી હતી. આ સાથે રસોઈયા સંજીત રાણાએ જણાવ્યું કે તે ટનલમાં ફસાયેલા મજૂરો માટે તેઓ જમવાનું બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે મજૂરો માટે દલિયા અને ખીચડી બનાવવામાં આવી રહી છે. જેમાં બહુ ઓછા મસાલા અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

કાટમાળમાં અત્યાર સુધીમાં 36 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ 24 મીટરે 900 એમએમની પાઇપો નાખવામાં આવી છે. ત્યાર બાદ 800 એમએમ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાને 11 દિવસ વીતી ગયા છે. અંદર ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે દિલ્હીથી નોર્વેના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે.

મંગળવારે એટલેકે ગઇકાલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિવૃત્ત સભ્ય લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સેક્રેટરી અનુરાગ જૈન અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તેઓની પ્રથમ પ્રાથમિકતા આ બચાવ કામગીરીને સફળ બનાવવાની છે.

ટનલમાં ફસાયેલા કામદારોના સંબંધીઓ ચાર ઈંચની કોમ્પ્રેસર ટ્યુબ દ્વારા સતત તેમની સાથે વાત કરી રહ્યા છે. અગાઉ ડ્રાયફ્રૂટ્સ, સંતરા, મમરા, કૂરકૂરે વગેરે પાતળા પાઈપ દ્વારા મોકલવામાં આવતા હતા. પરંતુ હવે મજૂરોને મોટી માત્રામાં ખોરાક મોકલી શકાશે. આ સિવાય કામદારો સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય છે. તેમજ હવે મજૂરોને ખીચડી અને દલિયા, સફરજનના ટુકડા અને કેળા પણ મોકલવામાં આવશે. આ સિવાય તેમને મોબાઈલ ફોન અને ચાર્જર પણ મોકલવામાં આવશે.

કામદારો સાથે વાત કરનાર જનરલ ફિઝિશિયન ડૉ. પીએસ પોખરિયાલે જણાવ્યું હતું કે ફસાયેલા મજૂરોમાંથી કેટલાક મજૂરોએ પેશાબ કરતી વખતે બળતરાની ફરિયાદ કરી હતી. તેથી તેમને ઈલેક્ટ્રોલાઈટ પાઉડરના પેકેટ, મલ્ટીવિટામીનની ગોળીઓ અને એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ મોકલવામાં આવી છે.

Most Popular

To Top