Madhya Gujarat

જમીનમાં કેમિકલના ઉપયોગથી ભુગર્ભ જળ પ્રદુષિત થયાં

આણંદ : કૃષિમાં જે ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે તેના વધુ પ્રમાણમાં ઉપયોગના કારણે તે જમીન વાટે ભુગર્ભ જળમાં ઉતરે છે. જેના કારણે ભુગર્ભ જળમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. આથી, પાકમાં જેટલી જરુરીયાત હોય તે પ્રમાણે ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અથવા રાસાયણીક ખાતરોનો ઉપયોગ ઓછો કરી જૈવિક ખાતરોનો વપરાશ વધારવો જોઈએ. સાથે સાથે દર થોડા સમયે જમીનો ટેસ્ટ કરાવો જોઈએ. ચોમાસામાં જમીનમાંની પેસ્ટીસાઈડ અને ફર્ટીલાઈઝર ભુગર્ભ જળમાં ઉતરતા પ્રદુષણનું પ્રમાણ વધારે છે.

તેમ આકાશ મિશ્રાએ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા તેમજ ભુગર્ભ જળનું પ્રદુષણ ધટાડવાની વિવિધ તકનીકોની સમજણ આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજ ખાતે જણાવ્યું હતું. આણંદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કુલપતિ ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદથી ડો. આકાશ મિશ્રા, મદદનીશ પ્રાદ્યાપક (જમીન વિજ્ઞાન) તથા અમુલ ડેરી, આણંદથી જગદીશભાઇ ચાટ, સચિનભાઇ પટેલ અને હાર્દિકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે આણંદ જિલ્લાના 74 ખેડુત ભાઇઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. વાય. સી. લકુમ દ્વારા પ્રસંગોચિત્ત ઉદબોધનમાં “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીના હેતુ સાથે ચાલુ વર્ષે પ્લાસ્ટીકના પ્રદુષણને નાથી પર્યાવરણના પુનઃસ્થાપન કરવા અંગેની થીમની જાણકારી આપી હતી. તેમજ ખેતીમાં અને રોજીંદા જીવનમાં પર્યાવરણલક્ષી લાઇફ સ્ટાઇલ અપનાવવા પર ભાર મુક્યો હતો.

ડો. આકાશ મિશ્રાએ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા તેમજ ભુગર્ભ જળનું પ્રદુષણ ઘટાડવાની વિવિધ તકનીકોની સમજણ આપી હતી. વધુમાં તેઓએ ખેતીમાં રાસાયણીક ખાતરોનો ઉપયોગ ઓછો કરી જૈવિક ખાતરોનો વપરાશ વધારી પાણી તથા જમીનનું પ્રદુષણ ઓછું કરી પર્યાવરણને સુધારવા અનુરોધ કર્યો હતો. જગદીશભાઇએ જળ, જમીન, જાનવર, જન અને જંગલની સુરક્ષા કરવા તેમજ ખેડુતોને અમુલ ડેરી દ્વારા ઉત્પાદીત લિક્વીડ ફરમેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરની વિવિધ પાક પર અસરકારકતા તેમજ તેના ઉપયોગ વિશે સમજણ આપી હતી. આ ઉપરાંત, કાર્યક્રમના ભાગરુપે હાજર સર્વે ખેડુતોને બાગાયતી પાકોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન તેમજ સફળ સંચાલન ડો. આર. એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) તેમજ કેવિકેના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top