મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે નવી સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત જટિલ છે અને તેમાં ગમે ત્યારે ઝડપથી ફેરફાર થઈ શકે છે. આવી સ્થિતિમાં મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકન નાગરિકોને વધુ સતર્ક રહેવા અને આ વિસ્તારમાં જવાની કે અહીંથી પસાર થવાની યોજના બનાવી રહેલા લોકોને મુસાફરી અંગે ગંભીરતાથી પુનર્વિચાર કરવા જણાવાયું છે. અમેરિકાની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે સાઉદી અરેબિયા અને ઈરાન સમર્થિત હુથી જૂથ વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બન્યો છે. અમેરિકન અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે પ્રદેશમાં તણાવ ઝડપથી વધી શકે છે. હુથી હુમલાઓને કારણે સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે અને અમેરિકાએ પોતાના નાગરિકોને સ્થાનિક સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
અમેરિકાના વિદેશ વિભાગે ખાસ કરીને મુસાફરી દરમિયાન ઊભી થઈ શકે તેવી મુશ્કેલીઓ અંગે ચેતવણી આપી છે. તણાવ વધે તો ફ્લાઇટ્સ રદ થવાની, એરસ્પેસ અસ્થાયી રીતે બંધ થવાની અને અન્ય મુસાફરી વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા રહે છે. તેથી મિડલ ઈસ્ટમાં મુસાફરી કરી રહેલા અમેરિકન નાગરિકોને પોતાની એરલાઇન અને એરપોર્ટ તરફથી મળતા તાજા અપડેટ્સ સતત તપાસતા રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી માત્ર સાઉદી અરેબિયા સુધી મર્યાદિત નથી. અમેરિકાના વિવિધ દેશો માટેના ટ્રાવેલ એડવાઈઝરીમાં મિડલ ઈસ્ટના અનેક દેશોને લઈને વધારાની સાવચેતી રાખવા અથવા મુસાફરી પર પુનર્વિચાર કરવાની સલાહ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, સાઉદી અરેબિયા માટે ‘લેવલ 3-રીકન્સિડર ટ્રાવેલ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઈરાન અને યમન માટે અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં ‘લેવલ 4-ડુ નોટ ટ્રાવેલ’ છે.
સાઉદી અરેબિયા અંગે અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે ઈરાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો યથાવત છે. વ્યાવસાયિક ફ્લાઇટ્સ હાલમાં કાર્યરત હોવા છતાં અગાઉ તેમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાયા છે. એટલે મુસાફરોને પોતાની ફ્લાઇટનું સ્ટેટસ તપાસ્યા વગર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાએ એ પણ ચેતવણી આપી છે કે ઈરાન અને ઈરાન સમર્થિત જૂથો અમેરિકન નાગરિકો, રાજદ્વારી મથકો, વ્યવસાયિક સંસ્થાઓ અને અમેરિકન હિતો સાથે સંકળાયેલા સ્થળોને નિશાન બનાવી શકે છે. આ જોખમ માત્ર મિડલ ઈસ્ટ પૂરતું મર્યાદિત ન રહે તેવી પણ અમેરિકાએ અગાઉ ચેતવણી આપી હતી.
આ દરમિયાન મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં પણ અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં વધારાની સાવચેતી દર્શાવવામાં આવી છે. યુએઈ, કતાર, બહેરીન અને ઓમાન જેવા દેશો માટે પણ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ‘રીકન્સિડર ટ્રાવેલ’ની સલાહ આપવામાં આવી છે. આ દેશોમાં સશસ્ત્ર સંઘર્ષના જોખમ ઉપરાંત ડ્રોન અને મિસાઇલ હુમલાના ખતરા તથા ફ્લાઇટમાં વિક્ષેપ અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. અમેરિકન નાગરિકોને મિડલ ઈસ્ટમાં હોય તો સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા, નજીકના અમેરિકન દૂતાવાસ અથવા કોન્સ્યુલેટના સુરક્ષા અપડેટ્સ પર નજર રાખવા અને મુસાફરી કરતા પહેલા સંબંધિત દેશની તાજી ટ્રાવેલ એડવાઈઝરી તપાસવા જણાવાયું છે. મિડલ ઈસ્ટમાં બદલાતી સુરક્ષા સ્થિતિને જોતા અમેરિકાની આ ચેતવણીનો મુખ્ય સંદેશ એ છે કે મુસાફરોએ પ્રવાસનું આયોજન કરતા પહેલા ફ્લાઇટ, એરસ્પેસ અને સ્થાનિક સુરક્ષા સ્થિતિની તાજી માહિતી મેળવી લેવી જોઈએ. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે અને તેના કારણે મુસાફરીના રૂટ તથા ફ્લાઇટ શેડ્યૂલ પર પણ અસર પડી શકે છે.