National

ઓવૈસીના પક્ષના બે જૂથો વચ્ચે અથડામણ, સામસામે ફાયરિંગનો વીડિયો સામે આવ્યો

ઉત્તર પ્રદેશના (UP) અમરોહામાં એઆઈએમઆઈએમ (AIMIM)ના પ્રદેશ અધ્યક્ષની બેઠકમાં અચાનક કંઈક એવું બન્યું કે સમગ્ર વિસ્તાર ગોળીબારથી (Firing) ગુંજી ઉઠ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ઓવૈસીની (Owaisi) પાર્ટીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ અને સ્થિતિ ફાયરિંગ સુધી પહોંચી ગઈ. અહેવાલ છે કે ગાઝિયાબાદના AIMIMના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પરવેઝ પાશાએ મહાનગર અધ્યક્ષ મનમોહન ઝા ગામા પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગામા પર 3 રાઉન્ડ ફાયરિંગ
આ અથડામણ બાદ બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. મનમોહન ઝા ગામા સાહિબાબાદ વિધાનસભાથી AIMIMના ઉમેદવાર હતા. આ ઘટના બાદ ગામા તેમના સમર્થકો સાથે FIR કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અથડામણ દરમિયાન થયેલા ફાયરિંગના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે AIMIMના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પરવેઝ પાશાએ હાથમાં બંદૂક પકડી છે. આ દરમિયાન અન્ય નેતાઓ તેમને રોકવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ ત્યારે જ તેઓ ગાળો બોલીને ગોળીબાર કરે છે. આરોપ છે કે પરવેઝ પાશાએ ગામા પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

મનમોહન ગામાએ આખી ઘટના જણાવી
આ ઘટના બાદ AIMIM મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ મનમોહન ઝા ગામાએ એક વીડિયો દ્વારા નિવેદન જારી કરીને કહ્યું કે આજે અચાનક ગાઝિયાબાદના AIMIMના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પરવેઝ પાશાએ મારા પર જીવલેણ હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગતું હતું કે હવે હત્યા અને ગોળી-બંદૂકની રાજનીતિ બંધ થઈ ગઈ છે પરંતુ મને ખબર નહોતી કે લોકો હજુ પણ વાત વાત પર ગોળીબાર કરે છે. મનમોહન ઝા ગામાએ વીડિયોમાં કહ્યું કે આજે હું અમરોહા સ્થિત હતૌઆ ઓફિસમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓને મળવા આવ્યો હતો. તેમણે કહ્યું કે હું ઓફિસના વેઇટિંગ રૂમમાં નેતાઓ સાથે બેઠો હતો પરંતુ અચાનક પરવેઝ પાશા આવે છે. લાતો મારે છે અને મુક્કા મારે છે, ત્યારબાદ તે મારા પર જીવલેણ હુમલો કરે છે.

ઓવૈસીએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
ગામાએ પોતાના વીડિયોમાં કહ્યું કે મેં આ ઘટનાની સંપૂર્ણ વિગતો અસદુદ્દીન ઓવૈસીને આપી છે અને તેમણે તાત્કાલિક પગલાં લેવાની વાત કરી છે. પાશા વિરુદ્ધ કેસ દાખલ કરીને તેમને પાર્ટીમાંથી બહાર ફેંકીશું. એટલું જ નહીં ગામાએ પાશા પર કાંવડિયાને ગોળી મારવાનો પણ આરોપ લગાવ્યો છે.

Most Popular

To Top