National

ઉજ્જૈન: સરદાર પટેલની પ્રતિમા તોડી, આંબેડકરની પ્રતિમા લગાડવા માંગતા હતા, બે જૂથ વચ્ચે પથ્થરમારો

ઉજ્જૈનઃ (Ujjain) મધ્યપ્રદેશના (MP) ઉજ્જૈન જિલ્લામાં સ્થિત માકડોન ગામમાં વહેલી સવારે ભારે બબાલ સર્જાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (Sardar Patel Statue) સ્થાપિત કરવાના મુદ્દે બે પક્ષો સામસામે આવી ગયા છે. એક પક્ષે ટ્રેક્ટર વડે સરદાર પટેલની સ્થાપિત પ્રતિમાને તોડી પાડી હતી જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીજા પક્ષે તેનો વિરોધ કર્યો હતો. બંને પક્ષો તરફથી ભારે પથ્થરમારો અને આગચંપી થઈ હતી. બબાલ બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયો છે.

આ જગ્યાએ એક પક્ષ આંબેડકરની પ્રતિમા મુકવાની માંગ કરી રહ્યો હતો. તો બીજી તરફ સરદારની પ્રતિમા હટાવવાથી સામે પક્ષે પણ ભારે નારાજગી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને પક્ષો વચ્ચે ભારે લાઠીચાર્જ અને પથ્થરમારો થયો હતો. ત્યાં એકઠા થયેલા રોષે ભરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ પણ કરી હતી. સાથે જ કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આસપાસની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં સરદારની પ્રતિમા પર પણ પથ્થરો અને લાકડીઓ મારી તોડફોડ કરી હતી.

આ આખો મામલો ઉજ્જૈનના માકડોન ગામનો છે. માકડોનના મંડી ગેટ અને બસ સ્ટેન્ડ વચ્ચેની ખાલી પડેલી જમીન પર કેટલાક લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરી હતી. તે જમીન પહેલેથી જ વિવાદમાં છે. ભીમ આર્મીના લોકો આ જમીન પર બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે પાટીદાર સમાજના લોકો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલો પંચાયતમાં પહેલેથી જ વિચારણા હેઠળ છે.

બુધવારે રાતે કોઈએ આ જમીન પર સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરી દીધી. બીજા પક્ષના લોકોને તેની જાણ થઇ તો સવારે તેઓ ત્યા એકઠા થયા અને મૂર્તિ નીચે પાડી દીધી. આ વાત પર બંને પક્ષો સામસામે આવી ગયા છે. આખરે પોલીસે આવીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. જોકે અહીં હજી પણ પ્રતિમા લગાડવાને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

Most Popular

To Top