Charchapatra

બારમા-તેરમાનો ભોજન ભંડારો, આદિવાસી સમાજને એરણે…

ગુજરાતભરમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજની વસતિ ધરાવતા પ્રદેશો, વિસ્તારોમાં મહદ અંશે વસાવા, ગામીત, ચૌધરી, વળવી, પાડવી, તડવી વગેરેનો જાતિ સમૂહ વસવાટ કરે છે. મહારાષ્ટ્રના ધડગાંવ, શહાદા, તળોદા, નવાપુર, અક્કલકુવા અને નંદુરબાર જિલ્લાના અંતરિયાળ ગામડાંઓમાં પણ આદિવાસીઓનાં ધાડેધાડાં, પ્રકૃતિની ગોદમાં, ગિરિકંદારાઓ વચ્ચે વસે છે! આદિવાસીઓમાં આત્મીય સ્નેહભાવ, પરસ્પરની હેત-લાગણી અને ભાઈ-ચારાનાં ભાવની લ્હેરખી અન્ય સવર્ણ, ઉજળિયાત અને કહેવાતા ઉચ્ચ, આધુનિક સમાજથી અલગ તરી આવે છે જેનો આ સમાજ ગૌરવ અનુભવે છે!! હાલમાં એક અગ્રિમ અખબાર દ્વારા મૃત્યુ ભોજન પ્રથા સંદર્ભે વિચાર મંથન અભિયાન જારી છે. આદિવાસી સમાજમાં મૃત્યુ અને તે પછીની ગતિવિધિ અંગે પેટ છૂટી વાત કરવી છે.

પરદે થયેલ વ્યક્તિનાં દુ:ખદ સમાચાર વાયુવેગે પ્રસરી જાય, ક્યાંક ગાડીઓ દોડાવાય, ફોનથી કે રૂબરૂમાં પણ કહેણ મોકલાય. શેરી-મહોલ્લામાં વાહનોનો ખડકલો થઈ જાય. સ્મશાનયાત્રામાં જોડાનાર વ્યક્તિઓ થકી 30, 40, 50 કે 60 હજાર રૂપિયાનું ભંડોળ ભેગું થઈ જાય. શક્ય હોય તો તે જ દિવસે બારમાં તેરમા, શ્રધ્ધાંજલિના પ્રિન્ટેડ કાર્ડ પણ આપી દેવાય. નિયત દિવસે ભોજન ભંડારામાં સીધે સાદાં દાળ, ભાત, શાક, કણી કે લાડુ પિરસાય. મૃતકના પરિવારે ઝાઝી દોડધામ કરવાની નહીં. બધો જ કાર્યભાર ગામના નવયુવાનો, વડીલો સંભાળી લ્યે. વળી બારમા-તેરમા નિમિત્તે પાછું આત્મીય ભાવના માત્ર આદિવાસી સમાજમાં સંભવે છે ભાઈ… સવર્ણ, ઉજળિયાત જાતિ-સમૂહમાં મૃતકનો ફોટો અને માહિતી અખબારમાં પ્રકાશિત કરી, હજાર-પંદરસો રૂપિયામાં પતાવટ થઈ જાય. ‘‘લૌકિક રિવાજ બંધ છે’’ અગમચેતી દર્શાવી, મૃતક વ્યક્તિથી છેડો છૂટો કરી દેવામાં આવે. જે સમાજ પોતાના લોહીના ડોહી-ડોહલાંઓને, જીવની અંતિમ અવસ્થાએ વૃધ્ધાશ્રમમાં ધકેલી દેતા હોય તેમણે મરણોત્તરક્રિયાની પડોજણ ક્યાંથી?
કાકડવા    – કનોજભાઈ વસાવા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top