Columns

યુદ્ધ વચ્ચે તુર્કી રશિયા અને યુક્રેન સાથેના સંબંધોમાં તટસ્થતા જાળવી રહ્યું છે

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પશ્ચિમી દેશો પરની નિર્ભરતા અને યુરોપિયન યુનિયનમાં જોડાવાના તુર્કીના લાંબા સમયથી ચાલતા પ્રયાસો પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો જેટલી હદ સુધી વિશ્વસનીય છે, રશિયા પણ એટલું જ વિશ્વસનીય છે. છેલ્લાં ૫૦ વર્ષથી, અમે EUના દરવાજે રાહ જોઈ રહ્યા છીએ, અને, આ સમયે, હું રશિયા પર એટલો જ વિશ્વાસ કરું છું જેટલો મને પશ્ચિમી દેશો પર છે. પુતિન સાથે ૪ સપ્ટેમ્બરની મુલાકાત પછી, એર્દોગને કહ્યું હતું કે, ‘મિસ્ટર પુતીન આ યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાના પક્ષમાં છે અને હું તેમની ટિપ્પણી પર વિશ્વાસ કરું છું.’

એર્દોગન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ‘પ્રિય મિત્ર’ કહે છે. તાજેતરમાં ઈસ્તાંબુલ ખાતે તેમનું રેડ-કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું અને યુદ્ધકેદીઓને મુક્ત કરવા તેમજ કાળા સમુદ્રના માર્ગે યુક્રેનિયન ઘઉં મોકલવા માટે ‘અનાજ કરાર’ અંગેની વાટાઘાટોમાં મદદ કરી હતી. એર્દોગનના જમાઈની કંપની દ્વારા ઉત્પાદિત બાયરક્તર એટેક ડ્રોન રશિયન સૈનિકો સામે એટલા ઘાતક સાબિત થયા કે યુક્રેનના લોકોમાં તે ખૂબ લોકપ્રિય છે અને આ ડ્રોનનું નામ તેઓ રેડિયો સ્ટેશન, સેલ ફોન પ્લાન અને બિઝનેસ લંચ મેનૂને પણ આપવા લાગ્યા છે.

એર્ડોગનની કોઈનો પક્ષ ન લેવાની નીતિ તેમને ઘરઆંગણે પણ મદદ કરે છે, કારણ કે તેમનાં મતદારોને ખ્યાલ છે કે મોટા ભાગના EU સભ્ય દેશો તેમના દેશને યુનિયનમાં પ્રવેશ આપવાની ઈચ્છા ધરાવતા નથી અને માઈગ્રેશનને લઈને પશ્ચિમી દેશો કેવાં બેવડાં ધોરણો ધરાવે છે. આના કારણે ત્યાંનાં નાગરિકોમાં પશ્ચિમી વિરોધી ભાવનાને ઉત્તેજન મળે છે. તુર્કીનાં લોકો પશ્ચિમ સાથેના ગાઢ સંબંધોની પ્રશંસા કરે છે પણ સાથે એ પણ સમજે છે કે પશ્ચિમ દ્વારા તુર્કીને ક્યારેય સમાન ભાગીદાર તરીકે ગણવામાં આવતું નથી. આથી તુર્કી રશિયા સાથેના સંબંધો બગાડીને પશ્ચિમ સાથે સંબંધોના પક્ષમાં નથી.

એર્ડોગન અને પુટિન વચ્ચે વ્યક્તિગત જોડાણ પણ છે. બંનેની રાજકીય ગતિ કંઈક અંશે સમાન છે. બંને બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે, જેને વિવેચકો એક પ્રકારે ‘સરમુખત્યારશાહી’ કહે છે. બંને નેતાઓ સદીઓ જૂના ઇતિહાસને ફરીથી લખી રહ્યા છે. રશિયન ઝાર અને ઓટ્ટોમન સુલતાન બંનેએ ડઝન જેટલાં યુદ્ધ લડ્યાં અને ૧૮૫૦ના દાયકામાં રશિયા સામે તુર્કી અને પશ્ચિમી સત્તાઓના ક્રિમિયન યુદ્ધ પહેલાં ઝાર નિકોલસે તુર્કીને ‘યુરોપનું બીમાર અંગ’ ગણાવ્યું હતું. આજે દોઢ સદી પછી, રશિયા ‘યુરોપના બીમાર અંગ’ જેવું દેખાઈ રહ્યું છે.

૨૦૧૫માં, સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનને બચાવવાના રશિયન અભિયાન દરમિયાન, તુર્કીની વાયુસેનાએ રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. આ ઘટનાએ બંને દેશો વચ્ચે તણાવ વધાર્યો હતો. રશિયાના કુદરતી ગેસ નિકાસકાર ગેઝપ્રોમે તુર્કી સુધીની ૧૧૦૦-કિલોમીટર લાંબી પાઇપલાઇનનું બાંધકામ સ્થગિત કરી દીધું હતું. પરંતુ તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો. રશિયન ગેસ તુર્કી અને તેનાથી આગળ પૂર્વીય યુરોપમાં વહેવા લાગ્યો. રશિયાએ તુર્કીને ૬૦૦ મિલિયન ડોલરના ગેસ બિલમાં પણ છૂટ આપી.

એક રીતે એર્ડોગન યુદ્ધમાં સંડોવાયેલા બંને પક્ષો, પશ્ચિમી દેશો, ચીન અને તેના પોતાના દેશનાં નાગરિકો વચ્ચે સાવચેતીપૂર્વક સંતુલન રાખી રહ્યા છે. તેમણે અને તેમના દેશે આ બધા દેશો પાસેથી પાંચ વર્ષ લાંબી મંદી અને ૬ ફેબ્રુઆરીના ધરતીકંપની તારાજી બંને માટે મોટા આર્થિક અને રાજકીય લાભો પ્રાપ્ત કર્યા છે. એર્દોગનની ભૂરાજનીતિ ત્રણ મુદ્દાઓના સંતુલન પર આધારિત છે – પશ્ચિમી દેશો, રશિયા, ચીન. પશ્ચિમમાંથી બજાર, તકનીકો અને આર્થિક આધુનિકીકરણ, રશિયાથી સસ્તો કાચો માલ, ઇંધણ અને કુદરતી ગેસ અને ચીન તરફથી માલનું પરિવહન અને રોકાણ, એમ દરેક દિશામાંથી, એર્ડોગનને મહત્તમ નફો મળે છે ત્યારે તે પોતાની આ જ નીતિ આગળ ચાલુ રાખશે એમાં કોઈ શંકા નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top