National

સિયાલદહથી અજમેર જતી એક્સપ્રેસ ટ્રેનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

ઉત્તરપ્રદેશ: શુક્રવારે ઓડિસાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ધટના (Train Accident) બાદ એક પછી એક ટ્રેન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારે યુપીના (UP) કૌશામ્બીમાં ભરવરી રેલવે સ્ટેશન પાસે સિયાલદહથી અજમેર જતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ (Fire) લાગી હતી. આગ લાગવાના કારણે સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા અને પોતાના જીવને બચાવવા માટે મુસાફરો બારી-દરવાજામાંથી કૂદવા લાગ્યા હતા. સાથે જ રેલ્વે કર્મચારીઓ પણ વિલંબ કર્યા વગર આગ ઓલવવામાં લાગી ગયા હતા. જાણકારી મુજબ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. આ ધટના અંગે રેલ્વે તરફથી પણ એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે “ટ્રેન નંબર 12987 સિયાલદાહ અજમેર એક્સપ્રેસ ભરવરી સ્ટેશનથી થોડે આગળ સ્ટાર્ટર સિગ્નલ પર પહોંચતા મુસાફરી કરેલા મુસાફરોએ જનરલ કોચની બહાર હળવા ધુમાડા અંગે જાણ કરી હતી. આ જાણ મળતાં જ સ્ટેશન પર હાજર રેલ્વે સ્ટાફ આગને નિયંત્રણમાં લાવવામાં આવી હતી.

સોમવારે ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની હતી. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું ન હતું.

ઓડિસાના બાલાસોરમાં શુક્રવારે થયેલ ટ્રેન અકસ્માત અંગે સોમવારે રેલવે તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 1100 લોકોમાંથી 900 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ડીઆરએમ ભુવનેશ્વર રિંકેશ રોયે જણાવ્યું કે, રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા 278 લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

Most Popular

To Top