Dakshin Gujarat

વ્યારામાં જાહેર શૌચાલયમાંથી ઈસમ અસ્વસ્થ હાલતમાં મળ્યો, તેની પાસે હતું કંઈક એવું કે ફફડાટ ફેલાઈ ગયો

વ્યારા: વ્યારા (Vyara) નવા બસ સ્ટેશન (Bus station) ખાતે જાહેર શૌચાલય પાસે એસ.ટી. ડેપો કંટ્રોલર ભરતભાઇ ભીખાભાઇ પટેલ (રહે.,ઉન ગામ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, તા.માંડવી, જિ.સુરત)એ બસ સ્ટેશનના જાહેર શૌચાલયમાં (Toilet) અંદરથી દરવાજો બંધ કરી એક ઇસમ અસ્વસ્થ હાલતમાં પડ્યો હોવાની જાણ પોલીસને કરી હતી. પો.કો. નવરાજસિંહ ડાભી સહિતના કર્મીઓએ આ બાથરૂમનો દરવાજો ખોલી શકમંદ ઇસમને બહાર કાઢ્યો હતો. રિવોલ્વર સાથે પકડાયેલા આ શકમંદ ઇસમને લઈ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વધુ પૂછપરછ કરતાં પોતાનું નામ મોહમ્મદ આસીફ મોહમ્મદ જાફર પઠાણ (ઉં.વ.૨૫) (હાલ રહે.,શિવ જીમની બાજુમાં, સત્તાપીર, નવસારી, તા.જિ.નવસારી, મૂળ રહે., યુપી)નો હોવાનું જણાવ્યું હતું. તેની કોલેજ બેગ ખોલી જોતાં બેગમાં કપડાં તેમજ કપડાં નીચેથી એક પિસ્તોલ મળી આવી હતી. શરીરે કાળા કલરનું શર્ટ તથા આછા લીલા કલરનો કાર્ગો પેન્ટ પહેર્યું હતું. જેની અંગજડતી કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મળી આવ્યું હતું. રેલવેની ટિકિટ અને રિવોલ્વર સાથે મેગઝીનમાં કુલ ૫ રાઉન્ડ મળી આવ્યા હતા. પોલીસે પિસ્તોલની કિં.રૂ.૨૫ હજાર, રાઉન્ડ નંગ-૫, કિં.રૂ.૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શકમંદને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે સર્વપ્રથમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ તથા જી.પી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વઘઈના કોશીમદા નજીક ધનવર્ષાની લાલચમાં તાંત્રિક વિધિ કરતાં 7ની અટકાયત
સાપુતારા: ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કોશીમદા ગામની સીમમાં રૂપગઢનાં કિલ્લા નજીકથી વઘઇ પોલીસની ટીમે ધનવર્ષાની લાલચમાં તાંત્રિક વિધા કરી રહેલાં સાત ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કોસીમદા ગામની સીમમાં રૂપગઢ કિલ્લાની પાસે એલીસભાઇ નામના ઈસમે મોબાઈલ નંબર ઉપરથી કોસીમદા ગામની સીમમાં અમુક બહારથી આવેલા માણસો એક નાની દિકરી તથા અન્ય પાંચથી છ માણસો જોડે મળી કાઇક તાંત્રિક વિધિ કરી કંઇ અજુગતું કરતા હોય તેવી બાતમી જિલ્લા પોલીસ વડાને આપી હતી. જે બાતમીનાં આધારે વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી ચૌધરીની ટીમને એલર્ટ કરી તપાસનાં સૂચનો કર્યાં હતાં.

વઘઇ પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ જોતાં અહી (1) સંધ્યાબેન ઉ.વ.11 (2) પ્રદિપભાઇ બાબુભાઇ પટેલ રહે. તાપી વ્યારા (3) અશોકભાઇ પાંડુરંગભાઇ ધેવતે રહે. સુરત (4) કિશનભાઇ રવુભાઇ રાઠોડ રહે.તાપી, વ્યારા (5) મહેશભાઇ અરવિંદભાઇ રાઠોડ રહે. તાપી (વ્યારા) (6) પીંટુભાઇ સુદામનભાઇ નીકુમ રહે. બારડોલી અને (7) હિરેનભાઇ બાલુભાઇ રાઠોડ રહે. તાપી (વ્યારા) સ્થળ પર હાજર મળી આવ્યા હતાં. તેઓએ કોઇ ગુનાહીત કૃત્ય કર્યું છે કે કરવાના હતાં તેની વધુ તપાસ માટે તેમને અટકાયતમાં લઈ જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા ઈસમો ધનવર્ષાની લાલચમાં તાંત્રિક વિધિ કરી રહ્યાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ વઘઇ પોલીસની ટીમે આ માયાવી નગરીનાં માયાવી જાળ ફેલાવી ગોરખ ધંધા કરનાર ઇસમોને ઝડપી પાડી તેઓનાં મનુસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

Most Popular

To Top