Columns

સાચું બોલવું

ગુરુજી પ્રાર્થના પછી શિષ્યો સાથે વાતો કરી રહ્યા હતા.તેમને કહ્યું , ‘જીવનમાં બધાં જ કહેતા હોય કે કેળવવો જરૂરી છે પણ જેને કેળવવામાં સૌથી વધારે મુશ્કેલી પડે તેવો કોઈ ગુણ હોય તો તે છે સાચું બોલવું….હા બધાને જ નાનપણથી શીખવવામાં આવે છે કે હંમેશા સાચું બોલવું; દુનિયાદારીનો સ્પર્શ ન પામેલું નિર્દોષ બાળક હંમેશા સાચું જ બોલે છે.પણ જ્યારે તે જુએ છે કે મને સાચું જ બોલવું એમ શીખવતાં બધાં મોટાં લોકો ક્યારેક ને કયારેક ખોટું બોલે જ છે ત્યારે શરૂઆતમાં બાળક મૂંઝાય છે…પછી પ્રશ્ન પૂછે છે … અને પછી ધીમે ધીમે મોટું થતાં તે પણ સમજી જાય છે કે સ્વાર્થ માટે ખોટું બધાં જ બોલે છે.પણ દુનિયાનો નિયમ છે કે બધાને કહેવું કે હંમેશા સાચું બોલો.’

આ સત્ય હંમેશા કડવું હોય છે …સત્ય ક્યારેય છૂપું રહેતું નથી …સાચું બોલનારે યાદ શક્તિ સારી રાખવી પડતી નથી… ખોટું બોલનારે એક ખોટું છુપાવવા અનેક વાર ખોટું બોલવું પડે છે.સાચું બોલવું સારું જ છે અને જરૂરી પણ છે.પણ સાચું કેવી રીતે બોલવું જોઈએ.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી,હું તો બાળપણથી માતાએ શીખવ્યું ત્યારથી સાચું જ બોલું છું અને  સાચું તો જે હોય તેમ જ બોલાય ને તેમાં વળી શું રીત?  ગુરુજી બોલ્યા, ‘સાચું બોલવું સારું છે.પણ તે હંમેશા કડવું જ શું કામ લાગે? સાચું બોલવું એવું હોવું જોઈએ કે તે સુંદર પણ લાગે.અત્યારે હું તમને એવા સંજોગોની વાત સમજાવું છું જે સંજોગોમાં તમારે સત્ય બોલવાનું ટાળવું જોઈએ.’ બીજા શિષ્યે તરત પૂછ્યું, ‘એટલે ગુરુજી ત્યારે ખોટું બોલવાનું?’

ગુરુજીએ કહ્યું, ‘હું એમ નથી કહેતો કે તમારે ખોટું બોલવું પણ સત્ય બોલવા પહેલાં જાતને ચકાસી લેવી, જયારે તમે સાચું બોલો, પણ તમારા મનમાં ગ્લાનિ થાય,મનના છાને ખૂણે એમ થાય કે આ સત્ય ન બોલ્યો હોત તો સારું થાત તે સત્ય ન બોલવું.જયારે તમે બોલી સાચું બોલી રહ્યા હો અને તમારા સત્ય બોલવાથી બીજાને નુકસાન થવાનું હોય, સજા થવાની હોય,બીજાના સંબંધો પર ખરાબ અસર થવાની હોય અને તમારા મનના છાને ખૂણે તમને તે સત્ય બોલવાની મજા આવી રહી હોય કોઈ છૂપો આનંદ મળી રહ્યો હોય ત્યારે તે સત્ય ન બોલવું અને જો કોઈ પણ સંજોગોમાં સત્ય બોલવાનું ટાળી કોઈને થતું નુકસાન બચાવી શકાય અથવા સત્યને સાચા સમયે બહાર લાવવાથી બધાને હકીકત બરાબર સમજાય તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સત્ય બોલવાનું મોકૂફ રાખવું.’ ગુરુજીએ આગળ ઉમેર્યું, ‘હું એમ નથી કહેતો કે સત્ય ન બોલી અસત્યના આશરે જાઓ.પણ હા, સત્યને કડવું નહીં પણ સુંદર બનાવો. તેને ચકાસીને બોલો.’ સત્ય બોલવાની સાચી સમજ ગુરુજીએ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top