Charchapatra

બે છેડા એક કરવા

હાય રે મોંઘવારી…દંપતી વચ્ચે લડાઈનાં અનેક કારણો હોઈ શકે. મોંઘવારી- પતિ-પત્ની વચ્ચે લડાઈનું મહત્ત્વનું કારણ છે. નિમ્ન અને મધ્યમ વર્ગનાં લોકો આવક-જાવકના બે છેડા એક કરવા રીતસર મથામણ કરે છે. પરસ્પર સહાયરૂપ બનનાર દંપતીનું ઘર ચાલે છે ખરું, પણ જોઈએ તેટલો આનંદ નથી. લગ્નનું ગાડું સરળતાથી ચાલતું નથી. ખૂબ મહેનત પછી યોગ્ય પરિણામ ન મળે તો માણસ નિરાશ થઈ ભાગ્યને દોષ દે છે અને ઘરમાં  આવક-જાવક અંગે ખટરાગ શરૂ થઈ જાય છે. સહુથી દુઃખદ બાબત એ છે કે આવી પરિસ્થિતિમાં બિચારાં બાળકોનું તો આવી જ પડે. ઝોલાં ખાતાં બાળકો રહેંસાઈ જાય છે.

માતા-પિતા પોતાનો ગુસ્સો બાળકો પર કાઢીને ક્યારેક મારપીટ કરે. નિર્દોષ-માસૂમ બાળકોને ડર પેસી જાય. ભવિષ્યમાં એના પરિણામ ખરાબ આવી શકે છે.  કરકસરને અપનાવી શકાય. આયોજનબદ્ધ વ્યવહાર હિતાવહ છે.પોતાની નિષ્ફળતા, ખામી માટે હતાશ થવાની જરૂર નથી. દુઃખનું ઔષધ દહાડા. આત્મનિરીક્ષણ-પરીક્ષણ કરી સમયને સાચવવો જોઈએ. આવકના અન્ય પ્રામાણિક સ્રોત અંગે વિચારી શકાય. નાણાંકીય તંગીને કારણે બાળકોની હાજરીમાં થતી લડાઈ અયોગ્ય છે. મા-બાપ બાળકો સુરક્ષિત ભવિષ્ય માટે નોકરી-રોજગારલક્ષી કામ કરે છે, પણ બે છેડા એક કરવામાં બાળકોને અજાણતાં અન્યાય ન થઈ જાય તે જોવું રહ્યું. બાળકોને પ્રેમ અને હૂંફ આપીએ. પરિવારમાં સૌ કોઈએ સમજવાની જરૂર છે કે, બાળકના મનમાં જે રોપાય એની અસર આખી જિંદગી સુધી રહે છે. આપણને બાળકોનો આદર મળે, તેમ કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top