નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધારમાં ઈન્દોર-અમદાવાદ ફોરલેન હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સ્પીડમાં આવતી જીપ (Jeep) હાઇવે ઉપર પાર્ક કરેલા ડમ્પર (Dumper) સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા, તેમજ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઘટના બુધવારે રાત્રે 10:30 કલાકની આસપાસ બની હતી. ઘટના ઇન્દોરના ખાટાબિલ્લાદ પાસે બની હતી. જેમાં એમપી 43 બીડી 1005 નંબર પ્લેટ વાળી જીપમાં નવ લોકો સવાર હતા. આ જીપ તેજ ગતિએ હતી, બીજી બાજુ રેતી ભરેલું ડમ્પર રોડની કિનારે ઉભું હતું. કારની ઝડપ વધુ હોવાને કારણે જીપ ડમ્પરમાં પાછળથી અથડાઈ હતી. જીપમાં સવાર 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ એક વ્યક્તિગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માત એટલો ખતરનાક હતો કે જીપ સંપૂર્ણ રીતે કચડાઈ ગઇ હતી. જીપમાં બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. સમગ્ર ઘટનાની માહિતી પોલીસને રાત્રે જ મળી હતી. જેથી અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કર્યા હતા. પરંતુ જીપમાં મૃતદેહો એટલી ખરાબ રીતે ફસાયેલા હતા કે પોલીસે તેમને બહાર કાઢવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
સમગ્ર મામલે મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અધિક પોલીસ અધિક્ષક (ASP) રૂપેશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. ઘટના સ્થળે રેતી પથરાયેલી હોવાથી ડમ્પરમાં રેતી ભરેલી હોવાની આશંકા છે.
અકસ્માતગ્રસ્ત લોકો બાગ ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ જીપ જે ડમ્પર સાથે અથડાઈ હતી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. તેમજ મૃતકમાંથી એક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યો હતો. જેની શિવપુરીમાં પોસ્ટિંગ થઇ હોવાની માહિતી સાંપડી છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા ડમ્પર વિશે શોધખોળ હાથ ધરી છે.
મધ્ય પ્રદેશ ASP રૂપેશ કુમાર દ્વિવેદીએ આ મામલે જણાવ્યું કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.