ગુજરાતના રાજકોટમાં 10 હોટલમાં બોમ્બની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ પોલીસે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે. ધમકીભર્યા ઇમેલમાં લખવામાં આવ્યુ હતુ કે મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મુક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં ફૂટશે. આજે અનેક નિર્દોષના જીવ જશે. જલ્દી કરો અને હોટલ ખાલી કરો. તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાથી પોલીસ અને હોટલ માલિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હજી હોટલોમાં ચેકિંગ ચાલી રહી છે.
હોટલોને 12:45 કલાકે ઇમેલ મળ્યો હતો. આ ઇમેલ કેન દિન નામના વ્યક્તિના અકાઉન્ટમાંથી મોકલ્યો આવ્યો હતો. ધમકી બાદ એસઓજી, ક્રાઈમ બ્રાંચ, એલસીબી, પીસીબી, બોમ્બ સ્ક્વોડ જે તે પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી એકપણ હોટલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. છતા તકેદારીના પગલા રૂપે રાજકોટની બધીજ મોટી હોટલોમાં ચેકિંગ કરાઈ રહ્યું છે.
રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલોમાં બોમ્બ મુકાયાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી. બોમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. જેમાં રાજકોટની 5 સ્ટાર હોટલ ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ મળ્યો હતો. દિવાળી તહેવાર વચ્ચે આ પ્રકારની ધમકીનો ઇમેલ મળતા પોલીસ દોડતી થઈ હતી. જે 10 હોટલને ધમકી મળી છે ત્યાં પોલીસે ડોગ સ્કવોડ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સિવાયની હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે પોલીસે રાજકોટની તમામ મોટી હોટલમાં એલર્ટ જાહેર કર્યું હતું.