Columns

હંમેશા ખુશ રહેવા માટે

વર્ષો બાદ અચાનક એક પ્રસંગે રાજ , જીના અને હેના ત્રણ મિત્રો ભેગા થયા.એકબીજાને મળીને ખુશ થયા…હાલચાલ પૂછ્યા …ઘણા વર્ષે મળ્યા તેનો આનંદ હતો અને આટલાં વર્ષો ન મળાયું તેનો ખેદ પણ હતો. હવે દર વર્ષે મળતાં રહેવાનું નક્કી કર્યું અને છૂટાં પડ્યાં. થોડા વખતમાં ત્રણ મિત્રો ફરી પાછા સાથે મળ્યા, ઘણી વાતો મનમાં યાદ કરી લીધી કે આજે તો યુવાનીના દિવસો ફરી જીવી લઈશું.

શરૂઆતમાં આટલા વર્ષો શું કર્યું ..પતિ કે પત્ની શું કરે છે …બાળકો કેટલાં છે તેવી વાતો થઈ. પછી શરૂ થઇ ખરી મિત્રોની મસ્તી , જીના અને હેના બે ખાસ બહેનપણી અને રાજ તેમનો પાડોશી મિત્ર એવી આ ત્રણ જણની ટોળી હતી કોલેજ જુદી ..ભણવાનું જુદું ..પણ રોજ બપોરે મળવાનું ..રાત્રે મંદિરે સાથે જવાનું … બધી જ જૂની જૂની વાતો શરૂ થઇ…શું એ મસ્તીના દિવસો હતા…તે દિવસો યાદ કર્યા બાદ કઈ રીતે તેઓ છૂટાં પડતાં ગયા તેની વાતો થઈ …રાજ અન્ય સ્થળે રહેવા જતો રહ્યો… હેનાનાં લગ્ન થઈ ગયાં… ધીમે ધીમે મળવાનું ઓછું થયું પછી જીનાના પણ લગ્ન થઈ ગયાં…બધા પોતપોતાના સંસારમાં જીવન જીવવા લાગ્યા.

ઘણી બધી વાતો બાદ તેમણે એકબીજાને પૂછ્યું કે ક્યારેક આપણી આ દોસ્તી યાદ આવતી હતી ખરી?’હેના લેખિકા હતી તેણે લેખિકાને છાજે તેવો ઉત્તર આપ્યો, ‘કે દોસ્તીની સુગંધ તો મનના એક ખૂણામાં હંમેશા જીવંત જ રહે છે.’પછી એકબીજાની ચિંતા કરતાં દોસ્તોએ પૂછ્યું, ‘શું જીવનમાં તેઓ સાચે ખુશ છે?’રાજ બોલ્યો, ‘હા હા , ખુશ તો છું જ …સુંદર પત્ની છે. દીકરીને હમણાં જ વર્ષ પહેલાં પરણાવી …મોટો સફળ બિઝનેસ છે.ખુશ રહેવા માટે બીજું શું જોઈએ? પણ હા ક્યારેક કૈંક ખૂટતું હોય તેવું લાગે છે.’

જીનાએ કહ્યું, ‘જીવનમાં ઘણું મેળવ્યું ..ઘણું માણ્યું…બે બાળકો છે એકદમ સમજુ પતિ છે …માતા -પિતા એક પછી એક છોડીને ચાલ્યા ગયા તે કપરી ક્ષણો હતી.બધી જ સુખ સુવિધાઓ છે કંઈ જ નથી એવું નથી પણ છતાં એમ લાગે છે કે જીવનમાં હજી કૈંક બાકી છે તે મળી જાય એટલે સારું.’ હેનાએ કહ્યું, ‘ખુશી તો આપણા મનની સ્થિતિ છે…જીવનમાં બધું જાત મહેનતે મેળવવાનો આનંદ છે…જીવનમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા…ઘણું મેળવ્યું …એક તબક્કે સઘળું ગુમાવ્યું …સતત કામ કર્યું …દરેક સ્થિતિમાં હું ખુશ જ રહી છું અને આજે પણ બહુ ખુશ છું…તમારી પાસે શું શું છે …તમે કેટલું મેળવ્યું …હજી શું મેળવવાનું બાકી છે એ બધા વિચારોમાં ખુશી નથી.

કારણ કે સાચી ખુશી કૈંક વધુ ને વધુ મેળવવામાં નહિ, પણ જે છે તેને મન ભરીને માણવામાં છે.મન ભરીને આજે તમને મળી જૂની યાદો માણી રહી છું ..પતિને સતત વરસતો પ્રેમ છે …પુત્ર પણ પ્રેમાળ સમજુ છે …મનગમતું કામ કરું છું એથી વધુ શું જોઈએ.’જીના અને રાજે કહ્યું, ‘હજી તારી વાતો ..તારા વિચારો …તારા જેવા જ સુંદર છે. તેં અમને ખુશીનો સાચો અર્થ સમજાવ્યો.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top