Charchapatra

પૈસા ફેંકો, તમાશા દેખો

નાણાંને જોરે જાહેર અને ખાનગી તમાશાઓ ચાલતા જ રહે છે, ભ્રષ્ટાચારના વાતાવરણમાં તે પુરબહારમાં ચાલે છે. ભારતમાં એક તરફ બેતૃતીયાંશ લોકો ગરીબીની રેખા નીચે જીવતર ઘસડે છે, ભૂખમરો, મોંઘવારી, બેરોજગારીનો વિકાસ થાય છે, તો બીજી તરફ ભારે ધનવર્ષા થાય છે. ક્રિકેટક્ષેત્ર અને ફિલ્મજગતમાં બે નંબરી બ્લેકમનીના તમાશા ધમધમે છે. દસ ફ્રેન્ચાઇઝો દ્વારા હાલમાં જ ત્રણ અબજ અઠયાસી કરોડ અને દસ લાખની ખેલાડી ખરીદીની ખેલ ખેલાયો, એમાં ઇશાન કિશન જેવા ખેલાડીને પંદર કરોડ પચીસ લાખની માતબર રકમ. આપી ખરીદી લેવાયો. જૂના જમાનામાં ગુલામ પુરુષો, મહિલાઓની હરાજી થતી હતી, રેડકોર્સના ઘોડા, પશુપંખીઓનું વેચાણ થતું, દેહવિક્રય કરનારી નારીઓનો ધંધો ચાલતો હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ જેવી રમતમાંયે ગૌરવ ગરિમા હણાય છે. ફિલ્મ જગતમાં કાળાં નાણાંનો ધોધ વહે છે અને આદર્શો, સંસ્કાર દર્શાવતી ફિલ્મો યે બને છે.

બેન્ક ઠગાઇ ચરમ સીમાએ છે. રાષ્ટ્ર માટે અત્યંત અગત્યના સંરક્ષણ શસ્ત્રોના સોદાઓ પણ અબજો રૂપિયાના અનૈતિક તમાશાઓથી ખરડાય છે. ગેરકાયદે માટીખનન અને રેતીખનનનાં કૌભાંડો ચાલે છે. મહામારીમાં માનવતાપૂર્ણ સેવા સહાય મહેકવાની જ અપેક્ષાની ઉપેક્ષા કરીને તેવા નાજુક સમયે દવા, વેકસીનમાં કાળાબજાર, આકરી ડોકટરી ટ્રીટમેન્ટ, દવા ઉદ્યોગ અને ડોકટરોને માલામાલ કરી દે તેવી ગતિવિધિ ચાલે છે. લગભગ બધા જ ક્ષેત્રોમાં પાપ લીાના તમાશા ચાલે છે અને ‘પૈસાફેંકો, તમાશા દેખો’ જેવી લાચારી દશા ભોગવવી પડે છે. કાંઇપણ કરાવવું હોય તો પ્રથમ પૈસાનો  બંદોબસ્ત કરવો પડે છે. છેલ્લાં બે વર્ષોમાં ધનાઢયોની સંપત્તિ પચાસ ગણી વધી, આવક દસ ગણી વધી ગઇ. મજબૂર ચિંતિત લોકોના આપઘાતોની કોઇ સીમા નહીં રહી, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી બેફામ થવા લાગી. ધર્મગુરુઓનો પ્રભાવ ઘટયો અને ‘સબસે બડા રૂપૈયા’ની માન્યતા બંધાઇ. આવા તમાશાઓ પર નિયંત્રણ લાદવું રહ્યું.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top