SURAT

આટલા વર્ષ બાદ હોળી અને ધૂળેટી વચ્ચે આ વખતે ખાડાનો દિવસ, જાણો ક્યાં ક્યારે હોળી પ્રગટશે?

સુરત: તિથિ અને નક્ષત્રોની ગણતરી મુજબ ચાલતા હિન્દુ પંચાંગ અનુસાર ઘણા બધા જોડિયા તહેવારોની વચ્ચે ખાડો એટલે કે ખાલી દિવસ આવવાની ઘટના સામાન્ય છે. તેવી જ રીતે આ વખતે હોળી અને ધુળેટી વચ્ચે ખાડો હોવાથી હોળી પ્રગટ્યાના 24 કલાક બાદ ધુળેટીની ઉજવણી થશે. 28 વર્ષ પહેલાં 1994માં 26 માર્ચના રોજ હોળી હતી ત્યારે પણ આવો જ સંયોગ થયો હતો. આ વખતે ભદ્રા નક્ષત્રના કારણે ફરીવાર આવું થવા જઇ રહ્યું છે.

  • 1994માં પણ આવું જ થયું હતું, એ વર્ષે પણ પૂર્ણિમાની તારીખ બે દિવસની હતી અને એ સૂર્યાસ્ત પછી શરૂ થઈ તેમજ બીજા દિવસે સૂર્યાસ્ત પહેલાં સમાપ્ત થઈ હતી
  • ગુજરાતમાં હોલિકાદહન તા.6-3-2023 ને સોમવારે સાંજે 7થી 9.30 દરમિયાન કરવું શ્રેષ્ઠ રહેશે

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જો કે, હોલિકાદહનની તારીખને લઈને અનેક અસમંજસ છે. આ પાછળનું કારણ એ છે કે, પૂનમની તિથિ બે દિવસ હોવાનું છે. આ સાથે જ અશુભ ભદ્રાકાળ પણ રહેશે. આ કારણસર હોલિકા દહનનો ઉલ્લેખ કેટલાક પંચાંગોમાં 6 માર્ચ અને અન્યમાં 7 માર્ચે છે. હોલિકાદહન કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલેશ્વરમાં 6-7 માર્ચના રોજ રાતે 12.40થી 5.56 વાગ્યા વચ્ચે થશે. જ્યારે સાતમી તારીખની સાંજે મથુરા-વૃંદાવનમાં હોળી પ્રગટાવવામાં આવશે, પરંતુ સમગ્ર દેશમાં ધુળેટી એટલે કે રંગો રમવાનો દિવસ 8મી માર્ચે જ રહેશે. એટલે કે, દેશના મોટા ભાગનાં રાજ્યોમાં હોળી દહનના 24 કલાક પછી જ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં હોલિકાદહન તા.6.3.2023 સોમવારે સાંજે 7થી 9.30 દરમિયાન કરવું શ્રેષ્ઠ રહેશે.

હોળી અને ધુળેટી માટે મુહૂર્તો: ક્યાં ક્યારે હોળી પ્રગટશે?:

  • 6 માર્ચની સાંજે સંધ્યાકાળમાં એટલે કે 6.24થી 8.51 વાગ્યા દરમિયાન હોળીપૂજા કરવી શુભ રહેશે
  • પૂનમ 6 માર્ચે સાંજે 4.30 વાગ્યે શરૂ થશે અને 7મીએ સાંજે 6.10 વાગ્યા સુધી રહેશે. જો કે, આ સાથે ભદ્રા 6 માર્ચની સાંજે લગભગ 4.18 વાગ્યે 7 માર્ચની સવારે સૂર્યોદય સુધી રહેશે. ભદ્રાની પુચ્છનો સમયગાળો 6 તારીખે સાંજે 4:18 વાગ્યાથી 9:17 વાગ્યા સુધી રહેશે
  • અખિલ ભારતીય વિદ્વત પરિષદ અને કાશી વિદ્વત પરિષદ અનુસાર આ ત્રણ યોગ એકસાથે રચાય એવું ભાગ્યે જ બને છે. જો પૂર્ણિમા સાથે ભદ્રા હોય તો હોલિકાદહન ભદ્રાના પુચ્છકાળના અંતિમ સમયમાં પણ કરી શકાય છે
  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 6ઠ્ઠી અને 7મીની વચ્ચેની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે
  • પંજાબ, હરિયાણા, રાંચી અને ઉત્તરપ્રદેશમાં 6 અને 7 તારીખે, એટલે કે બંને દિવસે
  • ગુજરાત, દિલ્હી, પટના અને હિમાચલમાં 7 તારીખે સાંજે હોલિકાદહન થશે
  • જો કે, 8 માર્ચે દેશભરમાં એકસાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવશે
  • ગુજરાતમાં હોલિકાદહન તા.6.3.2023 ને સોમવારે સાંજે 7થી 9.30 દરમિયાન કરવું શ્રેષ્ઠ રહેશે

હોળીની જ્વાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળ
સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદીરૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રારહિત કરણમાં કરાય છે. ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો એ પ્રાંત માટે અશુભ ફળ મળે એવું પણ જાણવા મળે છે. હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે એ મુજબ એનાં ફળ મળતાં હોય છે. જેમ કે, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈર્ઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત એ વર્ષ પૂરતું જણાતી હોય છે. એમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી શુભાશુભ બનાવો જે-તે પ્રાંત/વિસ્તારો બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા અને કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.

Most Popular

To Top