Dakshin Gujarat

નવસારીનો વેપારી હાટ બજારમાં કપડા વેચવા ગયો, ઘરે પરત આવીને જોતા માથે હાથ દઈ બેઠો

નવસારી : નવસારી (Navsari) કરિશ્મા ગાર્ડનમાં રહેતા વેપારી હાટ બજારમાં કપડા વેચવા માટે જતા ચોર (Thief) તેમના ફલેટમાંથી 3.10 લાખના દાગીના અને રોકડા (Cash) રૂપિયાની ચોરી કરી નાસી ગયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

  • નવસારી કરિશ્મા ગાર્ડનમાં રહેતા વેપારી હાટ બજારમાં કપડા વેચવા ગયા અને ઘરે ચોરી થઈ ગઈ
  • ચોર તેમના ફલેટમાંથી 3.10 લાખના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી નાસી ગયો
  • રફીકભાઈ અલગ-અલગ જગ્યાએ હાટ ભરાય તે જગ્યાએ કપડાનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે

મળતી માહિતી મુજબ, મૂળ યુ.પી. ના ચિત્રકૂટ જિલ્લાના માણીકપુર તાલુકાના રૂખમા ખુર્દ કૈલાહા ગામે અને હાલ નવસારી રંગુનનગર કરિશ્મા ગાર્ડનમાં રફીક મજીદ ખાન (ઉ.વ. 31) તેમના પરિવાર સાથે રહે છે. રફીકભાઈ અલગ-અલગ જગ્યાએ હાટ ભરાય તે જગ્યાએ કપડાનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 28મી ફેબ્રુઆરીએ રફીકભાઈ તેમના મોટા ભાઈ નફીસ સાથે ડાંગ ખાતે યોજાયેલા ડાંગ દરબારમાં જીન્સ પેન્ટ અને ટી-શર્ટ વેચવા માટે ગયા હતા. જ્યાં તેમણે કપડા વેચી કમાયેલા રૂપિયા ઘરે લાવ્યા હતા.

રફીકભાઈએ 3.10 લાખ રૂપિયા અને તેમની ભાભીના સોના-ચાંદીના દાગીનાઓ કબાટમાં મુક્યા હતા. ગત 11મીએ રફીકભાઈના મોટા ભાઈ અને ભાભી તેમજ તેમની દીકરી સાથે વતન ગયા હતા. જેથી રફીકભાઈ ઘરે એકલા હતા. ગત 13મીએ રફીકભાઈ તેમના ફ્લેટના દરવાજો બંધ કરી લોખંડની જાળીને તાળું મારી ટેમ્પોમાં કપડા ભરી કપડા વેચવા માટે છાપરા ચાર રસ્તા ખાતે હાટ બજારમાં ગયા હતા.

દરમિયાન કોઈ અજાણ્યા ચોરે તેમના ફ્લેટની જાળીને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ચોરે ફ્લેટના બેડરૂમમાં મુકેલા કબાટમાંથી 3.10 લાખ રૂપિયા અને રફીકભાઈની ભાભીના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયો હતો. રાત્રે રફીકભાઈ ઘરે આવ્યા ત્યારે જાળીને મારેલું તૂટેલું હાલતમાં દેખાયું હતું. ત્યારબાદ રફીકભાઈએ ઘરમાં જઈ તપાસ કરતા બેડરૂમમાં સામાન વેર-વિખેર હાલતમાં પડ્યો હતો. જેથી રફીકભાઈએ કબાટમાં જોતા કબાટમાંથી રોકડા 3.10 લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના નહીં દેખાતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બનાવ અંગે રફીકભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. કે.બી. દેસાઈએ હાથ ધરી છે.

Most Popular

To Top