Editorial

મોસાદ આટલી મોટી ચૂક કરે તે વાતમાં કોઇ દમ નથી, હમાસ આવી ભૂલ કરે તેની રાહ જોવાતી હતી

7 ઓક્ટોબર 2023ની સવારે તેમના દેશ પર આટલા મોટા હુમલાનો તેમને ખ્યાલ કેવી રીતે ન આવ્યો? વિશ્વની ટોચની જાસૂસી સંસ્થા મોસાદની ક્યાં અને કેવી રીતે ભૂલ થઈ? આ એવા પ્રશ્નો છે જેના જવાબ દરેક વ્યક્તિ જાણવા માગે છે.  ઇઝરાયલ ચારે બાજુથી તેને પડકારનારા દેશોથી ઘેરાયેલું છે.

આ દેશો શરૂઆતથી જ ઈઝરાયલને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે.આ જ કારણ છે કે ઈઝરાયલની સરકાર ગુપ્તચર તંત્ર પર ઘણો ખર્ચ કરે છે. ઇઝરાયલમાં ગુપ્ત માહિતી ભેગી કરવી એ અન્ય કોઇ દેશમાં ખોરાક, કપડાં અને આશ્રય જેટલું જ મહત્ત્વનું છે. ઑક્ટોબર 7નો હુમલો એક મોટી નિષ્ફળતા છે, પછી ભલેને ઇઝરાયલી સરકાર તેના માટે અન્ય દેશોને દોષ આપે, પરંતુ સત્તામાં રહેલા લોકો એ હકીકતને નકારી શકતા નથી કે તેઓ તેમના લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે.

2020 માં, ઇઝરાયલ અને 2 આરબ દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. આ અંતર્ગત પેલેસ્ટાઈનના સમર્થક યુએઈ અને બહેરીને ઈઝરાયલ સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી હતી. આ માટે અમેરિકાએ મધ્યસ્થી કરી હતી, જેને અબ્રાહમ એકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે એવું માનવામાં આવતું હતું કે વધુ આરબ દેશો આ કરારમાં જોડાશે. આની અસર એ થઈ કે મોસાદ અને ઇઝરાયલના બાકીના ગુપ્તચર સંગઠનો એવું માનવા લાગ્યા કે હવે હમાસને ઓછું જોખમ રહેશે કારણ કે તેના સમર્થકો ઘટી રહ્યા છે.

મોસાદ ભૂલી ગયો હતો કે ડિપ્લોમેસી અને રાજકારણ તેમનું કામ કરે છે અને ગુપ્તચર સંસ્થા પોતાનું કામ કરે છે. હમાસ ઓછામાં ઓછા 15 થી 19 મહિના સુધી આ ઓપરેશન પર કામ કરી રહ્યું હતું પરંતુ કોઈને તેની જાણ નહોતી. જો કે, દુનિયાના તજજ્ઞો ભલે ગમે તેટલા દાવા કરે પરંતુ મોસાદ આટલી મોટી ચૂક કરે તે વાત ગળે ઉતરે તેવી નથી. જે ગુપ્તચર સંસ્થાના એજન્ટો હથિયારોથી ભરેલા પાડોશી દેશના આખે આખા જહાજ પોતાના દેશમાં લાંગરી દેવાની ક્ષમતા ધરાવતા હોય, હાઇજેક થયેલા વિમાનને યુગાન્ડાથી પરત પોતાના દેશમાં પરત લાવવાની ક્ષમતા ધરાવતી આ ગુપ્તચર સંસ્થા પણ મોસાદ જ છે.

એડોલ્ફ આઇકમાનને વર્ષો પછી તેમના દેશમાં લાવીને કોર્ટમાં રજૂ કરનાર પણ મોસાદ જ છે. એટલે મોસાદ આટલી મોટી ચૂક કરે તે વાત સીધી રીતે માની શકાય તેમ નથી. જે રીતે ઉંદરને પકડવા માટે પીંજરામાં રોટલી મૂકવામાં આવે અ્ને તેમાં ઉંદર આરામથી ફસાઇ જાય તેવી જ સ્થિતિ હમાસની થઇ છે. આખી દુનિયા જાણે છે કે, ઇઝરાયેલનું વર્ષોથી સપનું રહ્યું છે અને તે ગાઝા પર કબજાનો છે. એવું બની શકે કે, આતંકવાદી સંગઠન હમાસ એવી કોઇ ભૂલ કરે અને તેનો બદલો લેવા માટે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ઇઝરાયલની સાથે રહે. અહીં પણ કંઇ એવુ જ બન્યું છે.

યહુદી અને ઇઝરાયલ જે તકની રાહ જોતા હતાં તે તક હમાસે આપી દીધી છે અને તેનું પરિણામ એ આવશે કે અડધા ગાઝા ઉપર ઇઝરાયલનો કબજો થઇ શકે. ઇઝરાયલ હાલમાં આ દિશામાં જ આગળ વધી રહ્યું છે. હાલમાં ગાઝાની સ્થિતિની વાત કરીએ તો નવ ઑક્ટોબરે ઇઝરાયલે ગાઝા પટ્ટીની સંપૂર્ણ નાકાબંધીનો આદેશ કર્યો તેના બે દિવસ પછીથી જ સમગ્ર ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો.

ગાઝાના એક માત્ર પાવર સ્ટેશન પણ વિજળી વગર બંધ થઇ ગયું છે. જેથી પાણીની એક એક બુંદ માટે ગાઝાના રહેવાસીઓ તરસી જાય તેવી સ્થિતિ ઇઝરાયલ ઊભી કરી દેશે. દુનિયાના કેટલાક ઇસ્લામિક દેશો ભલે પેલેસ્ટાઇનના લોકોની તરફેણમાં અને માનવતાની વાત કરે પરંતુ ઇઝરાયલ તો કહે છે કે તેમની લડાઇ પેલેસ્ટાઇન સામે નથી હમાસ સામે છે એટલું જ નહીં તેમને બદલો લેવાનો અધિકાર છે અને તેનો તેઓ ઉપયોગ કરી રહ્યાં છે એટલે ઇઝરાયલ હવે અડધા ગાઝા પર કબજો કર્યા વગર શાંત નહીં થાય તે નક્કી છે.

શનિવાર સુધી ઓછામાં ઓછા 1008 ઇઝરાયલી નાગરિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. ઇઝરાયલના દૂતાવાસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મારફતે જણાવ્યું, “અત્યાર સુધી 3,418 લોકો ઈજાગ્રસ્ત થયા છે.” હમાસે શનિવારે ઇઝરાયલ પર હજારો રૉકેટ છોડ્યાં હતાં. હમાસના લડવૈયાઓએ ઇઝરાયલના વિસ્તારમાં પ્રવેશીને ઘણા લોકોને બંધક બનાવી લીધા હતા. ઇઝરાયલ પ્રમાણે બંધકોની સંખ્યા 100-150 હોઈ શકે છે. હુમલાના જવાબમાં ઇઝરાયલની સેના ગાઝામાં હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવી રહી છે. સ્થાનિક અધિકારીઓ પ્રમાણે ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધી 770 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, તેમજ ચાર હજાર કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.

Most Popular

To Top