Charchapatra

શબ્દ જ સળગાવે શબ્દ જ શણગારે

મેડિકલ સાયન્સ કહે છે કે જીભ પરના ઘાવ જલ્દી રૂઝાઈ જાય છે,જ્યારે મૂલ્ય વિજ્ઞાન કહે છે કે જીભ દ્વારા લાગેલા ઘાવ કાયમી પીડા આપનારા છે.મનુષ્ય વિચારશીલ છે, બુદ્ધિશાળી છે.એનામાં સારા ખરાબની સમજ છે, છતાં વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં સાવ અભણ છે. પ્રાણીઓ પોતાના ભાવ,લાગણી, સુખ દુઃખ, વાણી દ્વારા વ્યક્ત કરી શકતા નથી. માનવી સરેરાશ 80% થી વધુ પ્રમાણમાં(વાણી દ્વારા)બોલીને પોતાના વ્યવહારો કરે છે. પણ માનવી સમ્યક્ વાણીને બદલે અન્યને ઠેસ પહોંચે,દુભવે તેવી કર્કશ,કડવી,આજીવન ઘાવ રહી જાય તેવી ધારદાર વાણીનો ઉપયોગ કરતો હોય છે.કેટલાક મનોરોગિષ્ટો ટોણાં મારે,ટીકા કરે,નિંદા કરે છે.

ટીકા પણ કેવી?ઉંદર જેવી!(ફૂંક મારીને કરડે )આવી વ્યક્તિઓ પોતાના અંગત સ્વજનોનું પણ સુખ ખમી નથી શકતા.અદેખાઈ રગ રગમાં ભરેલી હોય, સારું સહન જ નથી કરી શકતા.બદલાની ભાવનામાં અન્યના નુકસાનનો પણ ખ્યાલ નથી રાખતા.શબ્દોના પ્રહાર તો એવા કરે કે સામેની વ્યક્તિ સમસમી જાય. ઘર તૂટે, ઝઘડા થાય, મારામારી થાય, ખૂન થાય, રામાયણ કે મહાભારત રચાય! ‘અવર્ણવાદ’ શબ્દનો ખૂબ સુંદર અર્થ પૂજ્ય દાદા ભગવાને આપ્યો છે. અવર્ણવાદ એટલે ઊંધું ચિતરવું.મતલબ સારી, આબરૂદાર વ્યક્તિની કીર્તિ, મોભો, નામના,આબરૂને તોડવા માટે વપરાતી વાણી.શબ્દોનો ઉપયોગ મારે પણ અને ટાળે પણ.

આપણે ક્યાં અજાણ છીએ? ‘આંધળાના આંધળા’ કહ્યું અને મહાભારત થયું! માટે જ શબ્દનો ઉપયોગ વિચારીને, હકારાત્મક રીતે સામેની વ્યક્તિને જરાય પીડા ન પહોંચે તે રીતે જ કરીએ.મીઠી વાણી બોલી ન શકીએ તો મૌન રહીએ. ધોરણ પારડી પાસે હાઈ વે પર આવેલા માનવસેવા ચેરીટેબલ ટ્ર્રસ્ટમાં રહેતાં બિનવારસીઓ માટે ‘પ્રભુજી’ શબ્દ વપરાય છે. કેવો મીઠો શબ્દ! બાકી છાતીએ ઘા વાગે તેવા શબ્દો રાવણ,પપ્પુ, અક્કલ વગરનો,જંગલી, નાલાયક, જડ ભરત,આંધળો, વાંઝણી, વાંઝિયો વગેરે શબ્દો દ્વારા રોજે રોજ અપમાન તો થતું જ રહે છે ને!
સુરત     – અરુણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોરોનાનું ઉદ્ગગમસ્થાન
કોરોના નું ઉદ્ગગમસ્થાન સ્થાન ગણાતાં ચીનમાં ફરી કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે પ્રવાસીઓ ની વૈશ્વિક અવરજવર ને પગલે ભારતમાં ઠંડી ના મોંજા ની સાથે ‘ભય’ નું મોજું ફરી વળ્યું છે. કહેવાય છે કે ‘ રોગ અને શત્રુ ને ઉગતાં ડામવા જોઈએ. એ ન્યાયે ફેઈસ માસ્ક ફરી ચર્ચા અને ચલણ માં આવ્યા છે. અને તેની માંગ અને બોલબાલા વધી છે.” Prevention isbetter than cure “ રોગ ની સારવાર કરતાં પણ તેને થવાં ન દેવો એ મહત્વનું છે. વળી જેણે બુસ્ટર ડોઝ લીધો છે તેણે સતર્ક રહેવું જરૂરી છે, ભયભીત થવું જરૂરી નથી. ઘણીવાર મૃત્યુ કરતાં પણ મૃત્યુ નો ભય વધુ ડરામણો હોય છે. અને ચિંતા ચીતા સમાન છે. શું કોરોના અહીં ઘર કરી રહેવા માંગે છે! આપણે કોરોના ના નવા વર્ઝન નો મક્કમતાપૂર્વક સામનો કરીએ અને એને અંગ્રેજી નવા વર્ષ મુજબ એને “bye bye “ કરીએ.
સુરત     – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top