Columns

ચૂંટણીમાં ધબડકા પછી ગાંધી પરિવારને કોંગ્રેસમાંથી નિવૃત્ત કરવાનો સમય પાકી ગયો છે

૨૦૧૪ માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનાં નવ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પંજાબમાં કોંગ્રેસની નામોશીભરી હાર થઈ તે પછી કોંગ્રેસશાસિત રાજ્યોની સંખ્યા ઘટીને બે (રાજસ્થાન અને છત્તીસગઢ) પર આવી ગઈ છે. ૨૦૧૪ પછી ભારતમાં લોકસભાની અને વિધાનસભાની જે ૪૫ ચૂંટણીઓ થઈ તેમાંથી ૪૦ માં કોંગ્રેસની હાર થઈ છે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસને કટોકટીમાંથી બહાર કાઢવાને બદલે તેને નવી કટોકટીમાં નાખવામાં જ સફળ થયા છે. કોંગ્રેસના પીઢ નેતાઓને સમજાઈ ગયું છે કે કોંગ્રેસનું સુકાન જ્યાં સુધી ગાંધી પરિવારના હાથમાં હશે ત્યાં સુધી તેની સફળતાની સંભાવના શૂન્ય કરતાં પણ ઓછી છે. ગાંધી પરિવારને જાણે કોંગ્રેસમુક્ત ભારતની જવાબદારી સોંપવામાં આવી હોય તેવું તેનું વર્તન છે. હવે તો માત્ર જી-૨૩ ના નેતાઓ સિવાયના નેતાઓ પણ ખાનગીમાં કહેવા લાગ્યા છે કે ગાંધી પરિવારના પાશમાંથી કોંગ્રેસને મુક્ત કરવી જોઈએ, પણ તેના માટે શું પગલાં લેવાં જોઈએ, તેની તેમને ગતાગમ નથી.

૧૩૭ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસ અને માત્ર આઠ વર્ષ પહેલાં સ્થપાયેલી આમ આદમી પાર્ટી બંને પાસે પણ બે રાજ્યોમાં સરકાર છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિપક્ષના સર્વસંમત નેતા તરીકે ઉપસી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જોકર તરીકે ઉપસી રહ્યા છે. પાંચ રાજ્યોમાં ધબડકા પછી હવે ડિસેમ્બરમાં ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીઓ આવી રહી છે. આ બંને રાજ્યોમાં કોઈ સમયે કોંગ્રેસની સરકાર હતી અને આજે પણ ત્યાં કોંગ્રેસની તાકાત છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનું સ્થાન ગ્રહણ કરવા ઝડપથી આગળ વધી રહી છે. જો કર્ણાટકમાં કોંગ્રેસનો દેખાવ સારો નહીં હોય તો લોકસભાની જેમ રાજ્યસભામાં પણ તેણે મુખ્ય વિપક્ષનો દરજ્જો ગુમાવવો પડશે. કોંગ્રેસના કાર્યકરો હતાશામાં ગરકાવ થઈ
ગયા છે.

પંજાબમાં કોંગ્રેસનો ધબડકો થયો તેની પાછળ સ્થાનિક નેતાગીરી કરતાં કેન્દ્રિય નેતાગીરીના નિર્ણયો વધુ જવાબદાર હતા. પંજાબનો ગઢ કેપ્ટન અમરિંદર સિંહે ટકાવી રાખ્યો હતો તે બધા જાણતા હતા. ૨૦૧૭ માં કેપ્ટનની નેતાગીરીને કારણે જ કોંગ્રેસ સત્તાનાં સિંહાસન પર આરૂઢ થઈ ગઈ હતી. આ અમરિંદર સિંહને નબળા પાડવા રાહુલ-પ્રિયંકાએ નવજોત સિંહ સિદ્ધુને છૂટો દોર આપ્યો હતો. તેમનું રીતસર એન્કાઉન્ટર જ કરવામાં આવ્યું હતું. કેપ્ટનને દૂર કરીને તેમના સ્થાને હાઇ કમાન્ડની કઠપૂતળી જેવા ચરણજીત સિંહ ચન્નીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. નવજોતનો અહં ઘવાયો એટલે તેણે પહેલા દિવસથી જ ચન્ની સામે મોરચો માંડ્યો હતો. ચૂંટણીના ચાર મહિના પહેલાં જ જબરદસ્ત લોકાધાર ધરાવતા કેપ્ટનને ખસેડવાનું પગલું આત્મઘાતક સાબિત થયું હતું. પંજાબના મતદારો શાંતિથી આ તમાશો નિહાળી રહ્યા હતા. તેમને તક મળી ત્યારે તેમણે કેપ્ટન અમરિંદર સિંહ, ચરણજીત ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુને ધૂળ ચાટતા કરી દીધા હતા. જો કોંગ્રેસમાં પ્રમુખની ખુરશી ખાલી છે તો આ બધા નિર્ણયો કોણ લઈ રહ્યું હતું? પંજાબના મતદારો દ્વારા હકીકતમાં કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી સામે અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૂના દિવસોમાં કોંગ્રેસના પ્રમુખો ચૂંટણીમાં ધબડકો થાય ત્યારે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દેતા હતા. અત્યારે તો રાહુલ કે પ્રિયંકા પ્રમુખ નથી, માટે તેમણે રાજીનામું આપવાની પણ જરૂર નથી. પક્ષની કોઈ પણ જવાબદારી સ્વીકાર્યા વિના તેઓ અમર્યાદ સત્તાઓ ભોગવી રહ્યા છે.

રાહુલ ગાંધી કોંગ્રેસનો ઉદ્ધાર કરવામાં નિષ્ફળ ગયા તે પછી કોંગ્રેસના કાર્યકરોની નજર પ્રિયંકા ગાંધી પર ટકેલી હતી. સ્વ. ઇન્દિરા ગાંધી જેવો ચહેરો અને સ્વર ધરાવતાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસને રાખમાંથી બેઠી કરી શકશે, તેમ કેટલાક મુગ્ધ નેતાઓ માનતા હતા. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી ઝુંબેશનું નેતૃત્વ પણ પ્રિયંકાને જ સોંપવામાં આવ્યું હતું. પ્રિયંકાને પ્રમોટ કરવા માટે પોલ પંડિતો અને સ્ટ્રેટેજિસ્ટો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. તેમણે ‘લડકી હું, લડ સકતી હું’ જેવું કઢંગું સૂત્ર આપ્યું હતું. જેના વાળ ધોળા થઈ ગયા છે તેવાં પ્રિયંકા ગાંધીને લડકી માનીને મત આપવાનો ઉત્તર પ્રદેશના મતદારોએ ઇનકાર કરી દીધો હતો. ચૂંટણીમાં કોંગ્રેસનો ઐતિહાસિક ધબડકો થયો હતો. હવે પ્રિયંકા ગાંધી પણ નિષ્ફળ પુરવાર થયાં છે. તેમનાં સંતાનો હજુ કોંગ્રસને નેતૃત્વ આપી શકે તેટલી તેમની ઉંમર નથી. કાયમ ગાંધી પરિવાર તરફ જ નજર માંડી રહેવાને બદલે જો કોંગ્રેસ નવો નેતા નહીં શોધી કાઢે તો તેનું અસ્તિત્વ જ ખતમ
થઈ જશે.

૨૦૨૦ માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થયો તે પછી તેનું કારણ જાણવા એક તપાસ સમિતિ રચવાનું નાટક કરવામાં આવ્યું હતું. હકીકતમાં કોઈ પણ તપાસ કર્યા વિના કહી શકાય કે કોંગ્રેસના ધબડકા માટે ગાંધી પરિવાર જ જવાબદાર હતો. આ તપાસ સમિતિનો હેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસની કારોબારીના સભ્યોને પણ તે હેવાલ બતાડવામાં આવ્યો નથી. ગાંધી પરિવાર સામે બળવો કરવા જી-૨૩ ના જૂથની રચના કરવામાં આવી હતી, પણ તેઓ કાંઈ ઝાઝું ઉકાળી શક્યા નથી. મીટિંગો કરવાથી અને નિવેદનો બહાર પાડવાથી તેમનો બળવો આગળ વધ્યો નથી. જો તેમનામાં ત્રેવડ હોય તો ઇન્દિરા ગાંધીએ ૧૯૬૯ માં કર્યું હતું તેમ જૂની કોંગ્રેસથી છેડો ફાડીને નવી કોંગ્રેસની રચના કરીને મતદારો સમક્ષ જવું જોઈએ. અહીં ખાટલે મોટી ખોડ છે. કોઈ નેતાને વિશ્વાસ નથી કે મતદારો તેમના નામ પર મત આપશે. આ કારણે તેઓ કોંગ્રેસમાં રહી શકતા નથી અને ત્રિશંકુની જેમ લટકતા તેને છોડી શકતા પણ નથી.

રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા તે પછી તેમણે યુવાન અને કાર્યક્ષમ નવી પેઢીના નેતાઓની ટીમ બનાવી હતી, જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતેન પ્રસાદ, આર.પી.એન.સિંહ, અશ્વિની કુમાર, સચિન પાઇલોટ, મિલિન્દ દેવરા, સંજય નિરૂપમ વગેરે નેતાઓ હતા. રાહુલ ગાંધી તેમની પ્રતિભાનો ઉપયોગ કરી શક્યા નહીં. આ નેતાઓને લાગ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીના હાથમાં સુકાન છે ત્યાં સુધી તેમનો વિકાસ થઈ શકશે નહીં. આ સાત પૈકી પહેલા ચાર નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. બાકીના ત્રણ પણ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. સચિન પાઇલોટે તો પક્ષની નેતાગીરી સામે બળવો કર્યો હતો, પણ પનો ટૂંકો પડતાં તેઓ પાછા ફર્યા હતા. આ બધા નેતાઓ રાહુલ ગાંધી કરતાં વધુ હોંશિયાર હતા; માટે જ તેમનો વિકાસ થતો નહોતો. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ધબડકો થયા પછી રાહુલ ગાંધીએ રુટિનમાં ટ્વિટ કર્યું હતું કે ‘‘અમે મતદારોનો ચુકાદો માથે ચડાવીએ છીએ અને અમે ભૂલોમાંથી બોધપાઠ લઈને ભારતની પ્રજા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.’’ આવું ટ્વિટ તેઓ આઠ વર્ષમાં ૪૦ વખત કરી ચૂક્યા છે. જી-૨૩ ના નેતા શશી થરુરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘‘જો આપણે સફળ થવું હોય તો પરિવર્તન અનિવાર્ય છે. તે માટે આપણે નેતાગીરીને સુધારવાની જરૂર છે.’’ કોંગ્રેસના નેતાઓને હજુ આશા છે કે તેઓ રાહુલ અને પ્રિયંકાને સુધારીને તેમની નેતાગીરીમાં સત્તાનું સિંહાસન હાંસલ કરી શકશે. જે દિવસે તેઓ નેતાને સુધારવાને બદલે નેતાને બદલવાનો સંકલ્પ કરશે તે દિવસે કોંગ્રેસનો ઉદ્ધાર થશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top