Madhya Gujarat

પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલીંગમાંથી નીકળતા જળનું રહસ્ય હજારો વર્ષ બાદ પણ અકબંધ

આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું વૈજનાથ મહાદેવનું મંદિર (Tample) આવેલું છે. અતિ પ્રાચીન અને ઐતિહાસિક ગણાતા દેવાધિદેવ મહાદેવના આ મંદિરનું માહાત્મય અનરૂ છે. ઍક દંતકથા મુજબ હાલ જીટોડીયા ગામ જયાં વસેલ છે તે વિસ્તાર વર્ષો પૂર્વે હિંડબા વન તરીકે જાણીતો હતો.તે સમયે ભીમ હિંડબા સાથે લગ્ન (Marriage) કરીને આ વનમાં રહેતો હતો. કહેવાય છે કે ભીંમ શિવભકત હોવાથી આ વનમાં ભોલેનાથની પૂજા-અર્ચના કરવા માટે શિવલીંગની શોધખોળ કરતો હતો. તે સમયે ઝાંડી-ઝાંખરામાં દટાઈ ગયેલું શિવલીંગ મળી આવ્યું હતું. જયાં ભીમે મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. સમય જતાં કુદરતી આફતોના કારણે આ શિવલીંગ જમીનમાં દટાઈ ગયું હતું.

આ અંગે વધુ માહિતી જાણતા, ઈ.સ.૧ર૧રમાં ગુજરાતમાં રાજા સિધ્ધાર્થ જયસિંહ સોલંકીના શાસનમાં ગાયો ચરાવતા ઍક ગોવાળની ગાય હંમેશા ઍક સ્થળ ઉપર પોતાનું દૂધ ઝરી દેતી હતી. ગાયના આંચળમાંથી દૂધ ખાલી થતું નિહાળી ગોવાળે પોતાના સાથી મિત્રો સાથે તે સ્થળે પાવડા-કોદાળી અને ત્રિકમ જેવા ઓંજારોથી ખોદકામ કરાવ્યું હતું તે સમયે ત્યાં આ શિવલીંગનો પાદુર્ભાવ થયો હતો.

કહેવાય છે કે ઓજારોના ઘા વાગવાથી આ શિવલીંગ ખંડીત થયું હતું.ખંડીત થયેલા આ શિવલીંગના છિદ્રોમાંથી ધીમી ધારે પાણીની ઝાર ફુટી નીકળતા લોકોમાં આશ્રય ફેલાયું હતું. આ વાત રાજા સિધ્ધાર્થના કાને જતા જ તેમણે અહીંયા ખોદકામ કરાવીને પ્રગટ થયેલા શિવલીંગને પાટણના સહસ્ત્રલીંગ તળાવમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે શિવભકત માતા મીનળદેવીને દેવાધિદેવ મહાદેવે સ્વપ્નમાં આવી આદેશ આપ્યો હતો કે આ શિવલીંગ ભગવાન શિવની અમૂલ્ય ભેટ છે તેમાંથી જે જળ વહે છે તે ગંગા જળ જેટલું પ્રવિત્ર છે માટે ભગવાન શિવની આ અમૂલ્ય ભેટને તોડફોડ કરશો નહી. જયાંથી આ શિવલીંગ મળ્યું છે તે સ્થળે જ તેનું નિર્માણ અથવા સ્થાપના કરાવશો. જેથી રાજા સિધ્ધાર્થે સને ૧ર૧રમાં પથ્થરો-ચુના અને પાટલા ઈંટોથી અહીંયા શિવાલય બનાવી તેનો જીણોધ્ધાર કર્યો હતો.

આમ રાજા સિધ્ધાર્થના શાસન કાળમાં જીટોડીયા ખાતે વૈજનાથ મહાદેવનું નિર્માણ થયું હોવાની લોકકથા છે. જો કે મોગલ શાસન દરમિયાન પણ આ મંદિર ઉપર હુમલો થયો હોવાના અવશેષો હાલ અહીંયા મોજૂદ છે.અતિ પ્રાચીન ઍવા વૈજનાથ મહાદેવ મંદિરનું માહાત્મય અનરૂ છે.

અહીંયા સ્વયંભૂ શિવલીંગમાથી હજારો વર્ષોથી અવિરતપણે ગંગાજળ જેવું પવિત્ર જળ નીકળે છે. હજારો વર્ષથી કુદરતની આ કરામતને કોઈ જાણી શકયું નથી.શિવલીંગમાંથી નીકળતું આ જળ કયાંથી અને કેવી રીતે આવે છે તેનું રહસ્ય પણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.

ઍટલું જ નહીં આ જળમાં ઔષધિય ગુણો રહેલા છે માટે વૈજનાથ નામ વૈજનાથમાંથી અપભ્રંશ થઈ પ્રસિધ્ધ થયું છે જે નામે આજે આ મંદિર જાણીતું બન્યું છે. વૈજનાથ મંદિરના પગથિયા ચઢતા જ જમણાં હાથે સાધુ-સંતોની નાની મોટી આશરે ૭પ જેટલી ડેરીઓ આવેલ છે.જેને સમાધિ સ્થાન પણ કહેવામાં આવે છે.

આ સિવાય આ વૈજનાથ મહાદેવના મંદિરના સંકુલમાં ભૈરવનાથ,જાદુઈ હનુમંત,   જલારામ બાપા, સાંઈબાબા, શનૈશ્વર અને સંતોષી માતાનું મંદિર પણ આવેલ છે.પ્રતિદિન,વાર તહેવાર તેમજ સોમવાર અને શનિવારના રોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ અહીંયા દર્શનાથે આવે છે અને દેવાધિદેવ મહાદેવ સહિત અન્ય દેવદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા ઘણા બ્રાહ્મણો શિવ આરાધનામાં લીંન બને છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અસંખ્ય શિવભકતો દાદાના દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના છેલ્લા સોમવાર, જન્માષ્ટમી અને ધરો આઠમ જેવા પર્વ ટાણે વૈજનાથ મહાદેવ ખાતે મેળા પણ ભરાયા છે. જીટોડીયા ગામ સહિત આજુબાજુ ગામના લોકો આ મેળામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top