Madhya Gujarat

પેટલાદના પૌરાણિક વાવ – મંદિરોની જર્જરિત હાલત

પેટલાદ : ઐતિહાસિક પેટલાદ નગરમાં અતિ પૌરાણિક તળાવો, વાવો, મંદિરો, ઈમારતો વગેરે આવેલ છે. જેની જાળવણીના અભાવને કારણે આવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો જર્જરિત હાલતમાં થઈ ગયા છે. જેથી આવા ધાર્મિક સ્થળોના વિકાસ માટે પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવ્યું છે. આ સંસ્થાએ પેટલાદના ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો અને વાવોની જાળવણી થાય તથા હેરિટેજ તરીકે વિકાસ થાય તે માટે રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદના કેટલાક ઐતિહાસિક સ્થળોની સેપ્ટ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ કોન્ઝર્વેશનની ટીમે મુલાકાત પણ લીધી હતી.

ઐતિહાસિક પ્રહલાદપુર નગરમાંથી આજનું પેટલાદ શહેર આશરે 1567 વર્ષ અગાઉનું છે. સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજ ગોપાળ દેવજીએ પોષ સુદ ત્રીજ સંવત 512ને 7મી જાન્યુઆરી 456ના રોજ પેટલાદની સ્થાપના કરી હતી. આ નગર ઉપર ઈ.સ.456થી 1244 સુધી સોલંકી યુગનું સામ્રાજ્ય હતું. આ 841 વર્ષ સુધી સોલંકી શાસન બાદ 16મા સૈકા દરમ્યાન નગરમાં કિશોર પારેખની વાવ તથા તેના બે પાળીયા જેવા યાદગાર સ્થળો બન્યા હતા. સંવત 1778થી 1788ના સમયમાં છત્રપતિ શિવાજીના સુબા પિલાજીરાવ ગાયકવાડે વડોદરા પ્રાંતનો પાયો પેટલાદથી નાંખ્યો હતો. જેથી મરાઠા યુગનો પ્રારંભ થયો હતો.

આ યુગમાં નગરમાં ઐતિહાસિક એવું રામના મંદિર અને કુંડ નિર્માણ પામ્યા હતા. આ ગાળામાં જ શિકોતર માતાની વાવ જેવા ધાર્મિક સ્થળો બન્યા હતા. ત્યાર પછી 18મા સૈકામાં કાળકામાતાનું મંદિર, કુંડ, ભૈરવનાથ મંદિર જેવા સ્થળો નવનિર્મિત બન્યા હતા. આ સૈકાઓ દરમ્યાન ખોડીયાર માતાની વાવ, પાંડવ તળાવ વગેરેનું પણ નિર્માણ થયું હતું. આવા અનેક ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળો ધરાવતા પેટલાદ નગરમાં ઉદ્યોગો પણ ધમધમતાં હતા. જો કે સમય જતાં ઉદ્યોગો પડી ભાંગ્યા છે. જ્યારે ધાર્મિક સ્થળોની જાળવણીના અભાવે ભારે દુર્દશા જોવા મળે છે. આ સ્થળોની જાળવણી અને વિકાસ પ્રત્યે સ્થાનિક નેતાગીરીની સતત અવગણનાને કારણે હવે ચેમ્બર ઓફ કોમર્સે આ દિશામાં પહેલ કરી છે.

પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ધારાસભ્ય કમલેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, વિશ્વ હેરિટેજ ડે નિમિત્તે શહેરની ખોડીયાર વાવ, કિશોર પારેખની વાવ જેવા સ્થળોને હેરિટેજ સ્થળ તરીકે વિકાસ કરવા ભલામણ છે. આ ઉપરાંત નગરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. જેને તરોતાજા અને જીવંત રાખવા નાગરકુવા સ્થિત આવેલ કન્યાશાળાને મ્યુઝિયમ તરીકે વિકાસ કરવો જોઈએ. જેમાં પેટલાદના ઐતિહાસિક સ્થળો અને ઈતિહાસને કંડારવામાં આવે. એમ પણ આ શાળાની ઇમારત ગાયકવાડી સ્ટેટ વખતનું હોવાથી તેની જાળવણી જરૂરી છે. આ સમગ્ર બાબતે તાજેતરમાં સેપ્ટ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ કોન્ઝર્વેશનની ટીમે મુલાકાત પણ લીધી છે. જેઓએ આપેલ રિપોર્ટ ધારાસભ્યને સાદર કરી આ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

હેરિટેજ – ટુરિઝમ તરીકે વિકાસ થઈ શકે
સેપ્ટ યુનિવર્સિટીની ટીમે રામનાથ તળાવ, કુંડ, કિશોર પારેખની વાવ, ખોડીયાર વાવ, કન્યાશાળા જેવા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓએ રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ સ્થળોને હેરિટેજ અને ટુરિઝમ પ્લેસ તરીકે વિકાસ થઈ શકે તેમ છે. પરંતુ આ સ્થળોની જાળવણીમાં સતત અવગણના થઈ હોય તેવું જણાય છે. લાકડાની ઈમારતો સાથે બનેલા ધાર્મિક સ્થળોની જરૂરી માળખાકીય બાંધકામ કરવામાં આવે તો આ સ્થાપત્ય પ્રકારના સ્થળો વિકસી શકે તેમ છે. અહીં વનસ્પતિ ઉગી ગઇ છે અને કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે. આ સ્થળોનો સક્રિય ઉપયોગ, ભંડોળ, સંશાધનોના અભાવને કારણે અવગણના થતી આવી છે. પરંતુ યોગ્ય માવજત કરવામાં આવે તો આ સ્થળો જ્ઞાનના ભંડાર છે.

વિકાસ માટે ઉદ્યોગપતિઓ આગળ આવે
પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી જીગર જાનીએ જણાવ્યું હતું કે, પેટલાદના ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે ધારાસભ્યને રજૂઆત તો કરી જ છે. જેથી સરકારની જે પણ મળવાપાત્ર ગ્રાન્ટ હશે તેનો ઉપયોગ આ માટે કરવામાં આવશે. પરંતુ જો પેટલાદના મૂળ વતનીઓ અને ઉદ્યોગપતિઓ આગળ આવે તો કદાચ આપણો ઐતિહાસિક વારસાની જાળવણી ખૂબ સારી રીતે કરી શકીશું. ઉપરાંત પેટલાદને જો ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવું હશે તો સૌએ સાથે મળીને કંઈક કરવું પડશે.

Most Popular

To Top