Comments

માનવસંચાલિત દુનિયા ક્ષતિરહિત બનવાની નથી

અંતર માપવા માટે ગુજરાતી ભાષામાં ગાઉ શબ્દ વપરાય છે. એ ગાયના વિચરણ પરથી બન્યો છે. ગાય એક દિવસમાં એક દિશામાં જેટલું વિચરણ કરે એ એક ગાઉ. ગાય એનાથી વધારે દૂર જતી નથી. ખરું પૂછો તો આ ધરતી પર કોઈ જીવ પોતાના વતનથી બહુ દૂર જતો નથી અને ઋતુ પ્રવાસી પક્ષીઓ વતનથી બહુ દૂર જાય છે તો ઋતુ બદલાયા સાથે વતન પાછાં ફરે છે. એક માત્ર માનવી એવું પ્રાણી છે જે વતનથી ખૂબ દૂર જાય છે અને કેટલીક વાર ક્યારેય પાછો ફરતો નથી. પ્રાચીન યુગથી માનવી સુખ અને સુરક્ષાની તલાશમાં વતન બદલતો રહે છે.

પાછી વિડંબના જુઓ! વતનઝુરાપો એ અનુભવે છે જે વતનને વફાદાર નથી. વતનની યાદમાં કવિતાઓ લખે, વાર્તા, નવલકથા અને નિબંધો લખે. પાછો એ જ માનવી કોઈ સગાને સુખી કરવા વતન છોડાવી પરદેશ લઇ જાય છે. એ બીજાના વતનપ્રેમ અને વતન પ્રત્યેની વફાદારી વિષે શંકાઓ કરે, તેને ગદ્દાર તરીકેનું લેબલ ચોડે અને હત્યાઓ પણ કરે. આ જગતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં હત્યાઓ અને એનાથી વધુ સતામણી કોઈના દેશ માટેની તેની વફાદારી વિષે શંકાઓ કરીને કરાવવામાં આવે છે. તો શું વતનને છોડવું કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું એ ગુનો છે? બેવફાઈ છે?

જરાય નહીં. આ જગતમાં કોઈ એવો માણસ નહીં મળે જે માનવજીવ જે જગ્યાએ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એના એ સ્થળે રહેતો હોય. આપણે બધા જ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગન્તુક છીએ. આદિવાસીઓ એક જ સ્થળે રહેનારા કેટલા આદિમ છે એ કહેવું મુશ્કેલ છે. તેમણે પણ સો બસો કિલોમિટરનું સ્થળાંતર કર્યું હશે. કાર્લ માર્ક્સે કહ્યું છે કે જગતનો ઈતિહાસ વર્ગસંઘર્ષનો ઈતિહાસ છે. જુદા જુદા વર્ગોનાં હિતસંબંધો અથડાય છે અને અથડાયા જ કરે છે. આનાથી વધાર મોટું સત્ય એ છે કે જગતનો ઈતિહાસ માનવીય સ્થળાંતરનો ઈતિહાસ છે. માણસ ચાર પાંચ પેઢીથી વધારે એક જ સ્થળે રહેતો નથી અને હવે તો તેમાં ઝડપ વધી છે. પણ માણસ પોતાનાં પ્યારા અને પરિચિત વતનને છોડે છે શા માટે? શા માટે પરાયા અને અપરિચિત લોકોની વચ્ચે રહેવા જાય છે? શા માટે જોખમ વહોરે છે?

બીજાં બધાં જીવો ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં જીવે છે. માનવી એક એવું પ્રાણી છે જેણે પોતાની દુનિયા પણ વિકસાવી છે અને એ માનવસર્જિત છે અને માનવ સંચાલિત છે એટલે એ ક્ષતિગ્રસ્ત છે. ગમે તેટલો પ્રયાસ કરે, માનવસર્જિત અને માનવસંચાલિત દુનિયા ક્ષતિરહિત બનવાની નથી. રામરાજ્ય એક કલપના છે, વાસ્તવિકતા નહોતી, નથી અને હોવાની નથી. આ સિવાય માણસ અન્ય પ્રાણીઓની તુલનામાં નિર્બળ છે, ભય અનુભવે છે, અસુરક્ષિત છે, ભવિષ્ય વિશે વિચારીને હજુ વધુ ડરે છે, લાલચ અને સંગ્રહવૃત્તિ ધરાવે છે વગેરે. હજુ એક સમસ્યા છે. માનવીએ રચેલો સમાજ પક્ષપાતી છે, અન્યાયી છે, શોષણ કરે છે, છેવાડાના માનવીને છેવાડે જ રાખવા મથે છે અને તેની અવહેલના કરે છે.

દેખીતી રીતે માણસ ત્યાંથી ભાગવાની કોશિશ કરશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે દલિતોને ગામડાં છોડીને શહેરમાં વસાવાની સલાહ આપી હતી. સામેથી કહ્યું હતું કે ઇજ્જતની જિંદગી જીવવી હોય તો સ્થળાંતર કરો. આગાખાન સાહેબે ૧૯મી સદીમાં ખોજાઓને ગામડાં છોડી શહેરમાં સ્થળાંતરિત થવાની સલાહ આપી હતી. ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી હુલ્લડો પછી મુસલમાનો વતન છોડીને પોતાની કોમની વસ્તી જ્યાં વધુ હોય ત્યાં સ્થળાંતરિત થઈ રહ્યાં છે. અંગ્રેજીમાં આને ઘેટ્ટો કહેવામાં આવે છે. ટૂંકમાં એકથી બીજી જગ્યાએ સ્થળાંરિત થવા માટે અનેક કારણો છે અને તેમાંનાં મોટા ભાગનાં કારણો માણસના જ પેદા કરેલાં હોય છે. કુદરત રૂઠે અને સ્થાળાંતર કરવું પડે એવી પણ ઘટનાઓ બને છે પણ આજકાલ એમાં પણ મોટા ભાગે તો માનવી જ જવાબદાર હોય છે. માનવી કુદરત સાથે ચેડાં કરે છે અને કુદરત રૂઠે છે.

આ વાત થઇ સ્વૈચ્છિક સ્થાળાંતરની. કેટલાં બધાં સ્થળાંતરો અસ્વૈચ્છિક અને સામુહિક હોય છે. ચોક્ક્સ કોમને રીતસર ભગાડી મૂકવામાં આવે છે અથવા જીવ બચાવવા વતન છોડીને ભાગી જવું પડે છે. તમને ખબર છે? જગતની ૧.૨ ટકા વસ્તી નિરાશ્રિત (રેફ્યુજીઝ) છે અને તેમાં વધારો થઇ રહ્યો છે. ઘણા દેશો નિરાશ્રિતોને આશ્રય આપતા નથી અને તેમને આશ્રય મેળવવા ભટકવું પડે છે. આખી જિંદગી અને કયારેક તો બબ્બે પેઢીને નિરાશ્રિતો માટેની છાવણીઓમાં જીવવું પડે છે. ક્યાંક વિદેશમાં જવાનો ક્રેઝ હોય છે અને ક્યાંક પરાઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top