Columns

ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય પછી વધારે સમૃધ્ધ બને

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુવાનોને સલાહ આપી છે કે તેમણે અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષામાં વાતચીત કરવી જોઈએ. તેઓ સંઘસુત છે એટલે એક દેશ એક ભાષા વગેરે એક એક એકનું વળગણ ધરાવે છે. આ સિવાય આ સમયે સમયે નીરવામાં આવતો ચારો પણ છે કે જેથી મોંઘવારી, બેરોજગારી, સંતાનોનું ભવિષ્ય વગેરે વિષે વિચારીને આડુંઅવળું વિચારે નહીં અને અન્યત્ર તો જરાય જુએ નહીં. તેમણે વળી ફ્રાંસ, જર્મની અને જપાનના દાખલા પણ આપ્યા છે અને કહ્યું છે કે જુઓ તેઓ કેવી રીતે પોતાની જ ભાષામાં વાત કરે છે.

અહીં ત્રણ વિકલ્પોની વાત કરીએ:
૧. એક દેશ એક ભાષા.
૨. એક ભાષા એક દેશ.
૩. એક દેશ અનેક ભાષા. અને માત્ર ભાષા જ શા માટે? અનેક ધર્મ, અનેક વંશ, અનેક જાતિ, અનેક વ્યંજન, અનેક પહેરવેશ, અનેક રીતિરિવાજ વગેરે અનેક પ્રકારના અનેક.
આ ત્રણ વિકલ્પોમાંથી કયો વિકલ્પ રૂડો કહેવાય? કયો વિકલ્પ તમારી પ્રતિષ્ઠા વધારનારો છે? કયો વિકલ્પ બીજા માટે અનુકરણીય સાબિત થાય? શાંતિથી વિચારજો પણ અહીંયા ચર્ચા આગળ વધારીએ.

પહેલો વિકલ્પ આકર્ષક છે, પણ દાદાગીરીવાળો છે. આ સિવાય હિન્દી-અંગ્રેજીની બાબતે વ્યાવહારિકતાના પણ પ્રશ્નો છે અને જમીન પરની વ્યવહારિક જરૂરિયાત અને સ્વાર્થ સામે કોઈના બાપનું કશું ચાલતું નથી. ચીનનો જ દાખલો લો. લડાખમાં ગાલ્વાનની ઘટના બની એ પછી રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો ઉભાર આવ્યો હતો. ચીનના માલનો બહિષ્કાર કરવો જોઈએ વગેરે. પરિણામ તમારી સામે છે. ૧૩મી એપ્રિલે ભારત અને ચીન વચ્ચેના વ્યાપારના આંકડા બહાર પડ્યા છે જે એમ કહે છે કે આ વરસની પહેલી ત્રિમાસીમાં બે દેશો વચ્ચેના ધંધામાં આગલી ત્રિમાસિની તુલનામાં ૧૫ટકાનો વધારો થયો છે.

આમાં ભારતે ચીનથી ૨૭.૧ અબજ ડોલરની કિંમતના માલ-સામાનની આયાત કરી છે અને નિકાસ માત્ર ૪.૮૭ અબજ ડોલરની કિંમતના માલ-સામાનની કરી છે. કુલ ધંધામાં 85%ની આયાત અને 15 %ની નિકાસ. ક્યાં ગયો દેશપ્રેમ? ક્યાં ગયો રાષ્ટ્રવાદ? ના, ચીનથી આયાત કરનારા વેપારીઓ દેશદ્રોહી મુસલમાન નથી, દેશપ્રેમી હિંદુઓ છે. જો મુસલમાન સામે હોય તો નસેનસમાં દેશદાઝ વહે છે, પણ અંગત સ્વાર્થ આવે ત્યારે દેશપ્રેમ પાતળો પડી જાય છે. ‘ધ ડિપ્લોમેટ’ નામની વિદેશવ્યવહાર માટેની થીંકટેંકમાં ક્રિઝસ્ટોફ ઇવાનેક નામના દક્ષિણ એશિયાની બાબતોના નિષ્ણાતે ૨૮ મી માર્ચના તેમના લેખમાં લખ્યું છે કે જો ચીન-ભારત વચ્ચેની ૮૫:૧૫ ટકાની વેપારખાઈ ચાલુ રહેશે તો એક દિવસ ચીન ભારતમાં કરવામાં આવતી નિકાસ ઉપર પ્રતિબંધો મૂકીને ભારતનું નાક દબાવશે. ઊંધું થશે. દેશપ્રેમનું શીર્ષાસન થશે.    

જે ચીન સાથે વેપારની બાબતે બની રહ્યું છે એ દેશમાં હિન્દીની બાબતે બની રહ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે લાભો લેવામાં પહેલી પંક્તિમાં ગોઠવાઈ ગયેલા લોકોને અંગ્રેજી ભાષા છોડવી નહોતી. અંગ્રેજી થકી આ લાભો મળી રહ્યા છે, લાભોનું ભાષાઆધારિત એક તંત્ર ગોઠવાઈ ગયું છે અને આપણે એ તંત્ર બરાબર અપનાવી લીધું છે અને ગોઠવાઈ ગયા છીએ  તેમાં નવી ભાષા ક્યાં અપનાવવી! નવેસરથી હિન્દી ભાષામાં તંત્ર ગોઠવવું પડે અને તેમાં ગોઠવાવું પડે. આ ભવે આ થઈ શકે એમ નથી અને આપણાં સંતાનો પણ ગોઠવાઈ શકશે કે કેમ એ સવાલ છે માટે અંગ્રેજી ભાષા ટકી રહેવી જોઈએ.

કનૈયાલાલ મુનશી અને બીજા દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓ હિન્દી ભાષાની વકીલાત અંગ્રેજી ભાષામાં કરતા હતા. ચીન સાથેના વેપાર જેવું જ દેશપ્રેમનું શીર્ષાસન! બીજો પક્ષ દુરાગ્રહ છે. હમણાં કહ્યું એમ હિન્દીની વકીલાત કરતો અભ્યાસપૂર્ણ  અહેવાલ હિન્દીમાં ભાગ્યે જ જોવા મળશે અને જો જોવા મળશે તો એવી હિન્દીમાં લખાયેલો હશે કે તેને વાંચતા આંખમાંથી લોહી નીકળે. હિન્દી ભાષા એટલી સંસ્કૃતનિષ્ઠ હોવી જોઈએ કે એમાં અરેબીક, ફારસી કે તુર્કી ભાષાનો એક શબ્દ નહીં જોઈએ, પછી ભલે એ લોકજીભે ચલણી હોય. અંગ્રેજી ભાષાના શબ્દો પણ ન હોવા જોઈએ. કેટલાક હિન્દી વિદ્વાનો દેશીય (લોકભાષામાં સામાન્ય પ્રજા દ્વારા વપરાતા શબ્દો) શબ્દો પરત્વે પણ છોછ અનુભવે છે.

આ સિવાય ધાતુપાઠ ઉપલબ્ધ છે અને ધાતુમાંથી શબ્દ બનાવવાની પાણીનીય વ્યાકરણ પ્રક્રિયા ઉપલબ્ધ છે એટલે જરૂર પડે ત્યારે શબ્દ બનાવી લેવાનો. હિન્દી ભાષાના વિદ્વાનોએ ચલણી શબ્દોને નકારીને અને અજાણ્યા શબ્દોનું ઉત્પાદન કરીને હિન્દીને (ખાસ કરીને સરકારી હિન્દીને) એવી ક્લિષ્ટ કરી મૂકી છે કે વાંચનાર હાંફી જાય. આનું પરિણામ શું આવ્યું છે એ જાણો છો? હવે હિન્દી પ્રદેશના લોકો હિન્દીને નકારવા લાગ્યા છે. અવધી, મગધી, બુન્દેલી, ભોજપુરી, મૈથિલી, વ્રજ વગેરે ભાષા બોલનારા લોકો કહેવા લાગ્યા છે કે આવી કૃત્રિમ હિન્દી કરતાં અમારી સહજ, સરળ અને મીઠી ભાષા શું ખોટી? જે ભાષામાં તુલસી, કબીર અને સુરદાસ થયા હોય એ ભાષાને અવિકસિત કેમ કહેવાય?

અને ત્રીજો પક્ષ છે ગેરહિન્દીભાષિક પ્રદેશનો હિન્દી સામેનો વિરોધ, ખાસ કરીને દક્ષિણ ભારતનો. એક તો હિન્દી માથે મારવામાં આવે અને એ પણ વાંચનાર હાંફી જાય એવી અઘરી. જ્યાં હિન્દી ભાષિક હિન્દી ન સમજી શકતો હોય ત્યાં તમિલ હિન્દી સમજે અને સ્વીકારે એ બહુ દૂરની વાત છે. જો ગાંધીજીએ કહ્યું હતું એવી હિન્દુસ્તાનીને ભારતની ભાષા તરીકે સ્વીકારી હોત તો કદાચ દક્ષિણ ભારતે સ્વીકારી પણ હોત. હિન્દુસ્તાની પ્રચાર સભાને દક્ષિણ ભારતમાં સારો પ્રતિસાદ મળવા પણ લાગ્યો હતો.

 પણ સમસ્યા એ હતી કે હિન્દુસ્તાનીમાં દેશીય શબ્દો છે, અરેબીક-ફારસી જેવા ગેરસંસ્કૃત ભાષાના શબ્દો છે, તે મુસલમાન પણ બોલે છે અને હિંદુઓ પણ બોલે છે, તેનું વ્યાકરણ લચીલું છે અને એ બધું હિંદુ માનસ ધરાવતા હિન્દી વિદ્વાનોને સ્વીકાર્ય નહોતું. તેમણે હિન્દુસ્તાન માટે હિન્દુસ્તાનીને નકારીને હિંદુઓ માટે હિન્દી ભાષા વિકસાવી હતી. આમ હિન્દી ભાષા હિંદુ કોમવાદીઓનું રમકડું બની ગઈ. તો પહેલા વિકલ્પને તપાસ્યા પછી સાર એટલો નીકળે છે કે એક દેશ એક ભાષાના પ્રયોગને નિષ્ફળ બનાવવામાં હિંદુ માનસ ધરાવનારાઓનો મોટો હાથ છે. 

બીજો વિકલ્પ છે એક ભાષા એક દેશ, જેનો ગૃહ પ્રધાન અમિત શાહે ફ્રાંસ અને જર્મનીનો દાખલો આપીને અનાવધાને બહુ મહિમા કર્યો છે. વિનોબા ભાવેએ બહુ સરસ વાત કરી છે. તેમણે કહ્યું છે કે યુરોપમાં એક ડઝન દેશો એવા છે જે એક જ ધર્મી છે, વંશની વાત કરીએ તો ભલે એક નહીં, પણ માત્ર બે-ત્રણ વંશની પ્રજા છે, તેમની ભાષાનું કુળ એક જ લેટીન છે એટલે કે યુરોપની ભાષાઓ ગુજરાતી-મરાઠીની જેમ ભગિની ભાષાઓ છે અને છતાં જેટલી ભાષા એટલા દેશ છે. બીજી બાજુ ભારતમાં અનેક ધર્મની પ્રજા વસે છે, અનેક વંશની પ્રજા વસે છે, ભાષાઓનાં એક કરતાં વધુ કુળ છે, લોકો સેંકડો ભાષાઓ બોલે છે અને છતાંય એક દેશમાં સાથે રહે છે. મહિમા કોનો વધારે? ભાષાવાર અલગ ઘર માંડાનારાઓનો કે અનેક ભાષા બોલવા છતાં એક જ ઘરમાં રહેનારાઓનો?

સમસ્યા દેશની નથી, હિન્દુત્વવાદીઓની છે. માત્ર હિન્દુત્વવાદીઓની નહીં દરેક પ્રકારના અસ્મિતાવાદીઓની છે. તેઓ સાથે જીવી શકતા નથી. સહિયારાપણું તેમને માફક આવતું નથી. અન્યોથી તેઓ ગભરાય છે. અન્ય હકીકતમાં અન્ય છે જ નહીં, આપણો પોતાનો ભારતીય જ છે, પણ તેઓ લઘુતાગ્રંથિ ધરાવે છે એટલે ગભરાય છે. સાથે જીવવું નથી એટલે “અન્ય” ઉપર અને “પોતાના” ઉપર ઓળખોના આવરણો ચડાવે છે અને લપેડા કરે છે.

આ તેમની માનસિક બીમારી છે જેને રાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. તેમને સાથે જીવવું નથી એટલે એક દેશ અનેક ભાષા અને બીજું બધુંવાળો વિકલ્પ માફક આવતો નથી. જો કૃત્રિમ હિન્દીની જગ્યાએ હિન્દુસ્તાનીને ભારતની જોડનારી ભાષા તરીકે અપનાવવામાં આવે તો તે ધીરેધીરે આખા દેશમાં સ્વીકાર્ય બની શકે એમ છે. ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય એ પછી એમાં સાહિત્યિક ખેડાણ થાય અને ભાષા વધારે સમૃદ્ધ બને. એ પછી એ વહીવટી ભાષા બની શકે અને છેવટે અદાલતની ભાષા પણ બને. પણ આ બધું ત્યારે થાય જ્યારે ભાષાને ઉગવા દેવામાં આવે, તેનું વાવેતર કરવાથી ન થાય. દેશમાં હિંદુ-હિન્દી અસ્મિતાવાદીઓ ધાતુપાઠ અને પાણીનીય વ્યાકરણ દ્વારા હિન્દીનું વાવેતર કરે છે અને ફસલ ઊગતી નથી.

Most Popular

To Top