Dakshin Gujarat Main

વલસાડના IT પ્રોફેશનલ યુવાનનું જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું, શું તમે પણ આવી ભૂલ કરતા નથી ને?

વલસાડ : હેકર્સ (Hackers) દ્વારા ડુપ્લિકેટ ઇન્સ્ટાગ્રામ (Instagram) કે ફેસબુક (Facebook) એકાઉન્ટ બનાવીને લોકો સાથે ઠગાઇ (Fraud) કરવાની મોડેસ ઓપરેન્ડી હવે જૂની થઇ ગઇ છે. હવે સાઇબર ઠગ (Cyber Cheater) નહીઁ, પણ હેકર્સ આવી ઠગાઇમાં ઉતરી પડ્યા છે. જેઓ જે તે વ્યક્તિનું ઓરિજનલ એકાઉન્ટ જ હેક કરી લે અને તેના પરથી અન્યોને મેસેજ મોકલાવી રહ્યા છે. આવું જ વલસાડના એક આઇટી પ્રોફેશનલ યુવાન સાથે બન્યું હતું. જોકે, યુવાન પોતે નિષ્ણાંત હોય તેણે જુદી જુદી ઇન્સ્ટ્રક્શન ફોલો કરી ફેઇસ રેકોગ્નાઇઝેશનથી પોતાનું આઇડી પરત મેળવી લીધું હતુ.

  • યુવાન આઇટી પ્રોફેશનલ હોવા છતાં તેણે મુશ્કેલીથી પોતાનું એકાઉન્ટ પરત મેળવ્યું
  • સામાન્ય લોકો સાથે આવું બને તો તેનું એકાઉન્ટ પરત મેળવતા નવનેજા પાણી ઉતરી જાય

વલસાડની સોલારીશ સોસાયટીમાં રહેતા અને મુંબઇની (Mumbai) એક આઇટી કંપનીમાં કામ કરતા સાગર મિસ્ત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંગળવારે સવારે એક પોસ્ટ થઇ હતી. જેમાં તે પોતે બિટકોઇન (Bitcoin) થકી 8,00, 907 રૂપિયા કમાઇ ગયો છે. સાથે આ પૈસા તેના એકાઉન્ટમાં જમા થઇ ગયા હોવાનો મેસેજ તેના પર આવ્યો હોય એવો તેના મોબાઇલના લોક સ્ક્રીન પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેની જાણ તેને થતાં તેણે તુરંત પોતાનું એકાઉન્ટ તપાસ્યું તો હેકર્સ તેના મોબાઇલમાંથી તેના ઇન્સ્ટાગ્રામમાંથી લોગ આઉટ કરી દીધું હતુ.

હેકર્સે તેના એકાઉન્ટમાં પોતાનો ઇમેઇલ એડ્રેસ નાખી દીધો અને તેનો સમગ્ર કંટ્રોલ પોતાની પાસે મેળવી લીધો હતો. તેની પોસ્ટમાં સાન્દ્રા નામની વિદેશી મહિલાની ઇન્વેસ્ટીંગ સર્વિસની જાહેરાત થઇ હતી. જે સંપૂર્ણ ફ્રોડ હતી. જેના કારણે તેણે ઇન્સ્ટાગ્રામની વિવિધ સુચનાઓ અનુસરી અને પછી પોતાનું ફેઇસ રેકોગ્નાઇઝેશન આપી પોતાનું એકાઉન્ટ તુરંત રિકવર કરી લીધું હતુ અને વધુ મોટા ફ્રોડથી બચી ગયો હતો.

આવું અન્ય કોઇ વ્યક્તિ સાથે પણ થઇ શકે છે. તેમજ આવી રીતે પોતાના કોઇ મિત્રના એકાઉન્ટ પરથી પોસ્ટ મળે તો તેને અનુસરતા પહેલાં તેની ખરાઇ કરવી જરૂરી બની છે. સાગર આઇટી પ્રોફેશનલ હોવા છતાં તેણે મુશ્કેલીથી પોતાનું એકાઉન્ટ પરત મેળવ્યું છે. સામાન્ય લોકો સાથે આવું બને તો તેનું એકાઉન્ટ પરત મેળવતા નવનેજા પાણી ઉતરી જાય છે અને કેટલાક સંજોગોમાં એકાઉન્ટ પરત મળતું પણ નથી.

એકાઉન્ટ હેક થતાં બચવા ટુ ફેક્ટર વેરિફીકેશન લોગ ઇન રાખો
વલસાડના યુવાન સાગર મિસ્ત્રીએ જણાવ્યું કે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખૂબ જુનું છે. તેણે પોતાના મોબાઇલમાં તેને ઘણા સમયથી લોગ ઇન કર્યું હતુ. ત્યારે લોગ ઇન માટે ટુ ફેક્ટર વેરિફીકેશન ન હતુ. જેના કારણે તેનું એકાઉન્ટ હેક થઇ ગયું હતુ. જોકે, આ એકાઉન્ટ રીકવર કર્યા બાદ લોગ ઇન માટે હંમેશા ટુ ફેક્ટર વેરીફિકેશન રાખો. જેના કારણે જ્યારે પણ નવા ડિવાઇસ પર કે ચાલુ ડિવાઇસ પર ઇન્સ્ટાગ્રામ લોગ ઇન કરવાનું હોય ત્યારે મોબાઇલ પર એક મેસેજ આવે અને મેસેજના કોડ નાખ્યા બાદ તેનુ લોગ ઇન થઇ શકે છે.

AI થી જ એકાઉન્ટ હેક થયાની શંકા
સાગરે જણાવ્યું કે, AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ. તેના થકી બનેલા હેકર્સના પ્રોગ્રામે તેનું એકાઉન્ટ હેક કર્યું હોઇ શકે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ તેનો ફોટો લઇ તે મોબાઇલના વોલ પેપરમાં છે અને લોક સ્ક્રિન પર બેંકનો મેસેજ આવ્યો છે, એવી એક ઇમેજ પણ તેણે જ બનાવી હોઇ શકે અને આ ઇમેજ પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની ચાલ હોઇ શકે છે.

બિટકોઇનના ફ્રોડમાં એક યુવાને રૂપિયા 36 લાખ ગુમાવ્યા
સોશિયલ મિડિયામાં બિટકોઇન થકી થતી કમાણીની લ્હાયમાં વલસાડ જિલ્લાના એક નોકરિયાત યુવાને રૂપિયા 36 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ પણ સાઇબર ક્રાઇમમાં થઇ છે. આ યુવાન આવી જાહેરાતમાં લલચાઇ ગયો અને પછી તેની પાસે પૈસા ન હોય તેણે લોન લઇ રૂપિયા 36 લાખનું રોકાણ કર્યું જેને એક પણ રૂપિયો પરત મળ્યો નથી. તે રૂ. 40 હજાર પ્રતિમાસના પગારે નોકરી કરે છે અને હવે તેણે રૂ. 80 હજારનું વ્યાજ ભરવું પડી રહ્યું છે. ત્યારે કોઇ પણ વિષયમાં જાણ્યા વિના આવી પ્રોફાઇલ પર કે જાહેરાત પર વિશ્વાસ કરવો નહી.

Most Popular

To Top