Gujarat

નિયમો માત્ર લોકો માટે છે, પોલીસ માટે નથી? : પોલીસ જવાનોએ અહીં ઉડાડ્યા ગાઈડલાઈનના ધજાગરા

ગાંધીનગર : રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પોલીસ એકેડમી દ્વારા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢના કરાઈ એકેડમી, ખલાલ, પીટીએસ, વડોદરા, પીટીસી જુનાગઢ, સોરઠ ચોકી જુનાગઢ વગેરે સ્થળોએ દિક્ષાંત સમારોહ યોજાયો છે. જુનાગઢ કરાઈ એકેડમી ખાતે 438 લોકરક્ષકની દિક્ષા પરેડ યોજાઇ હતી. જેમાં કુલ 7800 લોકરક્ષક દળની પરેડ યોજાઈ હતી. ત્યારે આ સમારોહમાં પોલીસ અને જનતા માટે કાયદો અલગ અલગ છે એવુ પુરવાર કરતો વીડિયો જુનાગઢથી સામે આવ્યો છે. જુનાગઢ પોલીસ લોક રક્ષક ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ જવાનોનાં ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સુધી આ વીડિયો પહોંચે તે પહેલા તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અને જનતા માટે કાયદો અલગ અલગ
સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને તમામ એલઆરડી જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક તાલીમ વિકાસ સહાય દ્વારા સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તેની વિગતો મંગાવવવામાં આવી છે. ઘટના સમયે કોઈ અધિકારીઓ હાજર હતા તે અંગે પણ તપાસ કરાશે. તો સાથે જ તેઓએ કહ્યું કે, તપાસ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે અહીં સાબિત થાય છે કે ગુજરાતમાં હવે જવાબદાર નેતાઓ, સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ બેફામ બની રહ્યા છે. નિયમો તોડવામાં અવ્વલ બની રહ્યા છે, પરંતુ દંડ માત્ર પ્રજા પાસેથી જ વસૂલ કરવામાં આવે છે.

આ વિશે અધિક પોલીસ મહાનિર્દેશક, વિકાસ સહાયે જણાવ્યું કે, પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જે પણ સામે આવશે તે વિશે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોની પુષ્ટિ હજી અમે કરી નથી. ગંભીરતા સમજીને તેને ગંભીરતાથી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજી આજે સવારે જ કરાઈ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે પોલીસ જવાનોને દીક્ષાત સમારોહમાં સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મોટી શીખ આપી હતી. તેઓએ જવાનોને ટકોર કરીને કહ્યું હતું કે, આજના સમયમાં સોશિયલ મીડિયાની નજર આપણા પર હોય છે. આ સમયે આપણું વર્તન ઉદાહરણ પુરુ પાડે તેવું હોવું જોઈએ.

ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ જવાનોને કહ્યું હતું કે આજે ગુનેગારો હાઇફાય અને વાઈફાય બની ગયા છે. અનેક ટેકનોલોજીનો સહારો લઈને ગુનો આચરતા થયા છે. પોલીસ વિભાગમાં ટેકનોલોજિકલ અપગ્રેડેશન ત્યારે જ મળે જ્યારે પાયામાં રહેલો લોકરક્ષક જવાન તેનાથી સંપૂર્ણ રીતે સજ્જ હોય. તે ટેકનોલોજીથી સંપૂર્ણ રીતે માહિતગાર હોય તે જરૂરી છે. હજી સવારે આ નિવેદનના થોડા કલાક બાદ જ આ વીડિયો સામે આવ્યો છે. જે ગુજરાત પોલીસ પર મોટી લપડાક સમાન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top