ડાકોર : યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાંથી ત્રણ દિવસ બાદ 251 મી રથયાત્રા નીકળનાર છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા હજી સુધી માર્ગ પરના ખાડા પુરવાની કે બંધ સ્ટ્રીટલાઈટો ચાલુ કરવાની તસ્દી લેવામાં આવી નથી. ત્યારે, પાલિકા તંત્રના વાંકે આ વખતે ખખડધજ માર્ગ પરથી રથયાત્રાને પસાર થવું પડે તેવી સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે, પાલિકાતંત્ર વહેલીતકે ખાડા પુરવાની કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાંથી આગામી તા.21-6-23 ને બુધવારના રોજ 251મી રથયાત્રા નીકળવાની છે. જેને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યાં હોવાથી મંદિર પ્રશાસન રથયાત્રાની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. શ્રીજી ભગવાના ચાંદી તેમજ પિત્તળના રથને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા રૂટ પર શ્રીજી ભગવાન જ્યાં બેઠક કરવાના છે, તે જગ્યાઓમાં પણ સાફસફાઈ કરી દેવામાં આવી છે. અન્ય તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે.
જોકે, બીજી બાજુ ડાકોર નગરપાલિકાનું નઘરોળ તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. જે રૂટમાં ભગવાનની રથયાત્રાની નિકળવાની છે, તે જ રસ્તા હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે. મંદિરથી ૧૦૦ મીટરના અંતરમાં રથયાત્રા રૂટના રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. તદુપરાંત સાંજના સમયે રથયાત્રા પરત આવે છે, તે રૂટમાં માખણિયાઆરાથી વેરાઇમાતાના મંદિર સુધી તેમજ સત્યમ સોસાયટી સામે નવીનગરી સુધી સ્ટ્રીટ લાઇટો બંધ છે. ત્યારે, પાલિકાતંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી વહેલીતકે રથયાત્રા રૂટ પરના ખાડા પુરવા તેમજ બંધ સ્ટ્રીટલાઈટો ચાલુ કરવાની તસ્દી લે તેવી ગામના સ્થાનિકોની માગણી તેમજ લાગણી છે.
આ બાબતે રાજેશભાઈ દરબાર જણાવે છે કે, જ્યારે ભગવાનનો રાતના સમયે રથયાત્રાનો રથ આ માખણીયારાથી વેરાઈ માતાના મંદિર સુધી આવે છે. તે જ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો તેમજ રસ્તા તૂટી ગયા છે. તે આજ દિન સુધી ડાકોર નગરપાલિકા દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યા થતી. તેમજ સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. ડાકોર નગરપાલિકાના અધિકારીને સ્ટ્રીટ લાઇટો ચાલું કરવા રજૂઆત કરવામાં આવી છે. છતાં ડાકોર નગરપાલિકાનું તંત્ર ધોર નિંદ્રામાં જ છે.